Editorial

વિપરીત વૈશ્વિક સંજોગો વચ્ચે પણ ભારતના અર્થતંત્રના વિકાસની ગતિ ફરીથી વધી

દુનિયાભરમાં આર્થિક ક્ષેત્રે ઉચાટનો માહોલ છે અને સખત ફુગાવાને કારણે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થ બેંકોએ ઉપરાછાપરી વ્યાજ દરોમાં વધારા કર્યા છે અને હજી પણ કરી શકે છે તેવો ભય છે જ. બીજી બાજુ અનેક દેશો, ખાસ કરીને  પશ્ચિમી દેશોમાં મંદીની સ્થિતિ ઉભી થાય તેવા સંજોગો પણ ઝળુંબી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં પણ ભારતનું અર્થતંત્ર એકંદરે સાબૂત રહ્યું છે. અલબત્ત, ભારતીય રૂપિયો નબળો પડ્યો છે પરંતુ બીજા અનેક માપદંડોની રીતે ભારતીય  અર્થતંત્રની સ્થિતિ વિપરીત સંજોગોમાં પણ ઘણી સારી રહી છે અને હવે ફુગાવો પણ કંઇક અંકુશમાં આવ્યો છે અને આરબીઆઇના કમ્ફર્ટ ઝોનની અંદર આવ્યો છે. જો કે ઔદ્યોગિક ઉત્પાદન મંદ પડ્યું છે પરંતુ હાલમાં મળેલા સંકેતો દર્શાવે છે કે  આ ઉત્પાદન ફરીથી વેગ પકડી શકે છે.

રિઝર્વ બેન્કે હાલમાં જણાવ્યું છે કે અર્થતંત્રના વિકાસને વેગ મળે તેવા કેટલાક હકારાત્મક પરિબળો સર્જાયા છે જે અર્થતંત્રની ગતિ ફરીથી વધારી શકે છે. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કાચા માલના  ખર્ચનું નાબૂદ થઇ રહેલું દબાણ, ઉત્સાહભર્યું કોર્પોરેટ વેચાણ અને સ્થાયી મિલ્કતોમાં વધતું રોકાણ ભારતમાં કેપેક્ષની સાયકલમાં ઉપર તરફની ગતિની શરૂઆત કરાવી રહ્યા છે અને આ બાબત દેશના અર્થતંત્રમાં વિકાસને વધુ ઝડપી બનાવશે  એમ આરબીઆઇએ તેના એક લેખમાં જણાવ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આરબીઆઇ બુલેટીન -ડિસેમ્બર ૨૦૨૨માં પ્રગટ થયેલ સ્ટેટ ઓફ ઇકોનોમી નામના લેખમાં કહેવાયું છે કે ભારતમાં નજીકના સમયના વિકાસના દેખાવને ઘરેલુ પ્રેરક પરિબળોનો ટેકો છે જે હાઇ ફ્રીકવન્સી  ઇન્ડિકેટરોમાંના પ્રવાહોમાં પ્રતિબિંબિત થયું છે. એમ આ લેખમાં કહેવાયું છે અને વધુમાં જણાવાયું છે કે નવેમ્બર માસમાં દેશના ઇક્વિટી બજારો શ્રેણીબધ્ધ નવી ઉંચાઇઓ બનાવી ચુક્યા છે જેમને ભારતમાં મજબૂત પોર્ટફોલિયો પ્રવાહોથી વેગ  મળ્યો છે.

નવેમ્બરમાં હેડલાઇન ફુગાવો ૯૦ બેઝિસ પોઇન્ટથી ઘટયો હતો અને પ.૯ ટકા થયો હતો જે કમ્ફર્ટ ઝોનની અંદર આવ્યો છે પરંતુ તે હજી પણ ઉંચો કહી શકાય તેવો તો છે જ. આ લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જોખમનું  સમતોલન વધતા જતાં પ્રમાણમાં ઘેરા થતાં જતાં વૈશ્વિક દેખાવ અને ઉભરતા બજારોના અર્થતંત્રો વધુ જોખમ ધરાવતા બની રહ્યા છે તે તરફ ઢળી રહ્યું છે. બીજી બાજુ વૈશ્વિક ફુગાવાએ વેગ પકડ્યો હોય તેમ મળી રહેલા આંકડાઓ જણાવે છે. આ લેખમાં એમ જણાવાયું છે કે ડિસેમ્બર માસમાં ભારત જયારે જી-૨૦નું પ્રમુખપદ ધારણ કરીને તેની પ્રાથમિકતાઓ તે મુજબ ગોઠવી રહ્યું છે ત્યારે એવી લાગણી પ્રવર્તે છે કે વિશ્વના કેન્દ્રમાં બેસવાનો સમય કદાચ ભારત માટે આવી ગયો છે. 

પીપીપીની રીતે ભારત એ વિશ્વનું ત્રીજું સૌથી મોટા ક્રમનું અર્થ તંત્ર બની ગયું છે અને બજાર વિનિમય દરની રીતે વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર છે ત્યારે જી-૨૦ના કુલ જીડીપીમાં ભારતનો હિસ્સો ૩.૬ ટકા છે. ૨૦૨૩માં ભારત જી-૨૦ના  સભ્ય દેશોમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરતા અર્થતંત્રોમાંનું એક બને તેવો અંદાજ છે. બીજી બાજુ રેટિંગ્સ એજન્સી ફીચે પણ ભારતનું રેટિંગ સુધાર્યું છે. ફિચ રેટિંગ્સે મંગળવારે ‘બીબીબી’ પર ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને સ્થિર આઉટલૂક સાથે સમર્થન આપ્યું હતું. તેના અહેવાલમાં  કહેવામાં આવ્યું હતું કે ભારતનો મજબૂત મધ્યમ ગાળાનો વૃદ્ધિનો અંદાજ રેટિંગ માટે મુખ્ય સહાયક પરિબળ છે. કોર્પોરેટ અને બેંક બેલેન્સ શીટ્સમાં સ્પષ્ટ સુધારો, જે રોગચાળા પહેલા તાણ હેઠળ હતો, તે આગામી વર્ષોમાં રોકાણમાં સ્થિર ગતિની સુવિધા આપે તેવી શક્યતા છે.

જો કે ફીચે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં રિકવરી અને સુધારાલક્ષી પગલાઓના અમલીકરણમાં ઢીલ જેવી બાબતોએ લાલ બત્તી પણ ધરી છે પરંતુ એકંદરે ભારતના અર્થતંત્રની દિશા સારા વિકાસ તરફી હોવાનો સંકેત આપ્યો છે. ફિચે માર્ચ 2023માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 7 ટકાના જીડીપી વિકાસની આગાહી કરી છે.  ‘ભારત 2023માં અંધકારમય વૈશ્વિક દૃષ્ટિકોણથી કંઈક અંશે અલગ છે, બાહ્ય માગ પર તેની સાધારણ નિર્ભરતાને જોતાં અમે અપેક્ષા રાખીએ છીએ કે તે સારો વિકાસ કરશે એ મુજબ તેણે આગાહી કરી છે. જો કે આવતા નાણાકીય વર્ષમાં વિકાસનો દર સહેજ ધીમો પડવાની તેણે આગાહી કરી છે. ઘટતી નિકાસ, અનિશ્ચિતતામાં વધારો અને ઊંચા વ્યાજ દરો નાણાકીય વર્ષ 24માં ધીમી વૃદ્ધિ 6.2 ટકા કરશે’, એમ તેમાં નોંધાયું હતું.

વિપરીત વૈશ્વિક સંજોગો વચ્ચે પણ ભારતના વિકાસની ગતિ સુધરવા માંડી છે તે સારી વાત છે. આશા રાખીએ કે વિકાસની આ ગતિ જળવાઇ રહે. અત્યારે પાડોશી ચીનમાં કોરોનાવાયરસના કેસો ફરીથી વધી રહ્યા છે તે એક મોટી ચિંતાની બાબત છે. જો તેના કારણે ભારતે ફરીથી કંઇક નિયંત્રક પગલાઓ લેવા પડે તો તેની વિપરીત અસર વિકાસની દોડ પર પડી શકે છે. ઘરઆંગણેના કેટલાક વિપરીત પરિબળો પણ વિકાસના માર્ગમાં અવરોધો ઉભા નહીં કરે તેનું સરકારે ધ્યાન રાખવું પડશે.

Most Popular

To Top