Editorial

જંગી કવાયત યોજીને ભારતીય નૌકાદળે ચીનને મજબૂત સંદેશો પાઠવ્યો છે

દેશની ઉત્તરીય સરહદો પર ચીન ઉધામા કરતું રહે છે અને તેનો મુકાબલો કરવા લદાખ, અરૂણાચલ અને હવે તો ઉત્તરાખંડ સરહદે પણ ભારતે ભારે સતર્કતા રાખવી પડે છે. ઉત્તરમાં જમીન સરહદે તો ચીનની અવળચંડાઇ ઘણા સમયથી ચાલુ જ હતી પરંતુ હવે હિંદ મહાસાગરમાં પણ તેના નૌકાદળની ગતિવિધિઓ વધી ગઇ છે અને ભારત માટે આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં તો છેલ્લા કેટલાયે સમયથી ચીન માથાભારેપણુ કરી જ રહ્યું હતું અને દક્ષિણ ચીની સમુદ્ર પર તો જાણે પોતાનો સુવાંગ અધિકાર હોય તેવું વર્તન કરતું જ હતું અને તે મુદ્દે તેને તે પ્રદેશના અનેક દેશો સાથે તો સંઘર્ષ હતો જ પણ વહાણવટામાં સર્જાતા અવરોધના મુદ્દે અમેરિકા સાથે પણ સંઘર્ષ સર્જાતો રહ્યો છે.

હવે છેલ્લા કેટલાક સમયથી ચીને હિંદ મહાસાગરમાં સક્રિયતા વધારી છે અને હાલ થોડા મહિનાઓ પહેલા તો ચીનનું એક જાસૂસી જહાજ પણ હિંદ મહાસાગરમાં શ્રીલંકાના કાંઠા સુધી ભારતના વિરોધ વચ્ચે આંટો મારી ગયું. આ જહાજ જો કે વૈજ્ઞાનિક સંશોધનો માટેનું જહાજ હોવાનો દાવો ચીન કરતું રહ્યું હતું પરંતુ નિષ્ણાત અભિપ્રાય પ્રમાણે આ જહાજમાં જાસૂસી ઉપકરણો હતા જ અને તે ભારતના અનેક સંરક્ષણ અને અવકાશ કેન્દ્રો પર જાસૂસી કરવા સક્ષમ હતું. ચીનની હિંદ મહાસાગરમાં વધેલી ગતિવિધિ વચ્ચે ભારતે હાલમાં અરબી સમુદ્રમાં એક મોટી નૌકા કવાયત યોજી છે અને સ્વાભાવિક રીતે ચીનને એક મજબૂત આડકતરો સંદેશો પાઠવ્યો છે.

તાજેતરના વર્ષોમાં પોતાની લડાયક ક્ષમતાના સૌથી મોટા પ્રદર્શનમાં ભારતીય નૌકાદળે હિંદ મહાસાગર પ્રદેશમાં ચીની વધતી હાજરી વચ્ચે બે વિમાન વાહક જહાજો, અનેક ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો, સબમરિનો અને ૩૫ કરતા વધુ લડાયક વિમાનો સાથે એક મેગા કવાયત હાથ ધરી હતી. ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે બે વિમાન વાહક જહાજો – આઇએનએસ વિક્રમાદિત્ય અને નવું શામેલ કરાયેલ આઇએનએસ વિક્રાન્ત, સાથો સાથ જહાજો અને સબમરિનોના કાફલા સાથેનું આ અભિયાન એ નૌકાદળની સમુદ્ર સ્થિત હવાઇ શક્તિ અને હિંદ મહાસાગર તથા અન્યત્ર એક પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાની આ ચકાસણી છે.

અનેક દેશો ભારતને પોતાના સંરક્ષણ ભાગીદાર તરીકે જોવા માંડ્યા છે તે સંદર્ભમાં પણ આ કવાયત મહત્વની હતી. તાજેતરમાં ટ્વીન કેરિયન સીબીજી(કેરિયર બેટલ ગ્રુપ) કવાયતો યોજવામાં આવી હતી એમ અધિકારીઓએ કવાયતની ચોક્કસ તારીખ આપ્યા વિના જણાવ્યું હતું. આ કવાયત તાજેતરના ભૂતકાળમાં યોજાઇ છે તે ચોક્કસ છે. નૌકાદળે જણાવ્યું હતું કે નૌકાદળની શક્તિનું પ્રદર્શન પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટેની, પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટેની અને સમુદ્રી ક્ષેત્રમાં સહકારી ભાગીદારીને વેગ આપવા માટેની ભારતની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

આ ટિપ્પણીઓને ચીન માટેના આડકતરા સંદેશા તરીકે પણ જોવામાં આવે છે. દેશના બંને વિમાન વાહક જહાજો આ કવાયત ના સેન્ટરપીસ જેવા હતા જેઓ તરતા એરફિલ્ડની ગરજ સારે છે. આ વિમાન વાહક જહાજો પરથી મિગ-૨૯કે સહિ ત ના વિમાનો અને એમએચ૬૦ જેવા રોમિયો જેવા હેલિકોપ્ટરો, કામોવ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરો વગેરે ઉડાન ભરી શકે છે. કેરિયર બેટલ ગ્રુપ અથવા કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ એ એક મેગા નૌકા કાફલો છે જે વિમાન વાહક જહાજ ઉપરાંત મોટી સંખ્યામાં વિનાશીકાઓ, ફતેમારીઓ અને અન્ય જહાજો ધરાવે છે. આ કવાયતની વિગતો આપતા ભારતીય નૌકાદળના પ્રવકતા કમાન્ડર વિવેક મઢવાલે કહ્યું હતું કે આ કવાયત એ હિંદ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા વધારવા માટે અને શક્તિ દર્શાવવા માટેના નૌકાદળના પ્રયાસોમાં મહત્વનું સીમાચિન્હ છે.

આમ પણ ભારતીય નૌકાદળ હવે વિશ્વના ટોચના શક્તિશાળી નૌકાદળોમાંનું એક છે. તેની પાસે અનેક સબમરીનો અને યુદ્ધ જહાજો તો હતા જ, પણ હવે બે વિમાન વાહક જહાજો પણ થઇ જવાની સાથે ભારતીય નૌકાદળ વધુ શક્તિશાળી બની ગયું છે અને તે ફક્ત હિંદ મહાસાગરના ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં અન્યત્ર પણ ભૂમિકાઓ ભજવવા સક્ષમ થયું છે. વિશ્વના અન્ય દેશો પણ સમુદ્રી સુરક્ષાના ક્ષેત્રમાં ભારતીય નૌકાદળને પોતાનું ભાગીદાર બનાવવા માગે છે તેવો ભારતીય નૌકાદળનો દાવો યોગ્ય જ છે.

જો કે ચીનનું નૌકાદળ ભારતીય નૌકાદળ કરતા વધુ શક્તશાળી છે તે બાબતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. આ ચીનના નૌકાદળની ગતિવિધિઓ તાજેતરના સમયમાં હિંદ મહાસાગરના વિસ્તારમાં પણ વધી ગઇ છે અને વળી ચીન પાકિસ્તાનના નૌકાદળને પણ ધીમે ધીમે શક્તિશાળી બનાવી રહ્યું છે તે બાબત તરફ ગાફેલ રહેવાનું ભારતને પોસાય તેમ નથી. આવા સંજોગોમાં વિશાળ સમુદ્રી કવાયત કરીને ભારતીય નૌકાદળે યોગ્ય જ પગલું ભર્યું છે એમ કહી શકાય.

Most Popular

To Top