Columns

સંગીતકારના દિલનો સુર

એક દિવસ ભારતના પ્રખ્યાત સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર યાત્રાએ નીકળ્યા હતા અને યાત્રા કરત કરતા હરદ્વારના ગંગા કિનારે પહોંચ્યા. પંડિતજીએ દુરથી બરાબર ન વાગતી દિલરુબાના સુર સાંભળ્યા આ બેસુરા સુર તેમના કાનને ખટક્યા અને તેમના પગ તે તરફ વળી ગયા  તેમણે જોયું કે ગંગા ઘાટ પાસે એક અંધ ગરીબ ભિખારી પોતાની પાસેની દિલરુબા વગાડી યાત્રાળુઓ પાસે થોડા પૈસા મેળવવાની કોશિશ કરી રહ્યો હતો પણ તે બરાબર દિલરુબા વગાડી શકતો ન હતો.પંડિતજી તેની એકદમ પાસે ગયા આજુબાજુના મોટાભાગના યાત્રાળુઓ પંડિતજીને ઓળખી ગયા અને રસ્તો કરી આપ્યો.પણ ભિખારી તો અંધ હતો તે પંડિતજીને કઈ રીતે જોઇને ઓળખી શકે. પંડિતજીએ અંધ ભિખારીને કહ્યું, ‘ભાઈ તને વાજિંત્ર વગાડતા ન આવડતું હોય તો શું કામ વગાડે છે.’

અંધ ભિખારી લાચારી સાથે પોતાનો ઘાયલ હાથ બતાવતા બોલ્યો, ‘સાહેબ, મને દિલરુબા વગાડતા આવડે છે.આજ મારી આજીવિકા છે રોજ દિલરુબા વગાડીને જ જે મળે તે મેળવું છું અને પેટ ભરું છું પણ ગઈકાલે રાત્રે મારા હાથમાં વાગ્યું અને બહુ જ દુખાવો થાય છે એટલે આજે  હું દિલરુબા બરાબર વગાડી શકતો નથી.’ પંડિતજીને દુઃખ થયું તેમણે અંધ ભિખારીને થોડા પૈસા આપ્યા તો અંધ બોલ્યો, ‘સાહેબ, નસીબનો માર્યો છું અંધ છું પણ સંગીતકાર છું ભિખારી નથી.દિલરુબા વગાડી બધાનું મનોરંજન કરી જે મળે તે લઉં છું.પણ ભિખારીની જેમ ભીખ લેતો નથી.’ પંડિતજીને પોતે  દિલરુબાવાળા અંધ ગરીબને પોતે પૂરી વાત જાણ્યા વિના ટોક્યો અને પૈસા આપી તેનું અપમાન કર્યું એમ લાગ્યું તેથી ખુબ જ દુઃખ થયું.તેઓ પોતે તે અંધ સંગીતકારની બાજુમાં જમીન પર બેસી ગયા.

પંડિતજીને આમ બેસેલા જોઈ અનેક યાત્રાળુઓ ત્યાં ભેગા થવા લાગ્યા.પંડિત ઓમકારનાથ ઠાકુર બોલ્યા, ‘બાબા હું તમારી કઈ મદદ કરું??’ અંધ સંગીતકારે કહ્યું, ‘આજે મારી કોઈ મદદ કરી શકે એમ જ નથી વાંધો નહિ આ હાથ એક બે દિવસમાં સારો થઇ જશે ત્યાં સુધી ભૂખ્યો રહી લઈશ.’ પંડિતજી બોલ્યા, ‘બાબા, એક વિનંતી છે તમે પરવાનગી આપો તો તમારી દિલરુબા મને આપો અને હું વગાડુ.’ અંધબાબાએ પૂછ્યું, ‘સાહેબ તમને આવડશે દિલરુબા વગાડતા ???’ ઓમકારનાથજી બોલ્યા, ‘તમે હા પાડો તો કોશિશ કરું.’અને આટલું બોલીને પંડિતજીએ પોતે દિલરુબા વગાડવા માંડી એવા સુર રેલાવ્યા કે યાત્રાળુઓનો સમૂહ એકઠો થઇ ગયો અને પૈસાનો જાણે વરસાદ વરસ્યો.પંડિતજી હજી પેલો અંધ સંગીતકાર કઈ પૂછે તે પહેલા બધા પૈસા અને દિલરુબા તેમના હાથમાં આપી ચુપચાપ આગળ વધી ગયા.’  
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top