કામરેજમાં ગેસ સિલિન્ડર કાળાબજારનો મોટો ભંડાફોડ ₹34 લાખનો જથ્થો જપ્ત, માસ્ટરમાઈન્ડ ફરાર
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામેથી ગેસ સિલિન્ડરના કાળાબજારનો મોટો રેકેટ પર્દાફાશ થયો છે. જિલ્લા LCBએ દરોડો પાડી કુલ ₹34.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે.
ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ગેસ સિલિન્ડરની અછત ઊભી થતા કેટલાક તત્વો એનો ગેરલાભ લઈ કાળાબજાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના કડક નિર્દેશ બાદ દક્ષિણ ગુજરાત રેન્જના IG પ્રેમવીરસિંહ દ્વારા કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તેના આધારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ સક્રિય થઈ હતી.
બાતમીના આધારે પરબ ગામની ‘ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ’માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 229 ભરેલા અને 153 ખાલી ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. સાથે જ બે આઇશર ટેમ્પો, એક ‘છોટા હાથી’, બાઇકો, મોપેડ, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹34,18,622નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
તપાસમાં ખુલ્યું છે કે આ ગેસનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘર સ્થિત ‘કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ’માંથી લાવવામાં આવ્યો હતો. નિયમ મુજબ આ બાટલાઓ ગ્રાહકો સુધી પહોંચાડવાના હતા, પરંતુ રામદેવ ગેસ એજન્સી સાથે સંકળાયેલા દેવાલાલ કલાલે તેના શેઠ કનૈયાલાલના ઇશારે જથ્થો ડાયવર્ટ કર્યો હતો.આ આરોપીઓ ₹900-1000ના ગેસ સિલિન્ડરને સીધા ₹2350માં વેચતા હતા, જેનાથી મોટો નફો કમાતાં હતાં.
પોલીસે ગોરખ જગતાપ, દેવાલાલ કલાલ, પવનકુમાર મેવાડા, સંપતરાજ મેવાડા, નિર્મલકુમાર મેવાડા, અનમોલ રાવ, વિષ્ણુ રાવ અને સંતોષ કલાલને ઝડપી પાડ્યા છે. આ રેકેટનો માસ્ટરમાઈન્ડ કનૈયાલાલ ભંવરલાલ કલાલ હાલ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ તેજ કરી છે. હાલ તમામ આરોપીઓને કામરેજ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.