Editorial

પશ્ચિમના અનેક ધનવાન દેશોને ગેરકાયદે ઇમિગ્રન્ટોની સમસ્યા પરેશાન કરે છે

અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ દેશમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટોને હાંકી કાઢવાનુ઼ં જોર શોરથી શરૂ કર્યુ છે ત્યારથી આ ગેરકાયદે ઇમિગ્રેશન કે સ્થળાંતરનો મુદ્દો વિશ્વભરમાં, અને  ખાસ કરીને ભારત જેવા દેશોમાં એક ચર્ચિત મુદ્દો બની ગયો છે. અમેરિકામાંથી ગેરકાયદે રીતે વસતા વિદેશી સ્થળાંતરિતોને હાંકી  કાઢવાનું ચાલુ છે ત્યારે યુકેમાં પણ આવી ઝુંબેશ શરૂ  થઇ છે. યુકેમાં વિદેશથી આવીને ગેરકાયદે વસવાટ કરીને કામ કરતા લોકો સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને ગૃહ કચેરીએ  દેશવ્યાપી ઝુંબેશ ગણાવી હતી અને તેમાં ભારતીય રેસ્ટોરાંઓ પણ નિશાન બન્યા હતા.

આ ઉપરાંત નેઇલ બારો, કન્વીનિયન્સ સ્ટોરો અને કાર વોશ કેન્દ્રો વગેરે નિશાન બન્યા છે. ગૃહ મંત્રી  વેટ્ટી કૂપરએ જણાવ્યું હતું કે તેણીના વિભાગની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો જાન્યુઆરીમાં વિક્રમ સર્જક ૮૨૮ પરિસરો પર ત્રાટકી હતી, જે અગાઉના જાન્યુઆરી કરતા ૪૮ ટકાનો વધારો  દર્શાવે છે, જેમાં ધરપકડોનો આંકડો વધીને ૬૦૯ થયો છે અને તેમાં અગાઉના વર્ષ કરતા ૭૩ ટકાનો વધારો થયો છે. ગેરકાયદે માઇગ્રન્ટોની બાબતમાં બ્રિટનમાં પણ ઘણે અંશે અમેરિકા જેવી જ  સ્થિતિ પ્રવર્તે છે. વિદેશથી લોકો ગેરકાયદે રીતે ઘૂસી જાય છે અને પછી સંતાઇને છૂટક નોકરીઓ, કામ કરવા માંડે છે અને સ્થાનિક ધંધાઓ તેમની સ્થિતિ જોઇને તેમને બ્લેકમેઇલ કરીને  ઓછું વેતન આપીને તેમની પાસે કામ કરાવ્યા કરે છે.

યુકેમાં પણ સરકાર બદલાયાને બહુ લાંબો સમય થયો નથી. અને તેણે કદાચ સ્થાનિક લોકોની લાગણી જીતવા જ ઇમિગ્રેશન વિરોધી ઝુંબેશ જોર શોરથી શરૂ કરી છે. ઘૂસણખોરીની  બાબતમાં અમેરિકા કરતા બ્રિટનમાં સ્થિતિ સહેજ જુદી પડે છે. અમેરિકામાં મોટે ભાગે દક્ષિણના મેક્સિકો અને ઉત્તરના કેનેડાની સરહદેથી જમીનમાર્ગે લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશે છે. તેમાં  પણ દક્ષિણ સરહદેથી ઘૂસણખોરી વધુ છે. જ્યારે બ્રિટનમાં ફ્રેન્ચ ખાડી નાની હોડીઓ જેવા સાધનો વડે ઓળંગીને સમુદ્રી માર્ગે પ્રવેશતા માઇગ્રન્ટોનું પ્રમાણ વધારે છે.

યુકેએ તેની ગેરકાયદે  ઇમિગ્રન્ટ વિરોધી ઝુંબેશમાં આવા ઇમિગ્રન્ટોને કામે રાખતા ધંધાઓ પર ધ્યાન વધુ કેન્દ્રીત કર્યું છે, જે ધંધાઓમાં વિદેશી મૂળના માલિકોના ધંધાઓ અને સ્થાનિક લોકોના ધંધાઓ એમ બંનેનેો  સમાવેશ થાય છે. ગયા વર્ષના પ જુલાઇથી આ વર્ષના ૩૧ જાન્યુઆરી સુધીમાં કુલ ૧૦૯૦ પેનલ્ટી નોટિસો જારી કરવામાં આવી છે અને જો નોકરીદાતાઓ ગેરકાયદે માઇગ્રન્ટોને કામ પર  રાખવા માટે દોષિત જણાશે તો તેમને કામદાર દીઠ ૬૦૦૦૦ પાઉન્ડનો દંડ થઇ શકે છે.

આમ તો અમેરિકા, યુકે સહિતના અનેક પશ્ચિમી ધનવાન દેશો ગેરકાયદે સ્થળાંતરિતોની સમસ્યાથી પીડાય છે. આ દેશોની ઓછી સ્થાનિક વસ્તી, કામદારોની જરૂરિયાત વધારે હોવાથી આમ પણ તેમને વિદેશી શ્રમિકોની જરૂર તો રહે છે અને તેથી લાંબા સમયથી આ દેશોએ પોતાના દરવાજા વિદેશથી આવતા લોકો માટે ખુલ્લા રાખ્યા હતા. પરંતુ સારા વેતન અને સારા જીવન ધોરણની આશાએ પછી ધીમે ધીમે મોટા પ્રમાણમાં વિદેશોમાંથી લોકો ત્યાં ઠલવાવા માંડ્યા.

વિદેશીઓની વસ્તી વધવા માંડતા આ દેશોએ ઇમિગ્રેશનના નિયમો કડક કર્યા તો ગેરકાયદે ઘૂસણખોરી કે વિઝા પૂરા થઇ જવા પછી ગેરકાયદેસર રીતે રોકાઇ જવાનું પ્રમાણ વધવા માંડ્યું અને આ દેશોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટોની સમસ્યા વકરવા માંડી. આ સમસ્યા સૌથી વધારે અમેરિકામાં છે જ્યાં ૧ કરોડ ૧૦ લાખ જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટો છે જે તેના કુલ ઇમિગ્રન્ટોના બાવીસ ટકા જેટલા થાય છે.

આ આંકડા ૨૦૨૦ના છે અને હાલ તે ચોક્કસ વધારે હોઇ શકે છે. યુકેમાં ૬૭૪૦૦૦ જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટો છે અને તે તેના કુલ ઇમિગ્રન્ટોના સાત ટકા જેટલા થાય છે. આ ઉપરાંત ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ જેવા યુરોપિયન દેશો અને કેનેડા જેવો ઉત્તર અમેરિકી ખંડનો દેશ પણ ગેરકાયદે ઇમિગ્રન્ટોની સમસ્યા ધરાવે છે પરંતુ ત્યાં આ પ્રમાણ કંઇક ઓછું છે. હવે ટૂંક સમયમાં આ દેશોમાં પણ ગેરકાયદે માઇગ્રન્ટ વિરોધી ઝુંબેશો શરૂ થાય તો નવાઇ નહીં. 

Most Popular

To Top