ગાંધીનગર, તા. 9
વિશ્વના એક માત્ર એવા સફેદ રણમાં ઉજવાતા રણોત્સવ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને વધુ આકર્ષિત બનાવવા માટે રણોત્સવ દરમિયાન દરરોજ સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ લાઈટ અને સાઉન્ડ શો ‘રણ અને ભૂમિ’ની થીમ પર આધારિત છે, જેમાં કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવવામાં આવે છે. શોમાં હડપ્પન સંસ્કૃતિ, ધોળાવીરાનું નગર આયોજન, કોટેશ્વર મંદિરનો પૌરાણિક ઈતિહાસ, ઝારાની લડાઈ તેમજ વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છના વિકાસની ગાથા રજૂ કરવામાં આવે છે.
આ ઉપરાંત વર્ષ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભુજ એરસ્ટ્રીપને માત્ર ૭૨ કલાકમાં ફરી તૈયાર કરવામાં કચ્છની ૩૦૦થી વધુ મહિલાઓએ આપેલા અદભૂત યોગદાનને પણ દર્શાવવામાં આવે છે.

આ લાઈટ અને સાઉન્ડ શો પ્રવાસીઓ માટે તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૩થી શરૂ કરવામાં આવ્યો છે. રણોત્સવ દરમિયાન દરરોજ બે શો યોજવામાં આવે છે અને એક સાથે આશરે ૨૫૦ પ્રવાસીઓ તેને નિહાળી શકે છે. ધોરડો ખાતે આ પ્રોજેક્ટની કામગીરી ૨૭ મે ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ૨૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂર્ણ થઈ હતી. પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની લાઈટિંગ, સ્ક્રિપ્ટ અને વોઈસ ઓવર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
રણોત્સવ દરમિયાન આવનારા પ્રવાસીઓને વધુ આકર્ષણ મળે અને નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે માટે આ લાઈટ અને સાઉન્ડ શો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.