ભારતમાં મંદીનો માહોલ છે છતાં પણ ઈકોનોમીને તેની મોટી અસર થઈ નથી. વિશ્વનો એવો માહોલ પણ નથી કે જેમાં ધંધાકીય તેજી જોવા મળે. જોકે, તેમ છતાં પણ ભારતની હાલમાં ઈકોનોમી સુધરી રહી છે. જીએસટીનું કલેકશન વધી રહ્યું છે. આ કારણે જ હવે રિઝર્વ બેંકે મોટો નિર્ણય લઈને રેપોરેટમાં એકસાથે 50 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આમ તો રિઝર્વ બેંક દ્વારા અગાઉ અનેક વખત રેપોરેટમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો હતો.
પરંતુ આ વખતે સીધો 50 પોઈન્ટમાં કરેલો ઘટાડો મહત્વનો છે. આ ઘટાડા સાથે રેપોરેટ 6 પોઈન્ટથી ઘટીને 5.50 થઈ ગયો છે. રેપોરેટ ઘટવાને કારણે તમામ પ્રકારના ધિરાણના વ્યાજના દર ઘટી જશે. કાર લોન હોય કે હોમ લોન, ઈએમઆઈમાં ઘટાડો થશે. જેના ઈએમઆઈ નહીં ઘટે તેનો હપ્તાનો સમય ઘટી જશે. આ વર્ષે ચોમાસું સારૂં રહેવાની ધારણા છે. ક્રુડ ઓઈલના ભાવો પણ ઘટી રહ્યા છે. પાક સારો થવાની આશા છે.
ખાદ્ય ચીજ-વસ્તુઓનો ફુગાવો કાબુમાં રહેવાની સંભાવના છે. શહેરોની સાથે ગામડાઓમાં પણ માંગ વધવાની સંભાવનાને પગલે રિઝર્વ બેંક દ્વારા આ રેપોરેટ ઘટાડવામાં આવ્યો છે આમ તો, રિઝર્વ બેંકની મીટિંગ ગત તા.4થી જૂનના રોજ શરૂ થઈ હતી. જે તા.6ઠ્ઠી જૂનના રોજ પુરી થતાં હવે તેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. આમ તો એવો અંદાજ હતો કે રિઝર્વ બેંક 25 પોઈન્ટનો ઘટાડો કરશે,પરંતુ રિઝર્વ બેંકે અર્થશાસ્ત્રીઓને આંચકો આપીને 50 પોઈન્ટ ઘટાડ્યા છે. ફુગાવો નિયંત્રણમાં હોવાથી રિઝર્વ બેંકએ આ જોખમ લીધું છે. ગત નાણાંકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દર 6.5 હતો. જે તેના અગાઉના વર્ષે 9.24 હતો.
અગાઉ ફેબ્રુઆરી માસમાં યોજાયેલી રિઝર્વ બેંકની મીટિંગમાં 25 પોઈન્ટનો રેપારેટમાં ઘટાડો કરાયો હતો. બાદમાં એપ્રિલ માસમાં 25 પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. હવે રિઝર્વ બેંકએ ઘટાડાની હેટ્રિક કરી છે. એક જ વર્ષમાં રેપોરેટમાં 100 પોઈન્ટનો ઘટાડો એ રિઝર્વ બેંકનો પણ એક વિક્રમ જ છે. રેપોરેટ એ છે કે જેના દર પર દેશની કેન્દ્રીય બેંક ભંડોળની કોઈપણ અછતના કિસ્સામાં અન્ય બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપોરેટનો ઉપયોગ ફુગાવાને કંટ્રોલ કરવા માટે થાય છે. રેપોરેટ ઘટતાં બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઓછા વ્યાજે લોન મળે છે. જે આગળ પોતાના ગ્રાહકોને આપી શકાય છે. આ કારણે જ રેપોરેટ ઘટે ત્યારે લોનના વ્યાજના દર ઘટે છે અને રેપોરેટ વધે ત્યારે લોનના વ્યાજના દર પણ વધે છે.
રેપોરેટ ઘટવાને કારણે દેશના અર્થતંત્રમાં નાણાંનો ફ્લો વધે છે. જે ધંધા-રોજગારમાં તેજી લાવવા માટે જરૂરી હોય છે. રેપોરેટ ઘટતાં ઈએમઆઈ ઘટે છે અને ઈએમઆઈ ઘટતાં લોકો પાસે નાણાં બચે છે. જે દેશના અર્થતંત્રમાં ફરતાં ફરતાં આવે છે. ખરેખર તો આ રેપોરેટમાં ઘટાડો વહેલો થઈ જવો જોઈતો હતો. હાલમાં ભારતીય બજારોમાં નાણાંની લિક્વિડિટી નથી. જેને કારણે ધંધા-રોજગારમાં એટલી તેજી દેખાતી નથી.
લોકો પાસે ખરીદી કરવા માટે વધુ નાણાં નથી. જીએસટી અને નોટબંધીને કારણે નાણાંનો પ્રવાહ એટલી ઝડપથી વધી શકતો નથી. આને કારણે ભારતના રિઅલ એસ્ટેટ બજાર કે અન્ય બજારોમાં ભારે મંદીનો માહોલ છવાઈ ગયો છે. ભૂતકાળમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહે ઉદ્યોગપતિઓને એવું કહ્યું હતું કે, તમારી પાસે રહેલા નાણાંને બજારમાં ફેરવો. જોકે, આ નાણાં ત્યારે જ ફરી શકે છે કે જ્યારે વ્યાજના દરો ઓછા હોય. જોકે, આ રેપોરેટમાં ઘટાડાની સાથે બજારમાં હલચલ જરૂર જોવા મળશે. જેનો સીધો ફાયદો લોકોને થશે તે નક્કી છે.