સુરત : સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટપોરના બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતગમત દરમિયાન લોહીયાળ દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. મેચ દરમિયાન વિકેટ પડતા કરવામાં આવેલા સેલિબ્રેશનથી ઉશ્કેરાઈને વિરોધી ટીમના કેપ્ટન સુનિલ યાદવે વિવેક વાળા પર ક્રિકેટ બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 20 વર્ષીય વિવેકને હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પગલે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર ફરિયાદી વિવેક જગદીશભાઈ વાળા (ઉ.વ. 20), જે હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગરના પાલીતાણાનો વતની છે, તેને ગત 12 ફેબ્રુઆરીના રોજ ‘ધ અનબ્રેકેબલ યુનિટી’ ટીમના કેપ્ટન સુનિલ કૃષ્ણપ્રસાદ યાદવ સાથે બોલાચાલી થઈ હતી. વિવેક તેના મિત્રની ટીમ ‘સુરત યુનાઇટેડ’ તરફથી રમવા માટે ભાટપોરના ગ્રાઉન્ડ નંબર 07 પર પહોંચ્યો હતો. મેચ દરમિયાન સુનિલ યાદવની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી.
બપોરના આશરે 12 વાગ્યાના અરસામાં વિવેક જ્યારે તેની ટીમ વતી ત્રીજી ઓવર ફેંકવા આવ્યો ત્યારે સામેની ટીમનો ખેલાડી પ્રણવ સોલંકી બેટિંગમાં હતો. વિવેકે ઓવરના બીજા બોલે પ્રણવને કીપર કેચ આઉટ કરાવતા તેની ટીમમાં ખુશીનો માહોલ છવાયો હતો. પોતાની ટીમના ખેલાડીઓ સાથે વિકેટની ઉજવણી કરી રહેલા વિવેકને જોઈ સુનિલ યાદવ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાળો બોલવાનું શરુ કર્યું હતું.
જ્યારે વિવેકે ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા સુનિલ યાદવે હાથમાં રહેલા ક્રિકેટ બેટથી વિવેક પર હુમલો કર્યો હતો. સુનિલે સૌપ્રથમ વિવેકની પીઠના ભાગે બેટનો ફટકો માર્યો હતો. ત્યારબાદ તેણે જોરથી બેટ વિવેકના માથામાં મારવા માટે વીંઝ્યું હતું. પોતાનો બચાવ કરવા માટે વિવેકે જમણો હાથ આડો ધરતા બેટનો જોરદાર ફટકો કાંડાના ભાગે વાગ્યો હતો. આ ફટકો એટલો ગંભીર હતો કે વિવેકને કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું.