સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદ પર તેના ઉત્પાદનો વિશે કોર્ટમાં આપેલા બાંયધરીના ભંગ અને તેની ઔષધીય અસરકારકતાનો દાવો કરતા નિવેદનો બદલ ભારે ઠપકો આપ્યો હતો. બેન્ચે પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટરને નોટિસ જારી કરીને પૂછ્યું કે શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. પતંજલિ તેની દવાઓનો બચાવ કરે છે, અને દાવો કરે છે કે તે દવાઓની અસરકારકતા તબીબી રીતે સાબિત થઇ છે. ખંડપીઠે પતંજલિ આયુર્વેદ અને તેના અધિકારીઓને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈપણ તબીબી પ્રણાલી માટે પ્રતિકૂળ નિવેદનો ન કરવા ચેતવણી આપી હતી, જેમ કે તેઓએ અગાઉ કોર્ટ સમક્ષ તેમના બાંયધરીમાં કહ્યું હતું. જો કે આ બાંયધરીનો સરેઆમ ભંગ થતો જણાયો અને આથી સુપ્રીમ કોર્ટે સખત બનવું પડ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ એલોપથી ચિકિત્સા પદ્ધતિના સખત વિરોધી છે અને આ પદ્ધતિની વારંવાર ટીકા કરતા રહ્યા છે.
આ પહેલા 21 નવેમ્બર, 2023 ના રોજ, કંપનીનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે હવેથી કાયદાનું કોઈ ઉલ્લંઘન થશે નહીં, ખાસ કરીને ઉત્પાદનોની જાહેરાત અથવા બ્રાન્ડિંગ સંબંધિત, અને પતંજલિ ઉત્પાદનોની ઔષધીય અસરકારકતાના મોટા દાવા અથવા કોઈપણ સિસ્ટમની વિરુદ્ધ કોઈ આક્રમક નિવેદનો કોઈપણ સ્વરૂપે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે નહીં. આના પછી પણ અતિશયોક્તિ પૂર્ણ દાવાઓ અને એલોપથીની ટીકાઓ થતાં રહ્યાં છે.
ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે રામદેવ દ્વારા સ્થાપિત અને હર્બલ ઉત્પાદનોનો વેપાર કરતી કંપનીને અનેક રોગોના ઈલાજ તરીકે તેની દવાઓ વિશેની જાહેરાતોમાં “ખોટા” અને “ભ્રામક” દાવા કરવા સામે ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પતંજલિ કંપની દ્વારા બીપી, સુગર, અસ્થમા જેવા રોગો જડમૂળથી મટાડી શકાય છે તે પ્રકારની ભ્રામક જાહેરાતો કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં રામદેવ દ્વારા રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ સામે દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ કરાઇ છે.
સર્વોચ્ચ અદાલતે પતંજલિની સખત ઝાટકણી કાઢી હતી. આ કોર્ટના આદેશ પછી તમે (પતંજલિ આયુર્વેદ) આ જાહેરાત સાથે આવવાની હિંમત કરી! કાયમી રાહત… કાયમી રાહતનો અર્થ શું છે? શું તેનો ઈલાજ છે? તમે એમ ન કહી શકો કે તમારી દવા/દવાઓ કોઈ ચોક્કસ રોગને મટાડે છે. એલોપથી ચિકિત્સા પધ્ધતિ સામેના અભિયાન અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એલોપેથીને આમ જનતાની નજરમાં બદનામ કરી શકાય નહીં. તમે (પતંજલિ) એલોપેથી જેવી સારવારની અન્ય કોઈપણ પદ્ધતિની ટીકા કરી શકતા નથી.
સરકારની પણ ટીકા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખા દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને સરકાર આંખ બંધ કરીને બેઠી છે. આપણે જોઈ શકીએ છીએ કે ફક્ત પતંજલિ જ નહીં, ઘણા હર્બલ દવા ઉત્પાદકો અને નેચરોપેથના પ્રચારકો મોટી મોટી જાહેરાતો કરે છે અને તેમાંની અનેક ગેરમાર્ગે દોરનારી જણાઇ આવે છે, સાથે જ તેઓ આધુનિક ચિકિત્સા પદ્ધતિની ટીકા પણ કરતા રહે છે, આનો અંત આવવો જોઈએ. વિશ્વભરમાં અનેક પ્રકારની સારવાર અને ચિકિત્સા પધ્ધતિઓ અસ્તિત્વમાં છે. પ્રાચીન સમયથી માણસ પોતાને પરેશાન કરતા રોગો સામે લડવા અને તેમના નિદાન સારવાર માટે પ્રયાસો કરતો આવ્યો છે અને તેમાંથી અનેક પ્રકારની ચિકિત્સા પધ્ધતિઓ શોધાઇ છે. આજે કદાચ તમામ ચિકિત્સા પધ્ધતિઓમાં સૌથી વધુ વિકસીત એલોપથી ચિકિત્સા પધ્ધતિ જ છે.
તેમાં જેટલી શોધખોળો થઇ છે તેટલી કદાચ બીજી કોઇ ચિકિત્સા પધ્ધતિમાં થઇ નથી. જો કે આ ચિકિત્સા પધ્ધતિની પણ અનેક મર્યાદાઓ છે. તેની સૌથી મોટી ખામી કદાચ તેની અનેક દવાઓની તીવ્ર આડઅસર છે. એલોપથીની કેટલીક દવાઓની તો એવી ભારે આડઅસર થાય છે કે તે દર્દીનો એક રોગ સાજો કરીને તેને બીજા રોગમાં સપડાવી દે છે! આયુર્વેેદિક, યુનાની જેવી ચિકિત્સા પધ્ધતિઓની ઔષધીઓ એકંદરે નિર્દોષ કે બહુ ઓછી આડઅસરવાળી મનાય છે. કેટલાક રોગો એવા પણ છે જે એલોપેથીક દવાઓ કરતા આયુર્વેદિક ,યુનાની એ હોમિયોપેથીક દવાઓથી વધુ ઝડપથી સારા થઇ જાય છે. દરેક ચિકિત્સા પધ્ધતિના પોત પોતાના લાભો અને મર્યાદાઓ છે, આથી આ પધ્ધતિઓને એકબીજાની હરીફ માનવાને બદલે તેમનો સમન્વય સાધીને માણસ જાતની સુખાકારી માટે પ્રયાસો થવા જોઇએ.