National

યુપીમાં કાવડયાત્રા દરમિયાન હંગામો, મારામારી અને તોડફોડના દ્રશ્યો સામે આવ્યા

નવી દિલ્હી: દેશના અલગ અગલ ભાગોમાંથી કાવડયાત્રા (Kanvad Yatra) દરમિયાન હોબાળાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે યાત્રાની શરૂઆતથી જ કાવડ ખંડિત હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. પ્રથમ બે ઘટના યુપીના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) બની હતી અને ત્યાં ભારે હોબાળો થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ઉત્તરાખંડના હરિદ્વાર અને રૂરકીમાં કાવડિયાઓએ ઈ-રિક્ષા અને ટ્રક ડ્રાઈવર પર કાવડને ખંડિત કરવાના આરોપો લગાવ્યા હતા. આ પછી કાવડિયાઓ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી. આ પહેલા યુપીના મુઝફ્ફરનગરમાં કાવડિયાઓએ એક કાર સવાર ઉપર કાવડ પાસે માંસ રાખવાનો અને કાવડને ખંડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે કાવડ ખંડિત કરવાના તમામ આક્ષેપો બાદ કાવડિયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

રૂડકીમાં શું થયું?
રૂડકીમાં કાવડ ખંડિત કરવાનાં આરોપ બાદ કાવડિયાઓએ પહેલા ઈ-રિક્ષા ચાલકને માર માર્યો હતો અને પછી ઈ-રિક્ષામાં તોડફોડ કરી હતી. આ ઘટના રૂડકીના મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. તોડફોડ અને મારામારી દરમિયાન પોલીસના સમજાવ્યા બાદ પણ કાવડિયાઓ સમજ્યા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ એક ઈ-રિક્ષા ચાલકે કાવડિયાને ટક્કર મારી હતી. ત્યાર બાદ કાવડિયાએ પોતાના અન્ય કાવડિયા મિત્રોને બોલાવીને પહેલા ઈ-રિક્ષા ચાલકને માર માર્યો હતો, ત્યારબાદ ટોળાએ ઈ-રિક્ષામાં પણ તોડફોડ કરી હતી અને આ બધુ પોલીસની સામે થયું હતું. ત્યારે ઉત્તરાખંડ પોલીસના અધિકારીઓથી લઈને સૈનિકો સુધી દરેક કાવડિઓની સુરક્ષા માટે તૈયાર છે. હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્ર ડોભાલે કાવડિયાઓને શાંતિ જાળવવા અને કોઈપણ વિકૃત ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી.

હરિદ્વારના SSPએ કહ્યું…
હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્ર ડોવલે કહ્યું હતુ કે, ફરિયાદી સંજય કુમારે પોલીસને જાણ કરી હતી કે તે જે ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો તેની ટક્કર એક નિર્દોષ વ્યક્તિ સાથે થઈ હતી, જેમાં તેનું મોત થયું હતું. ન તો કાવડ ખંડિત થઇ હતી, ન તો આવી કોઈ ઘટના બની હતી. પરંતુ તેમ છતાં એક વ્યક્તિએ અન્ય લોકોને ભેગા કર્યા અને મારામારી કરી હતી. તેમજ તેની ઈ-રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top