અમેરિકામાં એક ધબકતો અને વગદાર સમુદાય ભારતીય મૂળના લોકોનો છે. એક સમયે માત્ર કમાણી કરવા અને સારા જીવનધોરણની આશાએ જતા ભારતીયોએ હવે તો ત્યાં ઘણુ કાઠુ કાઢયું છે. જો કે લાખો ભારતીયો ત્યાં મહેનત કરીને બે પાંદડે થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ પણ ભારતીયો દર વર્ષે મોટા પ્રમાણમાં અમેરિકામાં ઠલવાય છે અને હાલમાં બહાર આવેલા આંકડાઓ મુજબ આ ભારતીય-અમેરિકનો હવે અમેરિકામાં બીજા ક્રમનું સૌથી મોટું એશિયન જૂથ છે. યુએસ સેન્સસ બ્યુરોના આંકડાઓ અને પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલ અમેરિકન કોમ્યુનિટી સર્વેના વિશ્લેષણ મુજબ, હવે ભારતીય મૂળના આશરે બાવન લાખ લોકો અમેરિકાને પોતાનું ઘર કહે છે, ભારતીય અમેરિકનો અમેરિકામાં એશિયન વસ્તીના લગભગ 21% છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના વિશ્લેષણ અહેવાલ મુજબ, ભારતીય સમુદાયમાં અમેરિકામાં રહેતા એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ પોતાને ભારતીય તરીકે ઓળખાવે છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ તેમના અથવા તેમના પરિવારના મૂળ ભારતમાં છે, જેમાં ભારતમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સ અને અમેરિકા અથવા અન્યત્ર જન્મેલા લોકોનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા 20 વર્ષોમાં સતત સ્થળાંતર અને વસ્તી વૃદ્ધિને કારણે અમેરિકામાં ભારતીય સમુદાયની સંખ્યામાં ધ્યાનાકર્ષક વધારો થયો છે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીની-અમેરિકનો અમેરિકામાં સૌથી મોટી એશિયન વસ્તી છે. ચીની મૂળના લગભગ પપ લાખ લોકો અમેરિકામાં રહે છે એમ અહેવાલમાં જણાવાયું છે. જો કે નોંધપાત્ર રીતે, ભારતે 2023- 2024 શૈક્ષણિક વર્ષ માટે ચીનને પાછળ મૂકીને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ટોચના સ્ત્રોત તરીકે પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે. ૨૦૨૧-૨૦૨૩માં અમેરિકામાં ભારતીય અમેરિકનોની સંખ્યા ૪૯ લાખ હતી, જે લગભગ ૩ લાખ જેટલી વધી છે. ૨૦૦૦ થી, અમેરિકામાં ભારતીય વસ્તીમાં આશરે ૩૧ લાખનો વધારો થયો છે, જે લગભગ વીસ વર્ષના સમયગાળામાં ૧૭૪ ટકાનો વધારો દર્શાવે છે. ૨૦૨૩માં અમેરિકામાં ભારતીય-અમેરિકન વસ્તીમાં ઇમિગ્રન્ટ્સ ૬૬% હતા, જે ૨૦૦૦માં ૭૩% હતા, તેના પરથી આ ઘટાડો થયો છે.
જોકે, પ્યુ રિપોર્ટ અનુસાર, આ જ સમયગાળા દરમિયાન દેશમાં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા ૧૩ લાખ પરથી વધીને ૩૨ લાખ થઈ ગઈ છે. ભારતીય ઇમિગ્રન્ટ્સનો નોંધપાત્ર હિસ્સો અમેરિકામાં લાંબા ગાળાના મૂળિયા ધરાવે છે, જેમાંથી ૬૦% એક દાયકાથી વધુ સમયથી દેશમાં રહે છે, અને ૫૧% લોકોએ નેચરલાઈઝેશન દ્વારા યુએસ નાગરિકતા મેળવી છે. અમેરિકામાં ભારતીય અમેરિકનોની મોટી વસ્તી કેલિફોર્નિયા રાજ્યમાં રહે છે, જ્યાં આશરે 9,60,000 વ્યક્તિઓ સમુદાયના 20% હિસ્સો ધરાવે છે. નોંધપાત્ર ભારતીય વસ્તી ધરાવતા અન્ય રાજ્યોમાં ટેક્સાસ (5,70,000), ન્યુ જર્સી (4,40,000), ન્યુ યોર્ક (3,90,000) અને ઇલિનોઇસ (2,70,000)નો સમાવેશ થાય છે.
અમેરિકામાં ભારતીયો અનેક બાબતોમાં નિપુણ સમુદાય તરીકે આગળ આવ્યા છે. અમેરિકામાં 5 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીયોમાંથી મોટાભાગના લોકો અંગ્રેજી ભાષામાં નિપુણતા ધરાવે છે, જેમાં 84% લોકો આ ભાષામાં અસરકારક રીતે વાતચીત કરી શકે છે. એશિયન અમેરિકનોની તુલનામાં, આપણા ગુજરાતીઓની સંખ્યા ભારતીય અમેરિકનોમાં ઘણી મોટી છે તે તો સર્વવિદિત છે જ. અમેરિકામાં ત્યાંની જાણીતી સ્પેલિંગ બી સ્પર્ધામાં અને ગણિતની સ્પર્ધામાં ઘણી બધી વખત ભારતીય બાળકો મોખરે રહ્યા છે ભારતની નવી પેઢીની નિપુણતા દર્શાવે છે.
અમેરિકામાં ભારતીયોએ હવે તો રાજકારણમાં પણ ઘણુ કાઠુ કાઢ્યું છે અને અનેક ભારતીયો ત્યાં સાંસદ છે. ભારતીય મૂળના મહિલા ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા છે તો હાલના ટ્રમ્પ તંત્રમાં એફબીઆઇ અને નેશનલ ઇન્ટેલિજન્સના વડાઓના પદ સુધી ભારતીય મૂળના લોકો પહોંચ્યા છે. ભારતીયોની આ સિદ્ધીઓ માટે તો એક જુદુ જ પ્રકરણ ફાળવવું પડે. જો કે ભારતીયોની વસ્તી વધવાની સાથે ત્યાં પણ ભારતીયોના આંતરિક સંઘર્ષના થોડા બનાવો દેખાવા માંડ્યા છે જેમ કે ખાલિસ્તાનવાદીઓની ચળવળો અને કાશ્મીર જેવા મામલે હિન્દુ-મુસ્લિમ તનાવ. જો કે આનું પ્રમાણ ખૂબ ઓછું છે. આશા રાખીએ કે ભારતીયો ત્યાં એક થઇને રહે અને એક ઉત્તમ સમાજનું ઉદાહરણ પુરુ પાડે.