Gujarat

નકલી નોટ માટેનું કાગળ 10થી વધુ સિક્યુરિટી ફિચર્સ ધરાવતું હતું

ગાંધીનગર : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ‘યોગગુરુ’ તરીકે ઓળખાતા પ્રદીપ જોટંગિયા ઉર્ફે
‘પ્રદીપ ગુરુજી’ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹2 કરોડથી વધુની નકલી નોટો જપ્ત કરી છે.
બાતમી પરથી કાર રોકી પકડાયા આરોપીઓ

ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત બાતમીના આધારે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નજીક એક કાર રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 500 રૂપિયાની નકલી નોટોના બંડલો મળી આવ્યા હતા. કારમાં એક મહિલા અને ત્રણ પુરુષો સવાર હતા. કાર પર સુરતના ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’નું નામ લખેલું હતું, જેના આધારે પોલીસ તપાસ આગળ વધી રહી છે.

આશ્રમની આડમાં ગોરખધંધો

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સુરત નજીક આશ્રમ ચલાવતા પ્રદીપ ગુરુજી પોતાના અનુયાયીઓ સાથે મળીને નકલી નોટો છાપવાનો ધંધો ચલાવતા હતા. આશ્રમમાં યોજાતી બેઠકોમાં જ આખું નેટવર્ક સંચાલિત થતું હતું. આરોપીઓએ બજારમાં પહેલેથી જ લાખો રૂપિયાની નકલી નોટો ચલાવી દીધી હોવાની પણ આશંકા છે.
ચીનથી મંગાવાતું ‘કરન્સી પેપર’

તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે કે નકલી નોટો બનાવવા માટેનું ખાસ ‘કરન્સી સિક્યુરિટી પેપર’ ચીનથી મંગાવવામાં આવતું હતું. પ્રદીપ ગુરુજી જાતે ચીન જઈ ગ્વાંગઝોઉ અને કિંગદાઓ જેવા શહેરોમાં એજન્ટો સાથે સંપર્કમાં રહ્યો હતો. આ પેપર સામાન્ય નહીં પરંતુ અસલી નોટ જેવા 10થી વધુ સિક્યુરિટી ફીચર્સ ધરાવતું હતું. એક બોક્સ માટે આશરે ₹1.5 લાખ ખર્ચાતો હતો.

33%ના દરે નકલી નોટોની ડીલ

આરોપીઓએ અમદાવાદ સહિતના વિસ્તારોમાં એજન્ટો બનાવ્યા હતા. એક લાખ રૂપિયાની નકલી નોટો માત્ર ₹30 હજારથી ₹33 હજારના દરે વેચાતી હતી. પોલીસના કહેવા મુજબ, આ લોકો ₹2 કરોડથી વધુની નકલી નોટોનો સોદો કરવા અમદાવાદ આવ્યા હતા, પરંતુ ડીલ થાય તે પહેલાં જ ઝડપાઈ ગયા.

સામાન્ય હેરડ્રેસરથી ‘યોગગુરુ’ સુધીનો સફર

મૂળ રાજકોટના પ્રદીપ જોટંગિયા પહેલા હેર સેલૂન ચલાવતો હતો. બાદમાં યોગ ક્લાસ શરૂ કરીને ‘યોગગુરુ’ તરીકે ઓળખ મેળવ્યો અને સુરત પાસે તાપી નદી કિનારે આશ્રમ સ્થાપ્યો. યોગ અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તેણે આ વિશ્વાસનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી.

ખોટા દાવા અને છેતરપિંડી

પ્રદીપ ગુરુજી યોગના નામે કેન્સર અને હાર્ટ બ્લોકેજ જેવા રોગો ઠીક કરવાનો દાવો કરતો હતો. આશ્રમમાં ’હાઈટેક સારવાર’ના નામે લોકોને ભ્રમિત કરવામાં આવતા હતા. અનેક લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.

પોલીસ તપાસમાં વધુ ખુલાસાની શક્યતા

ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યો છે. આરોપીઓના ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી મહત્વપૂર્ણ ડેટા મળ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી હોવાની સંભાવના છે. ફરાર એજન્ટોની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત છે.
આ સમગ્ર ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે ‘ધર્મ’ અને ‘આસ્થા’ના નામે લોકોનો વિશ્વાસ જીતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાનો નવો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે.

Most Popular

To Top