National

સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, જાણો ક્યો છે દેશ..!!

ભારતની ઘાતક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ હવે વિદેશી બજારમાં વધુ એક મોટી સફળતા મેળવવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ આ મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આશરે $450 મિલિયન (લગભગ રૂ 3,750 કરોડ)નો આ સોદો ટૂંક સમયમાં ફાઇનલ થવાની ચર્ચા છે. આ કરાર ઇન્ડોનેશિયાની નૌકાદળની શક્તિમાં વધારો કરશે અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના આક્રમણનો સામનો કરવા માટે મદદરૂપ બનશે.

મીડિયા અહેવાલ મુજબ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વાટાઘાટો લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ફક્ત રશિયન પક્ષ તરફથી અંતિમ મંજૂરી મળ્યા પછી આ સોદા પર હસ્તાક્ષર થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાના ટોચના રાજકીય અને લશ્કરી નેતાઓએ નવી દિલ્હી મુલાકાત લીધી હતી. જેમાં આ મિસાઇલ ડીલ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ તાજેતરમાં ઇન્ડોનેશિયાની મુલાકાતે ગયા હતા. જે બંને દેશો વચ્ચે વધતા રક્ષણ સહયોગનું પ્રતીક માનવામાં આવે છે. પહેલા ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોની ભારત મુલાકાત દરમિયાન પણ આ ડીલ પર ચર્ચા થઈ હતી.

ભારત પહેલાથી જ ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલ આપી ચૂક્યું છે. તે સોદો લગભગ રૂ 3,500 કરોડનો હતો. જેમાં મિસાઇલ સાથે લોન્ચ સિસ્ટમ અને ટેકનિકલ સપોર્ટ પણ આપવામાં આવ્યા હતા. ફિલિપાઇન્સે તેને પોતાના રક્ષણ માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. હવે ઇન્ડોનેશિયા સાથેનો આ નવો સોદો ભારતને વૈશ્વિક હથિયાર બજારમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.

બ્રહ્મોસ મિસાઇલ શું છે?
બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઇલ DRDO અને રશિયાની NPO મશીનોસ્ટ્રોયેનિયા વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટનું પરિણામ છે. 1998માં શરૂ થયેલ આ પ્રોજેક્ટનો હેતુ હતો એક એવી સુપરસોનિક મિસાઇલ વિકસાવવી જે સેકન્ડોમાં દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરી શકે.

આ મિસાઇલ જમીન, સમુદ્ર, હવા અને સબમરીનમાંથી લોન્ચ થઈ શકે છે. તેનું વજન લગભગ 3,000 કિગ્રા છે અને તેની ઝડપ અવાજની ઝડપ કરતાં 3 ગણાથી વધુ છે. તેની ખાસિયત છે “ફાયર એન્ડ ફોરગેટ ટેકનોલોજી” એટલે કે એકવાર લોન્ચ થયા બાદ તે સ્વતંત્ર રીતે લક્ષ્યને ભેદે છે.

ઇન્ડોનેશિયા સાથેનો આ સોદો માત્ર ભારત માટે ગૌરવની વાત જ નહીં પરંતુ એશિયા-પ્રશાંત વિસ્તારમાં ભારતની રક્ષણ ક્ષમતા અને વિશ્વસનીયતાનો પણ એક મજબૂત પુરાવો છે.

Most Popular

To Top