જર, જમીન અને જોરૂં, ત્રણેય કજિયાના છોરું… ગુજરાતીમાં આ કહેવત સચોટ છે. તેનો જો કોઈ જીવતો દાખલો હોય તો તે વેસ્ટ બેન્ક, ગાઝાપટ્ટી અને ગોલાન હાઈટ્સ છે. મધ્યપૂર્વમાં આવેલી આ જગ્યા માટે છેલ્લા 100 વર્ષથી ઈઝરાયલ અ્ને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પેલેસ્ટાઈન દ્વારા પૂર્વ જેરૂસલેમ સહિતના ઉક્ત વિસ્તારો પર દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ઈઝરાયલ જેરૂસલેમ પરનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. જ્યારે ગાઝાપટ્ટી વિસ્તાર ઈઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલમાં હમાસના નિયંત્રણમાં છે. હમાસ ઈઝરાયલ વિરોધી છે. જેને કારણે બંને વચ્ચે ચકમક ઝરતી જ રહે છે. અગાઉ ઈઝરાયલે આ વિસ્તારોમાં પોતાના સૈન્યને ગોઠવી દીધું હતું. પરંતુ 2005માં સપ્ટે.માં ઈઝૅાયલે સૈન્યને પાછું ખેંચી લીધું હતું. આ તકરારમાં પેલેસ્ટાઈનની એવી માંગણી છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશની સ્થાપના થવી જોઈએ.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનીઓ તેમજ હમાસની વચ્ચે એકબીજા પર હુમલાઓ કરવાની ઘટનાઓ ચાલતી જ રહે છે. ભૂતકાળમાં પણ અનેક વખત એકબીજા પર રોકેટોથી અને મિસાઈલોથી હુમલાઓ થઈ ચૂક્યા છે અને તેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દોઢેક વર્ષ પહેલા જ્યારે ઈઝરાયલમાં વડાપ્રધાનપદે નેતન્યાહુની જીત થઈ ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો. થોડા સમયથી આ વિસ્તારોમાં શાંતિ હતી પરંતુ આ શાંતિ યુદ્ધ પહેલાની સાબિત થવા પામી છે. શનિવારે સવારે હમાસે ઈઝરાયલ પર એકસાથે 5000 જેટલા રોકેટ છોડીને બોમ્બમારો કર્યો હતો.
ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, એશ્કેલોન અને સેડેરોટ સહિત સાત શહેરોમાં કરવામાં આવેલા આ હુમલાની આગાહી કરવામાં ઈઝરાયલની ખુફિયા એજન્સીઓ નિષ્ફળ રહી હતી અને તેને કારણે ગાઝાપટ્ટી પર કરવામાં આવેલા આ હુમલામાં 40 જેટલા ઈઝરાયેલીઓએ જીવ ગુમાવ્યા હતા. ઈઝરાયલ માટે આ આંચકો આપનારૂં હતું. ઈઝરાયલ પર અત્યાર સુધીમાં જ્યારે પણ હુમલાઓ કરવામાં આવ્યા ત્યારે ઈઝરાયલ એલર્ટ રહેતું હતું પરંતુ આ વખતે તેને ખ્યાલ આવ્યો નહીં અને તેને કારણે ઈઝરાયલે કેબિનેટ સાથે ઈમરજન્સી મીટિંગ કરીને યુદ્ધ જાહેર કરવાની સાથે ઝનુની વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયલ દ્વારા હમાસના 17 સૈન્ય કમ્પાઉન્ડ અને 4 સૈન્ય હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 198 પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયાનો દાવો ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હતો.
હમાસે એવો દાવો કર્યો હતો કે ગત એપ્રિલ માસમાં ઈઝરાયલી પોલીસ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદમાં ગ્રેનેડ પેંકવામાં આવ્યા હતા. ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ હમાસના નેતાઓ દ્વારા મસ્જિદમાં નમાજ અદા કરવામાં આવી હતી. હમાસ દ્વારા એવા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા કે તેમના લડવૈયાઓ દ્વારા અનેક નગરો પર કબજો કરી લેવામાં આવ્યો છે. જોકે, ઈઝરાયલ ગાંઠે તેમ નથી. ઈઝરાયલે પણ સામે વળતા રોકેટો છોડ્યા છે. જેને કારણે બંને સ્થળે વાહનો, ઘરો સળગતાં હોવાની સાથે લોકોની દોડાદોડી થઈ રહી હોવાના અનેક વિડીયો વાઈરલ થયા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન લડે તે તેમનો મામલો છે પરંતુ આ લડાઈમાં વિશ્વને પણ ઘણી અસરો થાય છે. આ બંને વચ્ચેની લડાઈને કારણે વિશ્વમાં ક્રુડના ભાવમાં ભડકો થવાની સાથે તેની અસર મોંઘવારી પર પણ પડવાની સંભાવના છે. હજુ રશિયા અને યુક્રેન યુદ્ધ પત્યું નથી ત્યાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધની અસરો વિશ્વ માટે ભારે અસર કરવાની રહેશે તે નક્કી છે.