આજકાલ કેટલાક ચિકિત્સકો શરીરનાં સાત ચક્રોને શુદ્ધ કરવા દ્વારા હઠીલા રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. આપણાં શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી હોય છે, તે ઊર્જાનો પ્રવાહ શરીરના સાત બિંદુઓ વાટે બહાર આવે છે. આ સાત બિંદુઓને ચક્રો કહેવામાં આવે છે. જો મનુષ્ય અધ્યાત્મની કે ભૌતિક દુનિયામાં પણ સુખી અને સફળ થવા માગતો હોય તો તેનાં સાતેય ચક્રો શુદ્ધ હોવાં જરૂરી છે. યોગીપુરુષો ચક્રોને શુદ્ધ કરવાની વિદ્યા જાણતા હોય છે, માટે તેમના સાન્નિધ્યમાં આપણને હકારાત્મક ઊર્જા (Positive Energy)નો અનુભવ થાય છે.
મનુષ્યના શરીરમાં કરોડો નાની-મોટી નાડીઓ હોય છે. આ તમામ નાડીઓ શરીરમાં કુલ ૧૧૪ જગ્યાએ જંક્શનો બનાવે છે. આ જંક્શનો હકીકતમાં ત્રિકોણના સ્વરૂપમાં હોય છે, પણ તેમને ચક્રો કહેવામાં આવે છે. કુલ ૧૧૪ ચક્રો પૈકી ૨ ચક્રો શરીરની બહાર હોય છે. ૧૧૨ ચક્રો શરીરની અંદર હોય છે, પણ તેમાંનાં ૧૦૮ ચક્રો પર જ આપણે કામ કરી શકીએ છીએ. ૧૦૮નો આંકડો આધ્યાત્મિક દૃષ્ટિએ બહુ મહત્ત્વ ધરાવે છે. મનુષ્ય જો તંદુરસ્ત જિંદગી જીવવા માગતો હોય તો તેનાં ૨૧ ચક્રો સક્રિય હોવાં જોઈએ. આ ૨૧ ચક્રોનો પાયો તો ૭ ચક્રો જ છે. આ દરેક ચક્રમાં પિંગળા, ઇડા અને સુષુમ્ણા નાડી હોવાથી કુલ ૨૧ ચક્રો આપણા શરીરમાં સક્રિય રહેતાં હોય છે.
(૧) મૂલાધાર ચક્ર (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (૩) મણિપુર ચક્ર (૪) અનાહત ચક્ર (૫) વિશુદ્ધ ચક્ર (૬) આજ્ઞા ચક્ર (૭) અને સહસ્રાર ચક્ર. શરીરનાં સાતેય ચક્રો સાથે આપણી અંત:સ્રાવી ગ્રંથિઓ (Hormonal Glands) જોડાયેલી હોય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ શરીરના કિડની, હૃદય, પેન્ક્રિયાસ, ફેફસાં, મગજ વગેરે મહત્ત્વનાં અંગોનું નિયમન કરે છે. જેટલાં આપણાં ચક્રો શુદ્ધ હોય તેટલી અંત:સ્રાવી ગ્રંથિઓ વધુ ક્ષમતાથી કાર્ય કરે છે. આ કારણે ચક્રોની શુદ્ધિ વડે શારીરિક સ્વાસ્થ્ય હાંસલ કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં જાગતિક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે.
આ વિશ્વમાં અનાદિ કાળથી આજ દિન સુધી જેટલા તીર્થંકર પરમાત્મા થઈ ગયા, સિદ્ધ ભગવંતો થઈ ગયા, શાસનપ્રભાવક આચાર્ય-ઉપાધ્યાય-મુનિ ભગવંતો થઈ ગયા, તેમની ઊર્જા વિશ્વમાં વહેતી હોય છે. જો આપણાં સાત ચક્રો શુદ્ધ હોય તો તે ઊર્જાનું જોડાણ આપણા શરીરની ઊર્જા સાથે કરી આપે છે. આપણું જે થર્મલ શરીર હોય છે તે વિદ્યુતચુંબકીય ઊર્જાના સ્વરૂપમાં હોવાથી તેને આધુનિક વિજ્ઞાનનાં યંત્રો દ્વારા જોઈ શકાય છે.
બ્રિટનના ડો. થોર્નટોન સ્ટ્રીટરે બાયોફિલ્ડ વ્યુઅર નામની સિસ્ટમ તૈયાર કરી છે, જેનો ઉપયોગ કરીને આપણા શરીરના ઊર્જાક્ષેત્રને માપી શકાય છે. ડો. થોર્નટોન સ્ટ્રીટરે ધ સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીસ નામની સંસ્થાની સ્થાપના કરી છે, જેની એક શાખા મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલી છે. ડો. થોર્નટોન સ્ટ્રીટર બ્રિટનમાં અને ભારતમાં આવેલાં સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીસના સ્થાપક છે. તેમણે મનુષ્યના થર્મલ શરીર બાબતમાં સંશોધન કરવામાં ૨૦થી વધુ વર્ષો ગાળ્યાં છે.વિશ્વભરમાં તેમનાં કેન્દ્રો ચાલે છે, જેમાં આધુનિક ચિકિત્સાપદ્ધતિનો સમન્વય ભારતની આયુર્વેદિક અને ચીનની પરંપરાગત પદ્ધતિ સાથે કરવામાં આવે છે. પુણે શહેરમાં આવેલાં વર્લ્ડ પીસ સેન્ટરમાં આવેલી આ શાખામાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતાં બાયોફિલ્ડ ઉપર સંશોધન કરવામાં આવે છે.
કોઈ પણ શરીર પર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે તેમાંથી કેટલાક ફોટોન શરીરમાં શોષાઈ જાય છે, જ્યારે કેટલાક પરાવર્તિત થઈને પાછા ફરે છે. શરીરના ક્યા ભાગમાં કેટલો પ્રકાશ શોષાઈ જાય છે? તેના આધારે તેજસ શરીરની તસવીર તૈયાર કરવામાં આવે છે. આ તસવીરનો અભ્યાસ કરવાથી શરીરમાં કોઈ પણ રોગ પેદા થયો હોય તો તેનો તાગ મેળવી શકાય છે અને તે મુજબ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તેની ચિકિત્સા પણ કરી શકાય છે. બાયોફિલ્ડ વ્યુઅરમાં જે પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે એક્સ-રે જેવા શરીરની આરપાર નીકળી જતાં કિરણો નથી હોતાં, જેને કારણે શરીરને રેડિયેશનથી નુકસાન થવાનો ભય રહેતો નથી.
આ યંત્રની મદદથી શરીરના એનર્જી ફિલ્ડની ખરેખરી તસવીર મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ શરીરમાં ચાલી રહેલી પ્રક્રિયાની જાણકારી માટે કરવામાં આવે છે. બાયોફિલ્ડ વ્યુઅરના ઉપયોગથી શરીરમાં થયેલી બીમારીઓની જાણકારી મેળવી શકાય છે અને ભવિષ્યમાં આવનારી બીમારીઓનો અણસાર પણ આવી શકે છે.તેમાં ભૂતકાળમાં શરીરમાં પેદા થયેલી બીમારીઓ બાબતમાં પણ માહિતી મેળવી શકાય છે.
બાયોફિલ્ડ વ્યુઅરમાં ત્રણ પ્રકારના સેટિંગ હોય છે :
(૧) બાયોફિલ્ડ વ્યુ : તેમાં મનુષ્યના શરીરની ઓરાની લાઇવ તસવીર મેળવવામાં આવે છે. આ લાઇવ તસવીરને આધારે ચિકિત્સાની અસરકારકતા જોઈ શકાય છે. (૨) ચક્ર વ્યુ : આ પ્રોગ્રામ વડે મનુષ્યના શરીરનાં સાત ચક્રો અને તેમાંથી વહેતા ઊર્જાના પ્રવાહને લાઇવ જોઈ શકાય છે અને તેના આધારે ચિકિત્સા પણ કરી શકાય છે. (૩) ૩-ડી વ્યુ : આ પ્રોગ્રામ વડે મનુષ્યના તેજસ શરીરની થ્રી ડાઈમેન્સનલ તસવીર મેળવી શકાય છે, જેના આધારે શરીરમાં ચાલતી નાનામાં નાની પ્રક્રિયા પણ જાણી શકાય છે. આજના વિજ્ઞાનીઓ પણ સ્વીકારે છે કે દરેક મનુષ્યના શરીરમાંથી ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે, જે વિદ્યુતચુંબકીય મોજાંઓના સ્વરૂપમાં હોય છે. આ ઊર્જાનાં કેન્દ્રોને ૭ ચક્રો કહેવામાં આવે છે. જો સાત ચક્રોનું શુદ્ધિકરણ કરી શકાય તો તેના વડે માનસિક રોગોનો ઇલાજ પણ કરી શકાય છે.