સુરતના ઉત્રાણમાં શંકાસ્પદ પાંચ લોકો પર પોલીસનો ઘેરાવો
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે વિશ્વાસ અને આસ્થાને જ પ્રશ્નાર્થમાં મૂકે છે. શાલીગ્રામ હાઇટ્સ નામની પ્રીમિયમ સોસાયટીમાં રહેતા એક પરિવારને નિશાન બનાવીને ઝેરયુક્ત પ્રસાદ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
માહિતી મુજબ, ગોરધનભાઈ ડોંડા જ્યારે પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે તેમને દરવાજા પર લટકતી એક થેલી નજરે પડી હતી. થેલીમાં બુંદીના લાડુ હતા. ધાર્મિક પરંપરા મુજબ પ્રસાદ સમજતા તેમણે આ લાડુ ઘરે લઈ જઈ પરિવાર સાથે વહેંચ્યા. પરંતુ આ વિશ્વાસ જ તેમના માટે જીવલેણ સાબિત થવાનો થયો.લાડુ ખાધાના થોડા જ સમયમાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધુની તબિયત બગડવા લાગી. ચક્કર, ઉલટી અને બેચેની જેવા લક્ષણો દેખાતા પરિવારજનોમાં ભય ફેલાયો. તાત્કાલિક ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સ્થિતિની ગંભીરતા સમજતા તરત તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે લાડુમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું. ખાસ કરીને અનાજ સાચવવા વપરાતી ઝેરી ગોળીઓ લાડુમાં છુપાવવામાં આવી હતી. આ ખુલાસાએ સાબિત કરી દીધું કે આ કોઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નહીં, પરંતુ પૂર્વયોજિત હત્યાનો પ્રયાસ છે. ઘટનાની જાણ થતાં ઉત્રાણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણો અનુસાર, આ કાવતરું કોઈ નજીકના ઓળખીતાં અથવા અંગત વેરઝેર રાખનાર દ્વારા રચાયું હોવાની આશંકા છે. સમગ્ર શહેરમાં આ ઘટનાએ ભય અને ચિંતા ફેલાવી દીધી છે.