ભારતમાં UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરવી લાખો યુવાઓનું સપનું હોય છે, પરંતુ દરેકને સમાન સંસાધનો મળતા નથી. છતાં, કેટલાક લોકો પોતાની મહેનત અને સંકલ્પથી તમામ મુશ્કેલીઓ પાર કરી ઇતિહાસ રચી નાખે છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની છે કેરળના શ્રીનાથ કેની.
શ્રીનાથ કે મુંન્નારના રહેવાસી છે અને જીવન ચલાવવા માટે તેઓ એર્નાકુલમ રેલવે સ્ટેશન પર કુલિ તરીકે કામ કરતા હતા. પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય તરીકે તેઓ દિવસભર મુસાફરોનું સામાન ઉઠાવીને માત્ર ₹400-₹500 જેટલું કમાતા હતા. આ આવકથી પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતું હતું, પરંતુ તેમણે પરિસ્થિતિ સામે હાર માનવાની બદલે કંઈક મોટું કરવાનું નક્કી કર્યું.
27 વર્ષની ઉંમરે, જ્યારે તેમના પર પરિવારની જવાબદારીઓ વધી, ત્યારે તેમણે UPSC માટે તૈયારી કરવાનો નિર્ણય લીધો. પૈસાની અછતને કારણે તેઓ કોઈ કોચિંગ કે મોંઘી પુસ્તકો ખરીદી શકતા નહોતા. ત્યારે 2016માં રેલવે સ્ટેશનો પર શરૂ થયેલી ફ્રી WiFi સેવા તેમના માટે જીવન બદલી નાખનાર સાબિત થઈ.
સ્માર્ટફોન, ઇયરફોન અને ફ્રી ઈન્ટરનેટની મદદથી શ્રીનાથે ઓનલાઈન લેકચર્સ, નોટ્સ અને પ્રેક્ટિસ પેપર્સ ડાઉનલોડ કરીને અભ્યાસ શરૂ કર્યો. દિવસ દરમિયાન કુલિનું કામ કરતાં કરતાં પણ તેઓ કાનમાં ઇયરફોન લગાવી અભ્યાસ કરતા અને ખાલી સમયમાં રિવિઝન કરતા. તેમની મહેનતનું પ્રથમ પરિણામ ત્યારે મળ્યું જ્યારે તેમણે કેરળ પબ્લિક સર્વિસ કમિશન (KPSC) પરીક્ષા પાસ કરી. પરંતુ તેમનું લક્ષ્ય IAS બનવાનું હતું, તેથી તેમણે UPSC માટે પ્રયત્નો ચાલુ રાખ્યા. શરૂઆતમાં નિષ્ફળતા મળી છતાં તેઓ અટક્યા નહીં અને સતત પ્રયત્ન કરતા રહ્યા.
આખરે, ચોથી પ્રયત્નમાં તેમણે UPSC પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમની કહાની સાબિત કરે છે કે સફળતા માટે સંસાધનો નહીં, પરંતુ દ્રઢ નિશ્ચય અને મહેનત જરૂરી છે. શ્રીનાથ કે આજે લાખો યુવાનો માટે પ્રેરણા બની ગયા છે, કે જો ઈચ્છા મજબૂત હોય, તો કોઈપણ પરિસ્થિતિ તમને અટકાવી શકતી નથી.