SURAT

ઇરાન-ઇઝરાયલ તણાવનો પડઘો

સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માં આર્થિક નુકસાન થવાની ભીતિ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિએ વૈશ્વિક વેપારની નસોને હચમચાવી દીધી છે. આ વૈશ્વિક અનિશ્ચિતતાનો સીધો પ્રભાવ હીરાનગરી સુરત પર પડવાની હીરા ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી છે, તો બીજી બાજુ સુરત શહેરનો આર્થિક આધાર મુખ્યત્વે હીરા, જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર ટકેલો હોવાનો મહાનુભવો નો મત છે

સુરત વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાય છે. વિશ્વમાં કાપાતા દસમાંથી નવ હીરા સુરતમાં પ્રોસેસ થાય છે. હાલની પરિસ્થિતિમાં એર કાર્ગો અને સમુદ્રી પરિવહનમાં અવરોધ ઊભા થતા તૈયાર માલ વિદેશ મોકલવામાં મુશ્કેલીઓ વધી રહી છે. ખાસ કરીને દુબઈ મારફતે થતો રફ ડાયમંડ ટ્રેડ પ્રભાવિત થવાની ભીતિ છે. અંદાજે 60 ટકા કરતાં વધુ રફ ટ્રેડિંગ દુબઈમાં થતું હોવાથી ફ્લાઈટ રદ થવા અને એરપોર્ટ ઓપરેશનમાં ખલેલ પડવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.

ભારતની જ્વેલરી નિકાસમાં મોટો હિસ્સો અમેરિકાનો છે, એક બાજુ ગલ્ફ દેશોમાં પણ 8 થી 10 ટકા જેટલો હિસ્સો જાય છે. જો મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધે, તો નવા ઓર્ડર ઘટી શકે અને પહેલેથી તૈયાર માલનું પેમેન્ટ મોડું થવાની શક્યતા ઊભી થાય. વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા નિકાસ અટકવાની નહીં, પરંતુ રકમ અટવાઈ જવાની છે.

તો બીજી બાજુ કાપડ ઉદ્યોગની સ્થિતિ પણ ચિંતાજનક છે. સુરતનો મેન-મેડ ફાઈબર સેગમેન્ટ દુબઈ મારફતે આશરે 45 દેશો સુધી પહોંચે છે. બુરખા, સલવાર-કમીઝ અને અન્ય રેડીમેડ ફેબ્રિકનો મોટા પાયે વેપાર ગલ્ફ બજાર સાથે જોડાયેલો છે. જો શિપિંગ ખર્ચમાં વધારો થાય કે નૂર (ફ્રેઇટ) ભાડું વધે, તો નફાખોરી ઘટી શકે છે. યુદ્ધ લાંબું ચાલે તો ઓર્ડર કેન્સલ થવાની ભીતિ પણ નકારી શકાતી નથી.

Southern Gujarat Chamber of Commerce and Industryના આગેવાનો મુજબ હાલ સ્પષ્ટ આંકડા આપવું મુશ્કેલ છે, પરંતુ ઉદ્યોગ જગતમાં અસ્વસ્થતા સ્પષ્ટ જોવા મળે છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે ત્યારે ખરીદદારો નવા કરારો કરવા સંકોચ અનુભવે છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે તાજેતરમાં ટેરિફમાં રાહત મળતા ઉદ્યોગમાં નવી આશા જાગી હતી. Indian Bullion and Jewellers Associationના પ્રતિનિધિઓનું માનવું છે કે જો શાંતિ જળવાઈ રહે તો નિકાસ ફરી ગતિ પકડી શકે, પરંતુ હાલના તણાવથી રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે.

વિશ્વસ્તરે વધતા સંઘર્ષો મધ્ય પૂર્વથી લઈને યુરોપ સુધી સ્ટોક માર્કેટ અને કોમોડિટી બજારને પણ અસર કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય તો મેન-મેડ ફાઈબરના કાચામાલ MEG અને PTAના ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનો સીધો ફટકો યાર્ન અને ફેબ્રિક ઉત્પાદકોને પડશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સીધા અને પરોક્ષ રીતે જોડાયેલા લાખો કામદારો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. જો ઓર્ડર ઘટે, તો કારખાનાઓમાં કામનો સમય ઘટાડવો કે વેતનમાં કાપ મૂકવો પડે તેવી શક્યતા છે.

હાલ પરિસ્થિતિ અનિશ્ચિત છે, પરંતુ ઉદ્યોગજગતની નજર એક જ બાબત પર છે, “શાંતિ અને સ્થિરતા”. જો વૈશ્વિક સ્તરે વાતચીતથી તણાવ ઘટે, તો સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ ફરી ગતિ પકડી શકે. પરંતુ યુદ્ધ લાંબું ચાલે, તો તેની આર્થિક અસર શહેરની રોજગાર વ્યવસ્થા પર લાંબા ગાળે જોવા મળી શકે છે.

Most Popular

To Top