ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે.તે જ સમયે ઈરાની મીડિયા મેહર ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે હુમલાખોરો ઈરાની હતા. અહેવાલમાં જણાવાયું છે કે શનિવારે ઈરાની હુમલાખોરોએ સરવાન શહેરના સિરકાન વિસ્તારમાં એક ઘરની અંદર નવ લોકોની હત્યા કરી હતી. હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ ઘટના ઈરાન દ્વારા પાકિસ્તાન પર હુમલાના 12 દિવસ બાદ બની છે.
હકીકતમાં 16 જાન્યુઆરીની રાત્રે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. બીજા જ દિવસે, જવાબમાં પાકિસ્તાને ઈરાનની અંદર 48 કિમી સુધી હવાઈ હુમલો કર્યો. આ હુમલો સરવાન શહેરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યા ગયેલા તમામ પાકિસ્તાની પંજાબ અને સિંધ પ્રાંતના રહેવાસી હતા. તે ઓટો રિપેરિંગની દુકાનમાં કામ કરતા હતા. હુમલામાં 3 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તે જ સમયે, પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ ઘટના પર કહ્યું હતું કે ઈરાનમાં 9 પાકિસ્તાનીઓના મોતથી હું આઘાતમાં છું.
કાઉન્સિલ જાહીદખાન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમે ઇચ્છીએ છીએ કે ઈરાન અમને તપાસમાં સહકાર આપે. ઈરાનના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને રાજદૂત મુદસ્સીર ટીપુને ત્યાંથી પરત બોલાવી લીધા હતા. બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયા બાદ ટીપુ ગઈકાલે જ તેહરાન પહોંચી ગયા હતા. આજે સવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો આભાર માનતા ટ્વીટ કર્યું છે.પાકિસ્તાન અને ઈરાને એકબીજાના વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કર્યા છે જ્યાં બહુમતીમાં બલૂચ વસ્તી રહે છે.
બલોચ છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં હડતાલ પર બેઠા છે. તેમનો આરોપ છે કે તેમના લોકોની ગેરકાયદેસર રીતે હત્યા કરવામાં આવી રહી છે. તેમના લોકોનું અપહરણ અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. બલૂચ કાર્યકર્તાઓ આ મામલાની તપાસ માટે ન્યાયિક કમિશનની માગ કરી રહ્યા છે. 16 જાન્યુઆરીએ થયેલા હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ પછી ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ હુમલો માત્ર આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો હતો.
તેમના પર જિલાનીએ કહ્યું હતું કે કોઈ પણ દેશે આવો જોખમી માર્ગ ન અપનાવવો જોઈએ. પાકિસ્તાનને ઈરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે. ઈરાની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એરફોર્સે 24 કલાકની અંદર ઈરાન પર એર સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાને ઈરાનમાં હાથ ધરેલા ઓપરેશનને ‘માર્ગ બાર સરમાચાર’ નામ આપ્યું છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઓપરેશનના ભાગરૂપે ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મીના 7 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઈરાનની સરહદમાં 48 કિલોમીટર અંદર ઘૂસીને આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે હુમલા માટે કિલર ડ્રોન, રોકેટ, દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે.
ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન સ્વતંત્ર થયું ત્યારે દુનિયામાં એક દેશ તરીકેની પ્રથમ માન્યતા ઇરાને આપી હતી. ઇરાને જ પાકિસ્તાનમાં પોતાનું પ્રથમ રાજદૂતાવાસ ખોલ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં શીતયુધ્ધ સમાપ્ત થયા પછી પાકિસ્તાન ખૂદે જ પેદા કરેલા આતંકી સંગઠનોનું ભોગ બનવા માંડયું. અફઘાનિસ્તાનની તાલિબાની વિચારધારા પાકિસ્તાનની જ પેદાશ છે. શિયા અને સુન્નીઓના વૈમનસ્ય વધવા લાગ્યું ત્યારે પાકિસ્તાનમાં એક લોબી ઇરાન પર સાંપ્રદાયિક તણાવ વધારવાના આરોપ ઘડતી રહી હતી. પાકિસ્તાનની તકલીફ એ છે કે પોતાની જમીનનો ઉપયોગ આતંકી સમૂહોને કરતા અટકાવી શકતું નથી.
બીજી રીતે કહીએ તો પાકિસ્તાન માટે આતંકવાદ એક પ્રોડકટ છે જેની સાથે ફાયદા નુકસાનની ગણતરીએ જ આગળ વધે છે. પાકિસ્તાનના ઇરાન સહિતના આરબ દેશો સાથેના સંબંધો સગવડિયા ધર્મ જેવા રહ્યાં છે. સાઉદી અરબ અને ઇરાનના ખટરાગમાં પાકિસ્તાન લોલકની જેમ ફરતું રહયું છે. ઇરાનના હાડોહાડ વિરોધી અમેરિકા સાથે પાકિસ્તાનનો વર્ષોથી ઝુકાવ રહેલો છે. પાકિસ્તાને ચીન સાથે ગ્વાદરપોર્ટની સમજૂતી કરી ત્યારે ૨૦૧૮માં ઇરાને પોતાના બંદરગાહ ચાબહારના એક ભાગનું નિયંત્રણ ભારતને સોંપવા માટે એક સમજુતી કરાર કર્યો હતો.
ઇરાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનતા પાકિસ્તાન નારાજ રહે છે. ઇરાન અને સાઉદી અરબ સાથેના સંબંધોમાં પણ પાકિસ્તાન અસ્પષ્ટ નીતિ ધરાવે છે. ૨૦૧૫માં યમનના હુથી વિદ્વોહીઓ પર સાઉદી અરબ અને તેના આરબ સાથીઓએ કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાન દૂર રહ્યું હતું. હૂથી શિયા પ્રેરિત સંગઠન હોવાથી પાકિસ્તાનનું આ વલણ ઇરાનને માફક આવે તેવું હતું. થોડાક સમય પહેલા જ હોર્મુઝની ખાડીમાં પાકિસ્તાન નેવી સાથે એક કવાયતનું આયોજન થયું હતું. હવે ઇરાનની એર સ્ટાઇક વર્સિસ પાકિસ્તાનની એક સ્ટ્રાઇકથી સમિકરણો બદલાઇ રહયા છે.
ઇરાનની દાયકાઓ જુની અમેરિકા અને પશ્ચિમી દેશો સાથેની દુશ્મનાવટ છતાં કયારેય કોઇએ હુમલો કર્યો ન હતો. મધ્ય પૂર્વંમાં વર્ચસ્વ જમાવવાની ઇરાનની નીતિ જગજાહેર છે. અરબસ્તાનના જે દેશોમાં શિયા વસે છે તેમને પોતાના પ્રોક્સી બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઇરાનને રંજાળનારુ આતંકી સંગઠન જૈશ અલ અદેલ પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે આર્મી ઓફ જસ્ટિસના નામથી પણ ઓળખાય છે. સચ્ચાઇએ છે કે ઇરાનને પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો અનુભવ થવા લાગ્યો છે. ઇરાનની પાકિસ્તાન તરફની સરહદે બલુચી અલગાવવાદીઓ અને આતંકી સમૂહો બાખડવા લાગ્યા છે.
ઇસ્લામિક ગુ્રપ્સ, આંતકી ગુ્રપ અને અલગાવવાદી ગુ્રપોની સક્રિયતા વધવાથી ઇરાન અને પાકિસ્તાનની સરહદ સળગવા લાગી છે. પાકિસ્તાન અને ઇરાનના દ્રિપક્ષીય સંબંધો પર તેની ચોકકસ અસર થવાની છે. દરમિયાન નવના મોતની ઘટનાએ આગમાં ઘી નાંખવા જેવું કામ કર્યું છે. પાકિસ્તાનની વાત કરીએ તો જે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ દૂધ પીવડાવીને મોટા કર્યા છે તે હવે સાપ બનીને તેને જ ડંખી રહ્યાં છે.
એકપણ આતંકવાદી સંસ્થા પાકિસ્તાનના કહ્યામાં નથી ત્યાં સુધીની વાત હોય તો તે સમજી શકાય છે પરંતુ હવે તો તેઓ પાકિસ્તાનની સામે થઇ રહ્યાં છે. પાકિસ્તાનની હાલત હાથે કરેલા હૈયે વાગે તેવી થઇ ગઇ છે અને હાલમાં તો તે કંઇ કહેવાની કે સહેવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ હોય તેવું કહીએ તો પણ કંઇ જ અતિશ્યોક્તિ નથી. હાલમાં પાકિસ્તાનની સ્થિતિ આર્થિક અને રાજકીય બંને રીતે નબળી છે અને પાકિસ્તાનની સેના તો હંમેશા તેની મનમાની જ કરતી આવી છે એટલે આગામી દિવસોમાં આ ઘટના બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ ખટાશ લાવે તેમાં કોઇ જ બેમત નથી.