ભારતમાંથી જાણે કોરોનાએ વિદાય લઈ લીધી છે. કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન તો ઠીક પણ લોકો માસ્ક પહેરવા માટે પણ તૈયાર નથી. કોરોના હવે ફરી આવવાનો નથી તેવું લોકો સમજી બેઠા છે પરંતુ આ બેદરકારી ભારે પડી શકે તેમ છે. જે ચીનમાં કોરોનાનો જન્મ થયો હતો તે ચીનમાં કોરોનાને ઝડપથી કાબુમાં કરી લેવાયા બાદ હવે ફરી ચીનમાં કોરોનાના કેસ બેકાબુ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં કોરોનાના 26 હજારથી પણ વધુ કેસ નોંધાતા કોરોનાની ફરી નવી લહેર ચીનમાં આવી છે. ચીનમાં જે નવી લહેર આવી છે તેમાં 26 હજાર પૈકી માત્ર 1189 કેસ જ એવા છે કે જેમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. બાકીના તમામ કેસ લક્ષણો વિનાના છે. જેને પગલે ચીનમાં નવી ચિંતા ઊભી થઈ છે. જે રીતે ચીનમાં કોરોનાની આ ત્રીજી લહેર વધી રહી છે તેવી જ રીતે ભારતમાં કોરોનાની નવી લહેર આવી શકે તેમ છે.
ચીને સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, 12મી એપ્રિલે કોરોનાના લક્ષણો વિનાના 25141 કેસ આવ્યા હતા. આગલા દિવસે પણ લક્ષણો વિનાના 22348 કેસ નોંધાયા હતા. ચીનમાં કોરોનાના વધેલા કેસને પગલે શાંઘાઈમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે શાંઘાઈની હાલત ખરાબ થઈ જવા પામી છે. કોરોનાના વધેલા કેસને પગલે અમેરિકાએ શાંઘાઈમાં પોતાના બિન-ઈમરજન્સી કર્મચારીઓને શહેર છોડી દેવા માટે જણાવ્યું છે. આગામી દિવસોમાં અન્ય દેશ પણ આવી જ રીતે પોતાના કર્મચારીઓને શાંઘાઈ છોડવા માટે કહી શકે તેમ છે. ભારતમાં કોરોનાની સામે મોટાપાયે રસીકરણ કરવામાં આવ્યું હોવાથી તેનો લાભ હાલમાં મળી રહ્યો છે અને તેને કારણે કોરોનાના કેસ નોંધાતા નથી પરંતુ તેની સામે સ્થિતિ એવી છે કે કોરોનાના મામલે ગાફેલ રહેવું પોસાય તેમ નથી. કોરોનાનો વાઈરસ બદલાતો રહેતો હોવાથી ગમે ત્યારે નવો વેરિએન્ટ કોરોનાની નવી લહેર લાવી શકે તેમ છે. જેને કારણે લોકોએ સતર્ક રહેવાની જરુરીયાત છે જ.હાલમાં જ કોરોનાના XE વેરિએન્ટનો પ્રથમ કેસ ગુજરાતના વડોદરામાં નોંધાયો હતો. મુંબઈથી આવેલા વૃદ્ધમાં આ કેસ દેખાયો હતો. કોરોનાના અત્યાર સુધીમાં અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે. તેમાં ડેલ્ટા વેરિએન્ટએ બુમરાણ મચાવી દીધી હતી અને અનેક લોકોનો ભોગ લીધો હતો.
હાલમાં રસીકરણને કારણે કોરોનાના કેસ નોંધાય છે પરંતુ તેની સામે સામાન્ય સારવારથી દર્દી સારા થઈ જતા હોવાથી લોકો તેમજ સરકાર નિશ્ચિંત બની ગઈ છે પરંતુ આ નિશ્ચિંતતા તકલીફ કરે તેવી સ્થિતિ છે. દેશમાં મોટાભાગની રાજ્ય સરકારો દ્વારા કોરોનાને લગતા નિયંત્રણો હટાવી દીધા છે. લોકોને ગમે તેટલી સંખ્યામાં ભેગા થવાની છૂટ આપી દેવામાં આવી છે. હાલમાં કોરોનાના સામાન્ય રોગ જેવો બની ગયો છે પરંતુ ગમે ત્યારે કોરોના ફરી હેરાન કરે તેવી સ્થિતિ છે. જેને કારણે લોકોએ ધ્યાન રાખવાની જરૂરીયાત છે. ચીન એવો દેશ છે કે જે કોરોનાના મામલે ભારે સતર્ક છે. ચીન દ્વારા વેક્સિનેશન પણ મોટાપાયે કરવામાં આવ્યું હતું. ચીન દ્વારા કોરોનાના કેસ નહીં વધે તે માટે અનેક તકેદારીઓ રાખવામાં આવી હતી છતાં પણ કોરોનાના કેસ વધવાનું ચાલુ જ છે. ચીન જેવા અતિસતર્ક દેશમાં પણ જો કોરોનાના કેસ વધી રહ્યા હોય તો તે ભારત માટે લાલબત્તી સમાન છે. ભારત સરકારે પણ ચીનમાં વધેલા કેસનો અભ્યાસ કરીને પગલા લેવા જરૂરી છે. ભારત સરકાર દ્વારા પણ સતર્કતા રાખવામાં નહીં આવે તો કોરોનાના નવી લહેર આવવાની સંભાવના છે તે નક્કી છે.