World

વર્લ્ડ ટૂરનો સંદેશ‘લોખંડી પક્ષી’હવે ગુજરાતના આકાશમાં!

ગુજરાતના સુરત એરપોર્ટ પર એક એવું વિમાન ઉતર્યું કે જેને જોઈને એવિએશન પ્રેમીઓની આંખોમાં ચમક આવી ગઈ. નામ છે Douglas DC-3. આ માત્ર વિમાન નથી,પરંતુ જીવતો જાગતો ઇતિહાસ છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જેને ‘વર્કહોર્સ ઓફ ધ સ્કાય’ કહેવામાં આવતું હતું, તે જ આ લોખંડી પક્ષી આજે 84 વર્ષ પછી પણ મજબૂતાઈથી ઉડી રહ્યું છે.

D-Dayનું સાહસ અને યુદ્ધનો વળાંક


વર્ષ 1944નું ઐતિહાસિક D-Day ઓપરેશન જ્યાં મિત્ર રાષ્ટ્રોએ નાઝી જર્મની સામે નિર્ણાયક હુમલો કર્યો તેમાં આ વિમાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.સૈનિકો, હથિયારો અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં DC-3 મોખરે રહ્યું.હિટલરની નાઝી સેનાને હંફાવવામાં આ વિમાન પરિવહન ક્ષેત્રે કાંધે કાંધ મિલાવી ઊભું રહ્યું હતું.

‘સ્પિરિટ ઓફ ડગ્લાસ’ – મજબૂતીનું પ્રતિક

અમેરિકાની Douglas Aircraft Company દ્વારા 1930ના દાયકામાં બનાવાયેલ આ વિમાન આજે પણ ટેકનિકલ રીતે અદભૂત છે.તેમાં બે શક્તિ શાળી Pratt & Whitney એન્જિન લગાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે જો એક એન્જિન ખોટવાય તો પણ બીજું એન્જિન વિમાનને સુરક્ષિત રીતે કલાકો સુધી ઉડાડે શકે છે.આજના ઘણા આધુનિક જેટ વિમાનો 20-25 વર્ષમાં નિવૃત્ત થઈ જાય છે, જ્યારે DC-3 80 વર્ષથી વધુ સમય બાદ પણ આકાશમાં ગર્વથી ઉડી રહ્યું છે. આ છે ટેકનોલોજી અને મજબૂત ડિઝાઇનનું જીવંત ઉદાહરણ.


હાલમાં આ ઐતિહાસિક વિમાન વર્લ્ડ ટૂર પર નીકળ્યું છે. હેતુ એક જ વિમાનશાસ્ત્રના ઇતિહાસને જીવંત રાખવો અને નવી પેઢીને તેની પ્રેરણાદાયક વારસાથી પરિચિત કરાવવી. સુરત એરપોર્ટ પર ફ્યુઅલ રિફિલિંગ માટે ટૂંકું રોકાણ કર્યા બાદ વિમાન વડોદરા તરફ રવાના થયું,જ્યાં પણ તેને જોવા લોકો ઉમટી પડ્યા.જ્યારે આ ‘લોખંડી પક્ષી’ ગુજરાતના આકાશમાં ઊડ્યું, ત્યારે લાગ્યું કે ઇતિહાસ ફરી એકવાર પાંખો ફફડાવી રહ્યો છે. DC-3 માત્ર મશીન નથી તે સાહસ,મજબૂતી અને માનવ સંકલ્પનું પ્રતિક છે.ગુજરાતના આંગણે ઉતરેલું આ વિમાન યાદ અપાવે છે કે સાચી ટેકનોલોજી સમયની કસોટી પર હંમેશા અડીખમ રહે છે.

Most Popular

To Top