અફઘાનિસ્તાન એક યા બીજાં કારણોસર સમાચારોમાં ચમકતું રહે છે. અત્યારે ઇરાનમાં ગેરકાયદે જઈ વસેલાં અફઘાન નાગરિકોને પાછાં મોકલાઈ રહ્યાં છે. આ લોકોની સ્થિતિ કફોડી છે. પૂરતી આવકના અભાવે દસમાંથી નવ અફઘાન કુટુંબો માત્ર એક સમયનું ખાણું લઈ શકે છે. એટલું જ નહીં પણ હજુ લાખો લોકો ઇરાન અને પાકિસ્તાનમાંથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે, જેઓ સખત ગરીબીનો સામનો કરી રહ્યાં છે એવું યુનાઇટેડ નેશન્સનું કહેવું છે. ૪૫ લાખ અફઘાન શરણાર્થીઓ મહદ્ અંશે ઇરાનથી પાછા ફર્યાં છે.
આનું પાયાનું કારણ છે તાલિબાનના કબજા હેઠળનું અફઘાનિસ્તાન માત્ર ગરીબી જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સહાય પ્રતિબંધો અને વારંવાર ઉદ્ભવતી કુદરતી આપત્તિઓના કારણે પીડિત છે. બાકી રહેતું હતું તે અફઘાનિસ્તાને ઑગસ્ટ, ૨૦૨૫માં જબરદસ્ત ધરતીકંપનો સામનો કર્યો. ઉપરાંત ૨૦૨૩ બાદ ૪૫ લાખ લોકો અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાતા પોતાના દેશમાં પાછા ફર્યા અને ચાલુ વર્ષે પંદર લાખ લોકોને પાકિસ્તાન અને ઇરાનમાંથી પાછાં કાઢી મૂકવામાં આવ્યાં. આમાંનાં કેટલાંક લોકો તો ૩૦ કે ૪૦ વર્ષ સુધી પાડોશી દેશ પાકિસ્તાન કે ઇરાનમાં રહ્યાં, ત્યાર બાદ તેમને અફઘાનિસ્તાન તગેડી મૂકવામાં આવ્યાં છે.
પાકિસ્તાને ૧૬ જેટલા અફઘાન શરણાર્થી કેમ્પ બંધ કરી દીધા છે, જેને કારણે ૧૩ લાખ લોકો બેઘર બન્યાં છે. દાક્તરી સારવાર તો ઠીક એક ટંકનું ભોજન પણ આ લોકો પામી શકતાં નથી, એટલું જ નહીં પણ ૯૦ ટકા લોકો દેવા હેઠળ દબાયેલાં છે એવું UNDPનો અહેવાલ જણાવે છે. આ અહેવાલ મુજબ અફઘાન શરણાર્થીઓનું દેવું ૩૭૩ ડૉલરથી માંડી ૯૦૦ ડૉલર સુધીનું છે, જ્યારે UNDP રીપોર્ટ અનુસાર એમની એક મહિનાની આવક માંડ ૧૦૦ ડૉલર છે. ઉપરાંત રહેણાંકનાં મકાનોની તીવ્ર તંગીને કારણે મકાનભાડાં ત્રણ ઘણાં વધી ગયાં છે. આમાંનાં અડધોઅડધ પાસે એક પથારી કરવા જેટલી જગ્યા નથી, જ્યારે આ અહેવાલમાં સમાવિષ્ટ ૧૮ ટકા લોકો/કુટુંબો એક કરતાં વધુ વખત સ્થળાંતરિત થયાં છે. એક વર્ષના જ ગાળામાં બે-બે વખત સ્થળાંતર કરવું પડ્યું હોય તેવા કિસ્સા પણ છે. મોટા ભાગનાં શરણાર્થીઓ કાં તો તંબુમાં અથવા ખંડેરમાં રહે છે.
અમેરિકાએ તાલિબાનો સામેનું યુદ્ધ સમેટીને ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા. ત્યાર બાદ અફઘાનિસ્તાન માટેની સહાય ઘણી જ અપૂરતી મળે છે અને દાતા દેશો પાસેથી યુનાઇટેડ નેશન્સ દ્વારા અફઘાનિસ્તાનના આ પુનઃવસન કાર્ય માટે ૩.૧ અબજ અમેરિકન ડૉલરની સહાય માગવામાં આવી હતી તે સામે ઘણું ઓછું પ્રાપ્ત થયું છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો, ત્યાર બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીને શક્ય તેટલી વધુ મદદ માનવતાને ધો૨ણે કરવા માટે અપીલ કરી છે, તેમ જ આવા સમયે પાકિસ્તાન પોતાને ત્યાંથી અફઘાન નાગરિકોને બળજબરીપૂર્વક હાંકી કાઢે છે તે સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં અફઘાનિસ્તાનમાં થયેલા ભૂકંપે જે કાંઈ નાનીમોટી પાંખી સેવાઓ ઉપલબ્ધ હતી તેનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. આમ, ૨૦૨૧માં તાલિબાનોને અફઘાનિસ્તાન સોંપીને અમેરિકા તો એ દેશમાંથી વિદાય થયું એ પછી સ્થાનિક નાગરિકો તેમજ ઇરાન અને પાકિસ્તાનમાંથી હાંકી કઢાતાં અફઘાન શરણાર્થીઓ માટે ઉપર આભ અને નીચે ધરતી, ભૂખમરો અને દેવું, મહિલાઓ પ્રત્યેનું નકારાત્મક વલણ- આ બધું ભેગું કરીને તાલિબાન શાસન હેઠળ જીવતા અફઘાનિસ્તાનને જીવતા દોઝખમાં પરિવર્તિત કરી રહ્યું છે.
ત્યાં જે લોકો જીવી રહ્યાં છે, તેમને સાક્ષાત્ નરકનો અનુભવ થઈ રહ્યો છે, એ વાત તો ઠીક પણ અર્ધભૂખમરાની સ્થિતિમાં આ નાગરિકો અને એમનાં બાળકો ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે અને કદાચ એક સમય એવો આવે કે એમની ધીરજ જવાબ દઈ દે ત્યારે ઊભી થનાર પરિસ્થિતિને અફઘાનિસ્તાનના હાલના શાસકો પહોંચી વળવા માટે સક્ષમ છે ખરા? અત્યારની પરિસ્થિતિ જોતાં આ પ્રશ્નનો હકારાત્મક જવાબ મેળવવો અશક્ય લાગે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અફઘાનિસ્તાન એક યા બીજાં કારણોસર સમાચારોમાં ચમકતું રહે છે. અત્યારે ઇરાનમાં ગેરકાયદે જઈ વસેલાં અફઘાન નાગરિકોને પાછાં મોકલાઈ રહ્યાં છે. આ લોકોની સ્થિતિ કફોડી છે. પૂરતી આવકના અભાવે દસમાંથી નવ અફઘાન કુટુંબો માત્ર એક સમયનું ખાણું લઈ શકે છે. એટલું જ નહીં પણ હજુ લાખો લોકો ઇરાન અને પાકિસ્તાનમાંથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે, જેઓ સખત ગરીબીનો સામનો કરી રહ્યાં છે એવું યુનાઇટેડ નેશન્સનું કહેવું છે. ૪૫ લાખ અફઘાન શરણાર્થીઓ મહદ્ અંશે ઇરાનથી પાછા ફર્યાં છે.
આનું પાયાનું કારણ છે તાલિબાનના કબજા હેઠળનું અફઘાનિસ્તાન માત્ર ગરીબી જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સહાય પ્રતિબંધો અને વારંવાર ઉદ્ભવતી કુદરતી આપત્તિઓના કારણે પીડિત છે. બાકી રહેતું હતું તે અફઘાનિસ્તાને ઑગસ્ટ, ૨૦૨૫માં જબરદસ્ત ધરતીકંપનો સામનો કર્યો. ઉપરાંત ૨૦૨૩ બાદ ૪૫ લાખ લોકો અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાતા પોતાના દેશમાં પાછા ફર્યા અને ચાલુ વર્ષે પંદર લાખ લોકોને પાકિસ્તાન અને ઇરાનમાંથી પાછાં કાઢી મૂકવામાં આવ્યાં. આમાંનાં કેટલાંક લોકો તો ૩૦ કે ૪૦ વર્ષ સુધી પાડોશી દેશ પાકિસ્તાન કે ઇરાનમાં રહ્યાં, ત્યાર બાદ તેમને અફઘાનિસ્તાન તગેડી મૂકવામાં આવ્યાં છે.
પાકિસ્તાને ૧૬ જેટલા અફઘાન શરણાર્થી કેમ્પ બંધ કરી દીધા છે, જેને કારણે ૧૩ લાખ લોકો બેઘર બન્યાં છે. દાક્તરી સારવાર તો ઠીક એક ટંકનું ભોજન પણ આ લોકો પામી શકતાં નથી, એટલું જ નહીં પણ ૯૦ ટકા લોકો દેવા હેઠળ દબાયેલાં છે એવું UNDPનો અહેવાલ જણાવે છે. આ અહેવાલ મુજબ અફઘાન શરણાર્થીઓનું દેવું ૩૭૩ ડૉલરથી માંડી ૯૦૦ ડૉલર સુધીનું છે, જ્યારે UNDP રીપોર્ટ અનુસાર એમની એક મહિનાની આવક માંડ ૧૦૦ ડૉલર છે. ઉપરાંત રહેણાંકનાં મકાનોની તીવ્ર તંગીને કારણે મકાનભાડાં ત્રણ ઘણાં વધી ગયાં છે. આમાંનાં અડધોઅડધ પાસે એક પથારી કરવા જેટલી જગ્યા નથી, જ્યારે આ અહેવાલમાં સમાવિષ્ટ ૧૮ ટકા લોકો/કુટુંબો એક કરતાં વધુ વખત સ્થળાંતરિત થયાં છે. એક વર્ષના જ ગાળામાં બે-બે વખત સ્થળાંતર કરવું પડ્યું હોય તેવા કિસ્સા પણ છે. મોટા ભાગનાં શરણાર્થીઓ કાં તો તંબુમાં અથવા ખંડેરમાં રહે છે.
અમેરિકાએ તાલિબાનો સામેનું યુદ્ધ સમેટીને ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા. ત્યાર બાદ અફઘાનિસ્તાન માટેની સહાય ઘણી જ અપૂરતી મળે છે અને દાતા દેશો પાસેથી યુનાઇટેડ નેશન્સ દ્વારા અફઘાનિસ્તાનના આ પુનઃવસન કાર્ય માટે ૩.૧ અબજ અમેરિકન ડૉલરની સહાય માગવામાં આવી હતી તે સામે ઘણું ઓછું પ્રાપ્ત થયું છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો, ત્યાર બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીને શક્ય તેટલી વધુ મદદ માનવતાને ધો૨ણે કરવા માટે અપીલ કરી છે, તેમ જ આવા સમયે પાકિસ્તાન પોતાને ત્યાંથી અફઘાન નાગરિકોને બળજબરીપૂર્વક હાંકી કાઢે છે તે સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં અફઘાનિસ્તાનમાં થયેલા ભૂકંપે જે કાંઈ નાનીમોટી પાંખી સેવાઓ ઉપલબ્ધ હતી તેનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. આમ, ૨૦૨૧માં તાલિબાનોને અફઘાનિસ્તાન સોંપીને અમેરિકા તો એ દેશમાંથી વિદાય થયું એ પછી સ્થાનિક નાગરિકો તેમજ ઇરાન અને પાકિસ્તાનમાંથી હાંકી કઢાતાં અફઘાન શરણાર્થીઓ માટે ઉપર આભ અને નીચે ધરતી, ભૂખમરો અને દેવું, મહિલાઓ પ્રત્યેનું નકારાત્મક વલણ- આ બધું ભેગું કરીને તાલિબાન શાસન હેઠળ જીવતા અફઘાનિસ્તાનને જીવતા દોઝખમાં પરિવર્તિત કરી રહ્યું છે.
ત્યાં જે લોકો જીવી રહ્યાં છે, તેમને સાક્ષાત્ નરકનો અનુભવ થઈ રહ્યો છે, એ વાત તો ઠીક પણ અર્ધભૂખમરાની સ્થિતિમાં આ નાગરિકો અને એમનાં બાળકો ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે અને કદાચ એક સમય એવો આવે કે એમની ધીરજ જવાબ દઈ દે ત્યારે ઊભી થનાર પરિસ્થિતિને અફઘાનિસ્તાનના હાલના શાસકો પહોંચી વળવા માટે સક્ષમ છે ખરા? અત્યારની પરિસ્થિતિ જોતાં આ પ્રશ્નનો હકારાત્મક જવાબ મેળવવો અશક્ય લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.