વિકાસના દાવા વચ્ચે નફટ કામથી લોકોમાં રોષ
સુરતના ડીંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ માત્ર ત્રણ મહિનામાં જ ઉખડી જતા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. માનસી રેસીડેન્સીથી સુમુક સર્કલ સુધીનો માર્ગ, જે થોડા સમય પહેલાં જ ડામરથી નવીન બનાવાયો હતો, આજે ફરી ખાડાઓ અને ઉખડેલા પેચથી ભરાઈ ગયો છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, રોડ પર નાખવામાં આવેલ ડામર હાથથી ખેંચતાં જ ઉખડી જાય તેવી સ્થિતિમાં છે. વાહનચાલકો માટે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે, જ્યારે બાઈક સવાર અને સ્કૂલ જતા બાળકો માટે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. “જો કામ ગુણવત્તાપૂર્ણ થયું હોત, તો ત્રણ મહિનામાં આવી હાલત ન થાય,” એમ એક રહેવાસીએ રોષ વ્યક્ત કર્યો.જો કે આ માર્ગ લિંબાયત ઝોન હેઠળ આવે છે, જેને કારણે ઝોનના અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કરોડો રૂપિયાના ટેન્ડર પછી પણ જો રસ્તાની આવી દયનીય હાલત હોય, તો કામની દેખરેખ કોણ કરે છે? ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
સુરત શહેરમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે જમીન પરની હકીકત કંઈક અલગ જ ચિત્ર દર્શાવે છે. લોકો હવે માત્ર આશ્વાસન નહીં, પણ જવાબદારી અને પારદર્શક કામગીરી માંગે છે. જો તાત્કાલિક મરામત અને જવાબદારી નક્કી નહીં થાય, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે.ડીંડોલીનો ઉખડેલો રોડ હવે વિકાસના દાવાઓ પર જ ઉખડેલા સવાલો ઊભા કરી રહ્યો છે.