ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સને નિશાન બનાવવા માટે રચાયેલ શંકાસ્પદ લાંબા અંતરની મિસાઇલ છોડી દીધી હતી. દક્ષિણ કોરિયા અને જાપાને આ માહિતી આપી હતી. દક્ષિણ કોરિયા અને જાપાન સાથેના જોડાણને મજબૂત કરવાના યુએસ પ્રયાસોના વિરોધમાં ઉત્તર કોરિયાએ તેની પરીક્ષણ પ્રવૃત્તિઓ ફરી શરૂ કર્યા પછી આ પ્રક્ષેપણ થયું. દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ’એ એક નિવેદનમાં જણાવ્યું કે ઉત્તર કોરિયાના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે ઉત્તર કોરિયાના પ્રક્ષેપણ અંગે ચર્ચા કરવા માટે એક તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવી છે. જાપાનના સંરક્ષણ પ્રધાન યાસુકાજુ હમાદાએ જણાવ્યું હતું કે, ‘ઉત્તર કોરિયા આ વર્ષે સતત મિસાઇલો છોડી રહ્યું છે, અને તેના કારણે કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધી રહ્યો છે.’
અગાઉ, ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચો સોન-હે એ ધમકી આપી હતી કે તે પ્રદેશમાં તેના સહયોગીઓ – દક્ષિણ કોરિયા અને જાપાનની સુરક્ષા માટે યુએસની મક્કમ પ્રતિબદ્ધતાના જવાબમાં મજબૂત લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. આ પહેલાથી જ એટલે કે છેલ્લા છ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે પહેલાથી જ નાટો દેશ અને રશિયા સામ સામે છે. અમેરિકા યુક્રેનની સાથે હોવાથી ચીન અને ઉત્તર કોરિયા આડકતરી રીતે રશિયાના સમર્થનમાં આવી ગયા છે. તેની વચ્ચે નોર્થ કોરિયાએ લાંબા અંતરની મિસાઇલનું પરિક્ષણ કરતાં અમેરિકાના ભંવા ફરી એક વખત ચડી ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે હજી યુદ્ધ ચાલી જ રહ્યું છે તે દરમિયાન જ ચીને તાઇવાન પર કબજો જમાવવાની હરકત કરી હતી જેના કારણે ફરી એક વખત સમગ્ર વિશ્વમાં તણાવ ફેલાયો હતો.
આ પહેલા કિમ જોંગ ઉને બુધવારે, 2 નવેમ્બર, 2022 ને દરિયામાં એકસાથે 23 મિસાઇલો છોડીને તોફાન મચાવી દીધુ હતુ. નૉર્થ કોરિયા તરફથી છોડવામાં આવેલી આ મિસાઇલો કથિત રીતે જાપાનની ઉપરથી નીકળી હતી અને સમુદ્રમાં પડી હતી. આ કૃત્યને ધ્યાનમાં રાખીને જાપાને દેશમાં એલર્ટ જાહેર કરી દીધુ હતું. લોકોને સુરક્ષિત જગ્યાએ પર પહોંચી જવા માટે પણ સલાહ આપવામાં આવી હતી. નોર્થ કોરિયાની આ હરકત બાદ જાપાન સરકારે દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું છે કે, જાણકારી એકઠી કરવા અને તેનુ વિશ્લેષણ કરવામાં વધુમાં વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, અને જનતાને તરતજ પર્પાપ્ત જાણકારી આપવામાં આવશે. વિમાન, જહાજો અને અન્ય સંપતિઓની સુરક્ષા નક્કી કરવામાં આવશે, સાવધાની માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. ઉત્તર કોરિયા અને તેના કટ્ટર તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા પોતાની મિસાઈલોના કારણે સમાચારમાં રહે છે. એવું માનવામાં આવે છે કે બુધવારે ઉત્તર કોરિયાએ મિસાઇલ ફેંકી હતી કારણ કે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે.
અમેરિકા અને દક્ષિણ કોરિયાના આ અભ્યાસમાં 240 ફાઈટર એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. અમેરિકાની એક પરમાણુ સબમરીન પણ આ દિવસોમાં પ્રશાંત મહાસાગરમાં તૈનાતી માટે દક્ષિણ કોરિયા પહોંચી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેના યુદ્ધ અભ્યાસના કારણે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના દરિયાકાંઠાની ખૂબ જ નજીક જાપાનના સમુદ્રમાં મિસાઇલો ફેંકી હોવાનું માનવામાં આવે છે. લગભગ 70 વર્ષ પહેલા (1950-53) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારથી કોરિયન દ્વીપકલ્પમાં બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા ઉશ્કેરણી માટે સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે. આ મિસાઇલો જાપાનના સમુદ્ર અને પૂર્વ સમુદ્રમાં પડે છે, પરંતુ કોરિયન યુદ્ધ પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાએ એનએલએલની દક્ષિણમાં મિસાઇલો છોડી છે. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયાએ NLL પાર ઉત્તરમાં F-16 અને KF-16 ફાઈટર જેટ્સથી મિસાઈલ ફેંકી હતી.