નવી દિલ્હી : ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (ROHIT SHRAMA) ઉપરાંત ઘણાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમ જુલાઇમાં શ્રીલંકાનો પ્રવાસ (SRI LANKA VISIT) ખેડશે, જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે. 13મી જુલાઇથી શરૂ થનારી આ સીરિઝ માટે ભારતીય ટીમ 5મી જૂને શ્રીલંકા પહોંચી જશે.
અહેવાલ અનુસાર ભારતીય ટીમ 13 જુલાઇએ પ્રથમ વન ડે રમશે, તે પછી બીજી મેચ 16 જુલાઇ, અને ત્રીજી મેચ 19 જુલાઇએ રમાશે. તે પછી 22 જુલાઇએ પ્રથમ ટી-20 રમાશે અને 24 તેમજ 27 જુલાઇએ બીજી અને ત્રીજી ટી-20 રમાશે. જો કે આ મેચ શ્રીલંકાના કયા મેદાન પર રમાશે તેની માહિતી હજુ મળી નથી અને બીસીસીઆઇ (BCCI) દ્વારા પણ કાર્યક્રમ બાબતે કોઇ સત્તાવાર નિવેદન હજુ કર્યું નથી. પ્રારંભિક માહિતી અનુસાર ભારતીય ટીમ 5 જુલાઇએ શ્રીલંકા પહોંચશે અને 28 જુલાઇએ પ્રવાસ પુર્ણ કરીને પરત ફરશે. શ્રીલંકા પહોંચીને ટીમે ફરજીયાત એક અઠવાડિયું ક્વોરેન્ટીનમાં કાઢવાનું રહેશે. જેમાંથી પહેલા ત્રણ દિવસ સખત ક્વોરેન્ટીન અને બાકીના ચાર દિવસ ટ્રેનિંગમાં ભાગ લઇ શકાય તેવું ક્વોરેન્ટીન રહેશે. હાલની સ્થિતિને ધ્યાને લેતા આ તમામ મેચ દર્શકોની ગેરહાજરીમાં (WITHOUT AUDIENCE) ખાલી સ્ટેડિયમમાં રમાશે.
શ્રીલંકા પ્રવાસ માટે આ ખેલાડીઓને મળી શકે છે તક
શ્રીલંકાના પ્રવાસમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ઉપલબ્ધ ન હોવાથી તેમની ગેરહાજરીમાં જે ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં પસંદ નથી થયાં તેવા ખેલાડીઓને પસંદ કરવામાં આવી શકે છે. જેમાં શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, પૃથ્વી શો, દીપક ચાહર, રાહુલ ચાહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને રાહુલ તેવટિયાનો સમાવેશ થાય છે.