વિશ્વમાં જો કોઈ સમસ્યા ધીરેધીરે વકરી રહી હોય અને આગળ જઈને માનવજાત માટે મોટું જોખમ બને તેમ હોય તો તે પ્રદૂષણ છે. વિશ્વના જે કોઈપણ દેશ કે શહેર વિકસીત છે તેમાં પ્રદૂષણની સમસ્યા ઘેરી છે. અગાઉના સમયમાં પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિકરણને કારણે પ્રદૂષણે માઝા મૂકી હતી. હવે ભારત દેશનો વારો આવી રહ્યો છે અને તેમાં પણ ભારતમાં હવાના પ્રદૂષણે એવી વિકટ સમસ્યા ઊભી કરી છે કે લોકોએ શ્વાસ લેવાનું અઘરું બની ગયું છે. શિયાળામાં જ્યારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જાય છે ત્યારે તો વાયુ પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વકરે છે.
તેમાં દિલ્હીથી શરૂ કરીને સુરત સુધીનાં શહેરોનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં દિવાળીના સમયમાં સુરત શહેરનું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયું હતું કે શ્વાસ લેવામાં આવે તો ખાંસી આવતી હતી. દિવાળીમાં તો મોટાભાગના શહેરોમાં આ સમસ્યા હતી પરંતુ તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણની હાલત એવી છે કે છેલ્લા પાંચેક વર્ષથી તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. દિલ્હી સરકારે જાતજાતના પ્રયોગ કર્યા અને આ મામલે રાજકીય પ્રહારો પણ એકબીજા પર થયા પરંતુ લોકોનો મરો જ થઈ રહ્યો છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના વાયુ પ્રદૂષણના મામલે રિટ થતાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના વાયુ પ્રદૂષણ અંગે કડક વલણ અપનાવવા પડ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને સૂચનાઓ આપી છે કે દિલ્હીના તમામ 113 એન્ટ્રી પોઈન્ટ પર તાત્કાલિક ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવે. હાલમાં 100 જેટલી એન્ટ્રી પોઈન્ટ માનવરહીત છે અને ટ્રકની એન્ટ્રીને ચેક કરવા માટે કોઈ જ નથી. ટ્રકના ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણમાં મોટો વધારો થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ટ્રકોના દિલ્હીમાં પ્રવેશના મામલે પણ સવાલો કર્યા હતા અને દિલ્હી સરકારને ફટકાર લગાડી હતી કે દિલ્હીમાં ટ્રકનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે તેવું માનવું અમારા માટે અઘરું છે. દિલ્હીમાં કુલ 113 એન્ટ્રી પોઈન્ટ છે પરંતુ તેમાંથી માત્ર 13 પોઈન્ટ જ ટ્રક માટે છે. જ્યારે અન્ય પોઈન્ટ પરથી જો કોઈ ટ્રક દિલ્હીમાં પ્રવેશ કરી લે તો તેને જોનાર કોઈ નથી. સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી અને એનસીઆર રાજ્યોને પ્રદૂષણના નિયંત્રણો લાગુ કરવા માટે એક ટીમ બનાવવાનો પણ આદેશ કર્યો હતો.
વાયુ પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને ભલે ફટકાર લગાડી હોય પરંતુ પ્રદૂષણનો મુદ્દો આખા દેશ માટે અઘરો બની રહ્યો છે. દેશની નદીઓને વ્યાપક રીતે પ્રદૂષિત કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક એકમો દ્વારા આંતરિયાળ વિસ્તારોમાં પોતાના જોખમી કચરાઓને નાખી દેવામાં આવે છે. હોસ્પિટલો અને ક્લિનિકો પણ જે તે નિર્જન જગ્યાએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં થોડા સમય પહેલા આવી જ રીતે કેમિકલ ખાલી કરવામાં સાતથી વધુ મજૂરોના મોત પણ થયા હતા. નદી-નાળાનું પ્રદૂષિત પાણી પીને મોતને ભેટનારાઓ પશુઓની તો સંખ્યા લાખોમાં હોવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે ભલે દિલ્હી પુરતા આદેશો કર્યા હોય પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જાગીને આખા દેશમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવવાની જરૂિરયાત છે. પ્રદૂષણને કારણે મોતની સંખ્યા વધી રહી છે. લોકો વધુને વધુ બીમારીનો ભોગ બની રહ્યા છે અને સરકારો હાથ પર હાથ રાખીને બેસી રહી છે.
જો સરકારો દ્વારા પ્રદૂષણના મામલે જાગીને તાકીદના ધોરણે પગલાઓ લેવામાં નહીં આવે તો માનવજાત સામે મોટો ભય ઊભો થઈ જશે. ભારતમાં નદીઓની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. નદીની તો સફાઈ પણ કરી શકાય છે પરંતુ વાતાવરણમાં જે પ્રદૂષણ હોય તેની સફાઈ કરવી એ ખૂબ જ અઘરી બાબત છે. લોકોએ પણ આ મામલે જાગૃત થવું પડશે અને સરકારનો સાથ આપવો પડશે. જો પ્રદૂષણના મામલે સરકારો એકશન પ્લાન નહીં બનાવશે તો દાયકાઓ બાદ દુનિયા રહેવા લાયક નહીં રહે તે નક્કી છે.