જેની ઘણી રાહ જોવાતી હતી તે શાંતિ માટેના આ વર્ષના નોબેલ પુરસ્કારની શુક્રવારે જાહેરાત થઇ હતી અને આ પ્રતિષ્ઠિત ઇનામ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને જાહેર કરવામાં આવ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળશે તેવી અટકળો ખોટી સાબિત થઇ હતી. દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝુએલામાં લોકશાહી સ્થાપિત કરવા માટેના સંઘર્ષ બદલ મચાડોને આ ઇનામ જાહેર કરાયું હતું. વિશ્વમાં અનેક યુદ્ધોમાં સમાધાન કરાવવાનો દાવો કરી રહેલા અને વિવિધ દેશોની સરકારો દ્વારા જેમને નોબેલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ કરાયા હતા તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળવાની અટકળો ખોટી પડી હતી.
આ પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પર્ધા કરી રહ્યા હતા અને લાંબા સમયથી કહેતા હતા કે તેઓ આઠ યુદ્ધોનો અંત લાવવા માટે તેઓ આને લાયક હતા. ઓવલ ઓફિસે કહ્યું કે નોબેલ સમિતિએ મચાડોને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપીને શાંતિ કરતાં રાજકારણને વધુ મહત્વ આપ્યું છે! ખરેખર તો ટ્રમ્પને આ એવોર્ડ મળ્યો પણ હોત તો તે એક વિવાદાસ્પદ જાહેરાત બની હોત. ટ્રમ્પની છાપ કોઇ સીધાસાદા સજ્જન તરીકેની નથી. જાત જાતના વિવાદોમાં તેઓ સંડોવાયેલા છે. પોતે હાલમાં ઘણા યુદ્ધો અટકાવ્યા હોવાનો તેઓ દાવો કરે છે પરંતુ તેમના દાવા વિવાદાસ્પદ રહ્યા છે.
ભારત-પાક. યુદ્ધ પોતે અટાકાવ્યું હોવાનો તેઓ દાવો કરે છે જે દાવો ભારત સતત નકારતું આવ્યું છે. આર્મનિયા અને આઝારબૈજાનનું યુદ્ધ તેમણે કઇ રીતે અટકાવ્યું તે પણ એક પ્રશ્ન છે. ગાઝામાં તેમણે શાંતિ કરાર કરાવ્યો છે ખરો પણ આ કરાર કેટલો ટકે અને તેમની શાંતિ યોજનાને કેટલી સફળતા મળે તે એક પ્રશ્ન છે. આ કરાર જો ટકી જાય અને ખરેખર ગાઝામાં કાયમી શાંતિ સ્થપાય તો આવતા વર્ષના નોબેલ પ્રાઇઝ માટે તેમનું નામ વિચારી શકાય, બાકી આ વર્ષે તેમને નોબેલ શાંતિ ઇનામ આપવું ઉતાવળીયું જ સાબિત થાત.
આમ પણ નોબેલ શાંતિ પારિતોષિકની જાહેરાત ઘણી વખત વિવાદાસ્પદ રહી છે. ભૂતપૂર્વ રશિયન પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવ, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાનો યિત્ઝેક રાબિન અને શિમોન પેરેઝ તથા પીએલઓના વડા યાસર અરાફત, ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખો હેન્રી કિસીન્જર અને જીમી કાર્ટર તથા બરાક ઓબામા, ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ જેવી વ્યક્તિઓને અપાયેલા નોબેલ પીસ પ્રાઇઝ બાબતે વિવાદ થયો હતો.
સંગઠન તરીકે યુરોપિયન યુનિયનને આ ઇનામ અપાયું તે બાબત પણ વિવાદમાં સપડાઇ હતી. તો ગાંધીજીને નોબેલ પીસ પ્રાઇઝ ન અપાયું તે બાબત પણ ચર્ચાસ્પદ રહી છે. જો કે ગાંધીજી આગળ તો નોબેલ ઇનામ પણ નાનુ ગણાય. પરંતુ નોબેલ શાંતિ ઇનામ અનેક વખત વિવાદાસ્પદ બની રહ્યું છે તે એક કઠોર વાસ્તવિકતા છે.