સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા વાણિજ્ય મંત્રાલય (MINISTRY OF BUSINESS) માં વિદેશથી આયાત કરવામાં આવતા યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ કરાયા બાદ પણ કસ્ટમ દ્વારા 90 દિવસમાં આ સંદર્ભે કોઇ પરિપત્ર જાહેર નહીં કરવામાં આવતા ઈમ્પોર્ટેડ યાર્ન પર આયાતી ડ્યૂટી (IMPORT DUTY) લાદવાની શક્યતા નહીંવત બની છે. જેના પગલે હવે સ્થાનિક વિવર્સને વિદેશથી આયાતિત યાર્ન સસ્તુ પડશે.
વાણિજ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2015માં ઈમ્પોર્ટેડ પોલિયેસ્ટર યાર્નની આયાત પર નાખવામાં આવેલી એન્ટિ ડમ્પિંગની મુદત ગત વર્ષે ઓક્ટોબરમાં પૂરી થઈ હતી. જેને લંબાવીને 31 ડિસેમ્બર 2020 સુધી ડ્યૂટીની મુદ્દત લંબાવી હતી. વિવર્સનું કહેવુ છે કે વિદેશથી યાર્નની આયાત પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીને લીધે વિવર્સને યાર્નની વધારે કિંમત ચૂકવવી પડતી હતી. સ્થાનિક વિવર્સે આ અંગે રજઆતો પણ કરી હતી. ઓક્ટોબર 2020 બાદ રાહતની શક્યતાઓ પ્રબળ થઈ હતી.જોકે તે છતાંય વિવર્સ અને યાર્ન ઉત્પાદકો વચ્ચે વિવાદ હોવાથી બંને પક્ષકારો દ્વારા ડીજીટીઆરમાં રજૂઆત કરવામાં આવી હતી. ડીજીટીઆરે ઈમ્પોર્ટેડ પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી ચાલુ રાખવાની ભલામણ સરકાર સમક્ષ કરી હતી. નિયમ અનુસાર ભલામણ કર્યાના 90 દિવસમાં કસ્ટમ વિભાગે ડ્યૂટી નાંખવા સંદર્ભનું પરિપત્ર જાહેર કરવાનું હોય છે, પરંતુ કસ્ટમ દ્વારા આવું કોઈ જ પરિપત્ર બહાર નહીં પાડવામાં આવતા શક્યતા નહીંવત બની છે.
એડવોકેટ ડો. અનિલ સરાવગીએ કહ્યું કે, 90 દિવસની સમયમર્યાદામાં કસ્ટમ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી, તેથી એવું માની શકાય કે ઈમ્પોર્ટેડ પોલિયેસ્ટર યાર્ન પર હવે એન્ટિડમ્પિંગ ડ્યૂટી લાગુ પડશે નહીં. જેનો સીધો અર્થ એ થાય કે વિવર્સ વૈશ્વિક બજારની કિંમતોમાં ચીન સહિત અન્ય દેશોમાંથી પોલિયેસ્ટર યાર્નની ખરીદી કરી તેમાંથી સસ્તુ અને ઊંચી ગુણવત્તાના ગ્રે કાપડનું ઉત્પાદન કરી શકશે.
નોંધનીય છે કે, શહેરમાં અંદાજે 75 ટકા વિવર્સ ઈમ્પોર્ટેડ પોલિયેસ્ટર યાર્નનો ઉપયોગ કરે છે. આ તમામને રાહત થશે. વિવર્સનું કહેવુ છે કે વિદેશથી યાર્નની આયાત પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીને લીધે વિવર્સને યાર્નની વધારે કિંમત ચૂકવવી પડતી હતી. એક અંદાજ અનુસાર યાર્નની કિંમતમાં પ્રતિ કિલો 35 રૂપિયા જેટલી ડ્યૂટી લાગતી હતી. હવે સુરતના વિવર્સનું યાર્ન સસ્તુ મળતા ગ્રેની પડતર કિમત પણ ઘટશે અને નિકાસમાં પણ તેનો સીધો લાભ મળશે.