સુરત: ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં ચોમાસાના અંતિમ મહિનાઓમાં વધારો થશે તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. શ્રાવણ પૂર્ણ થવાના અંતિમ દિવસોથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ વરસાદ (Rain) શરૂ થતાં પ્રકાશા અને હથનુર ડેમમાંથી (Hathnur Dam) પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ઉકાઈ ડેમમાં 2,70, 665 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ઉકાઈ ડેમનો આઉટ ફ્લો 800 ક્યુસેક છે.
- 2.70 લાખ ક્યુસેક પાણીની આવક સાથે ડેમની સપાટી 338.47 ફૂટે પહોંચી
- ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હથનુર ડેમના 41 દરવાજા ખોલાયા
ઉકાઈ ડેમની સપાટી 338.47 ફૂટ નોંધાઈ
ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જૂન મહિનાના અંતથી વરસાદની શરૂઆત તો થઈ હતી પણ સારો વરસાદ વરસ્યો ન હતો. પરંતુ મળેલી માહિતી પ્રમાણે ગત 48 કલાકમાં ઉકાઈ ડેમના ટેસ્કાથી માંડીને ઉકાઈ સુધીના 51 રેઈનગેજ સ્ટેશનમાં ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 338.12 ફૂટ નોંધાઈ છે. આ ફૂટ ઉપર સપાટી પહોંચવાની સાથે જ ઉકાઈ ડેમ 81 ફૂટ ભરાઈને એલર્ટ લેવલે પહોંચ્યો છે.
છેલ્લા અઢી મહિનામાં ઉકાઈ ડેમની સપાટીમાં 30 ફૂટનો વધારો
આ વર્ષે ઉકાઈ ડેમમાં 26 જૂનથી પાણીની આવક શરૂ થઈ હતી. તે વખતે સપાટી 308.28 ફૂટ હતી. ત્યાર બાદ અત્યાર સુધીના અઢી મહિના સુધીમાં સતત પાણીની આવક ચાલુ રહેતા સપાટીમાં 30 ફૂટનો વધારો થઈને આજે 338.47 ફૂટ નોંધાઈ છે. જે ઉકાઈ ડેમના રૂલ લેવલ 340 કરતા બે ફૂટ જ ઓછી છે. જ્યારે ઉકાઈ ડેમનું ભયજનક લેવલ 345.00 છે.
ઉકાઈ ડેમની સપાટી 338.47 ફૂટે પહોંચી
વરસાદની આ સિઝનમાં ઉકાઈ ડેમની સપાટી ગત મહિને 335 ફૂટ સુધી પહોંચી હતી. ત્યારબાદ ખેતી માટે પાણી છોડવામાં આવતા ઘટાડો થયો હતો. ત્યારબાદ ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવક સતત શરૂ રહી હતી. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતાં ખેતી માટે પાણી છોડવાનું બંધ કરી દેતા ડેમની સપાટીમાં વધારો થયો હતો. હાલમાં હથનુર ડેમમાં પાણીની આવક વધતાં 41 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ઉકાઈ ડેમની સપાટી 338.47 ફૂટે પહોંચી છે. જે આ સિઝનની મહત્તમ સપાટી છે.