સુરત શહેરમાં આજે પોલીસ દળના કલ્યાણ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ કાર્યક્રમ યોજાયો, જેમાં 116 કરોડ રૂપિયાના આધુનિક પોલીસ આવાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી C. R. Patil દ્વારા પોલીસકર્મીઓ માટે 8 કલાકની નિશ્ચિત ડ્યુટીનો મુદ્દો ઉઠાવવામાં આવતા ચર્ચાનો માહોલ ગરમાયો હતો.

કેન્દ્રીય મંત્રી C. R. Patil એ સ્પષ્ટ કહ્યું કે હાલ પોલીસ જવાનો લાંબા સમય સુધી ફરજ બજાવતા હોવાથી તેમના સ્વાસ્થ્ય અને પરિવારિક જીવન પર ગંભીર અસર પડે છે. પાટીલે વધુમાં ઉમેર્યું કે યોગ્ય આયોજનથી 70 થી 80 ટકા પોલીસકર્મીઓને ફિક્સ 8 કલાકની ડ્યુટી આપી શકાય છે. સમયપત્રકના કારણે પોલીસ દળમાં માનસિક તણાવ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે, જેને ઘટાડવાની તાતી જરૂર છે. પોલીસના માનવીય પાસાને ધ્યાનમાં રાખીને આ સુધારો સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું.

જો કે કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghaviએ પણ અનોખી અંદાજમાં સંદેશ આપ્યો. તેમણે પોલીસ પરિવારોને સંબોધતા કહ્યું કે પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ મર્યાદિત રહેવી જોઈએ, ઘરમાં નહીં. જો કોઈ પોલીસકર્મી ઘરમાં કે સોસાયટીમાં અણશિસ્તભર્યું વર્તન કરે, તો પરિવારજનો તેને સુધારે, નહીં તો તેઓ પોતે હસ્તક્ષેપ કરશે એવી રમૂજી ટકોર પણ કરી.

આ કાર્યક્રમ અંતર્ગત પીપલોદ પોલીસ લાઈન ખાતે 192 ક્વાર્ટર્સ, લાઈબ્રેરી અને હોર્સ રાઈડિંગ સ્કૂલ સહિતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થયું. ઉપરાંત રાંદેર, ભેસ્તાન અને લાજપોર સહિતના વિસ્તારોમાં પણ નવી સુવિધાઓ પોલીસ દળને અર્પણ કરવામાં આવી.સાથે જ મરીન ટાસ્ક ફોર્સ માટે 64 નવા આવાસ, ક્લબ હાઉસ અને એડમિન બ્લોક જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ પોલીસ જવાનોના જીવનમાં સુખાકારી અને સ્થિરતા લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો, અંતમાં સંઘવીએ શિસ્ત, નમ્રતા અને પ્રામાણિકતા જ પોલીસની સાચી ઓળખ હોવાનું કહી, જનસેવામાં સંવેદનશીલતા જાળવવાની અપીલ કરી.