Sports

સેમિફાઇનલની રેસ ગરમાઈ, વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે 176/8નો લડાયક સ્કોર ઉભો કર્યો

20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા આજે આમને – સામને છે. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને શરૂઆતમાં તેનો ફાયદો પણ મળ્યો. છતાં અંતે વેસ્ટ ઈન્ડિઝે સંઘર્ષસભર ઇનિંગ્સ રમી 20 ઓવરમાં 8 વિકેટે 176 રનનો લડાયક સ્કોર ઉભો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત નબળી રહી. ત્રીજી ઓવરમાં જ 29 રનના સ્કોરે શાઈ હોપ (16) આઉટ થયા અને ત્યારબાદ શિમરોન હેટમાયર (02) પણ પેવેલિયન પરત ફર્યા. દક્ષિણ આફ્રિકાના બોલરો સતત દબાણ બનાવતા રહ્યા અને એક સમયે વેસ્ટ ઈન્ડિઝ 7 વિકેટે માત્ર 83 રન પર સંકટમાં મુકાઈ ગયું. એ સ્થિતિએ ટીમ 120 રન સુધી પહોંચશે કે નહીં તે અંગે પણ શંકા ઉભી થઈ હતી. પરંતુ ત્યારબાદ જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડે અદ્ભુત લડાયક રમત દેખાડી. બંનેએ આઠમી વિકેટ માટે 57 બોલમાં 89 રનની કિંમતી ભાગીદારી નોંધાવી. શેફર્ડે આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં 37 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 52 રન ફટકાર્યા. હોલ્ડરે પણ મહત્વપૂર્ણ 49 રન બનાવી ટીમને મજબૂત આધાર આપ્યો. તેમની ભાગીદારીએ મેચનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાંખ્યું અને વેસ્ટ ઈન્ડિઝને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડ્યું.

આ મુકાબલો ગ્રુપની સેમિફાઇનલ દોડ માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જો દક્ષિણ આફ્રિકા આ મેચ જીતે છે તો તેમની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા લગભગ નિશ્ચિત બની જશે અને તે ભારત માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ જીતે તો ગ્રુપની સમીકરણો વધુ રસપ્રદ બની જશે અને અંતિમ સ્લોટ માટે ટક્કર તીવ્ર બનશે. હવે નજર દક્ષિણ આફ્રિકાની રનચેઝ પર રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ મેદાન પર આવી ગઈ છે. ચાર ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 42 છે, અને વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ તેમની પ્રથમ વિકેટ શોધી રહ્યું છે. માર્કરામ 16 બોલમાં 33 અને ડી કોક 8 બોલમાં 8 રન બનાવીને રમતમાં છે. આગળ અપડેટ માટે વાંચતા રહો.

Most Popular

To Top