Gujarat

વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

ગાંધીનગર વિદેશમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાનો વિષય છે. વિશ્વના કોઈપણ ખૂણે જો ભારતીય નાગરિકને હેરાન કરવામાં આવે અથવા તેના પર હુમલો થાય, તો તે માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર દેશના સન્માન પર હુમલો ગણાય છે. આવી ઘટનાઓથી સમગ્ર રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કલંક લાગે છે, તેવું રાજ્યસભામા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ .

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આશરે 196 દેશોમાં જાય છે. થોડા દિવસો પહેલાં રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર છરાબાજીની ઘટના બની હતી, જેમાં ચાર વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ફરિયાદ નોંધાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પોતાના આંકડાઓ અનુસાર વર્ષ 2025 દરમિયાન વિદેશમાં અભ્યાસ કરતા લગભગ 350 ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમાંથી લગભગ 200 ફરિયાદો માત્ર રશિયામાંથી જ પ્રાપ્ત થઈ છે. આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ રહી છે તે બાબતે ગોહિલે ચિંતા વ્યક્ત કરી હતી.

શક્તિસંહ ગોહિલે દેશની શિક્ષણ નીતિ પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતુ કે દેશમાં શિક્ષણનું અત્યંત ખાનગીકરણ થઈ ગયું છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને ભારતમાં કરતા વિદેશમાં ખાસ કરીને MBBS જેવા અભ્યાસક્રમો કરવો વધુ સસ્તો અને અનુકૂળ લાગે છે. સરકારને શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવા માંગ કરી હતી.

સરકારને દેશના દરેક નાગરિકની ચિંતા કરવી જોઈએ, ભલે તે કોઈ પણ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા હોય. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા દેશો તેમના નાગરિકોને સહાયતા અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જ્યારે ભારત સરકાર તરફથી આવી સુવિધાઓ પૂરતી પ્રમાણમાં ઉપલબ્ધ નથી તેવી પણ તેમણે ટિપ્પણી કરી હતી.

ગોહિલે છોટાઉદેપુરની રહેવાસી અમીબેન શાહ સાથે થયેલી ફોન પરની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. બહેરિનમાં તેમનો પરિવાર મુશ્કેલીમાં ફસાયેલો છે અને ત્યાં ઓછામાં ઓછું શુદ્ધ પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તો મોટી મદદ થશે. દુબઈ સહિતના સ્થળોથી ભારત પરત લાવતી કેટલીક એરલાઇન્સ મુસાફરો પાસેથી વધારાનું ભાડું વસૂલ કરી રહી છે અને ખાસ કરીને રિટર્ન ટિકિટ માટે લોકો પાસેથી ભારે રકમ વસૂલવામાં આવી રહી છે, જ્યારે સરકાર આ મામલે મૌન છે. તેમણે સરકારને તરત જ હસ્તક્ષેપ કરીને વિદેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા અને સહાય માટે અસરકારક પગલાં લેવા અપીલ કરી હતી.

Most Popular

To Top