માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સુરતના ઇચ્છાપોર વિસ્તાર ખાતે સામે આવી છે. મૂકબધિર યુવતીની નિર્દોષતા અને લાચારીનો ગેરફાયદો ઉઠાવવાનો ગંભીર આરોપ 21 વર્ષીય અભિષેક મોતીલાલ શાહ પર લાગ્યો છે.વિશ્વાસના નામે નજીક આવી તેણે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે.પરંતુ આ કેસની સૌથી મજબૂત વાત એ છે કે યુવતીનું મૌન જ હવે તેના ન્યાય માટેનો સૌથી શક્તિશાળી અવાજ બન્યું છે. તેની હિંમત અને પરિવારના સહકારથી મામલો પોલીસ સુધી પહોંચ્યો છે,સમગ્ર મામલે એસીપી શ્વેતા ડેનિયલ એ જણાવ્યું હતું કે 21 વર્ષીય આરોપી અભિષેક શાહ છેલ્લા એક વર્ષથી પીડિતાના સંપર્કમાં હતો. યુવતી બોલી અને સાંભળી શકતી ન હોવાથી આરોપીએ તેની આ પરિસ્થિતિનો ખોટો લાભ લીધો હતો.આરોપીએ યુવતીના અંગત ફોટા પાડી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.ધમકીના આધારે તેણે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને બાદમાં ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા મૂકબધિર વિકાસ ટ્રસ્ટ આગળ આવ્યું અને યુવતીને સહાય પૂરી પાડી.
પોલીસે પણ સંવેદનશીલતા દાખવી અને સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી યુવતીનું નિવેદન નોંધ્યું.આ નિવેદન પરથી મહત્વપૂર્ણ કડીઓ મળી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.આ સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી છે. સાથે જ સંદેશ પણ આપ્યો છે કે ભલે પીડિત અવાજ ઉઠાવી ન શકે, પરંતુ કાયદો અને સંવેદનશીલ વ્યવસ્થા તેની સાથે ઉભી છે.
સાઇન લેંગ્વેજ દ્વારા ખુલ્યો સત્ય
યુવતી પોતાની વાત સ્પષ્ટ રીતે કહી શકતી નહોતી. ત્યારે પોલીસની મદદે મૂકબધિર વિકાસ ટ્રસ્ટ આગળ આવ્યું.ટ્રસ્ટના મદદનીશ શિક્ષકે સાઇન લેંગ્વેજ દ્વારા યુવતી સાથે વાતચીત કરી અને તેની આપવીતી પોલીસ સમક્ષ શબ્દોમાં રજૂ કરી. યુવતીના ઈશારા અને આંખોના સંકેતો એક હૃદયદ્રાવક સત્ય કહી રહ્યા હતા તેને અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.
એક વર્ષથી ચાલતું શોષણ
બિહારના સારણ જિલ્લાનો વતની અને શ્રમિક તરીકે કામ કરતો 21 વર્ષીય અભિષેકકુમાર મોતીલાલ શાહ યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીની નિર્દોષતા અને શારીરિક મર્યાદાનો ગેરફાયદો ઉઠાવ્યો આરોપી એ અંગત પળોના ફોટા ચોરીછૂપીથી પાડી લીધા ,સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ શરૂ કર્યું,ધમકીઓના આધારે વારંવાર દુષ્કર્મ આચર્યું,આ સમગ્ર ઘટના લગભગ એક વર્ષથી ચાલતી હતી.
ટેકનિકલ સર્વેલન્સથી નવસારીમાં ઝડપાયો
ગુનો કર્યા બાદ આરોપી નવસારી જિલ્લાના વેસ્મા વિસ્તારમાં છુપાઈ ગયો હતો. તેને લાગ્યું હતું કે મૂકબધિર યુવતી ક્યારેય પોતાની વાત કહી શકશે નહીં.પરંતુ સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી મળેલી માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને તેને ઝડપી પાડ્યો.
પોલીસ કાર્યવાહી
યુવતીની ફરિયાદના આધારે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. યુવતી સાંભળી અને બોલી શકતી નથી, છતાં પોલીસે અત્યંત સંવેદનશીલતા દાખવી સમગ્ર કેસની તપાસ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સંદેશ સ્પષ્ટ છે
આ કેસ એ સાબિત કરે છે કે મૌન પણ સત્ય બોલે છે, જો સાંભળવાની ઇચ્છા હોય.પોલીસ અને ટ્રસ્ટની સંવેદનશીલ કામગીરીને કારણે એક મૂકબધિર યુવતીને ન્યાય મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.