Editorial

અમેરિકાના ટેરિફની સામે લડવા ભારત સરકારે અન્ય દેશોમાં નિકાસ વધારવા પ્રયત્નો કરવા જોઈએ

ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકા અને ભારત વચ્ચે ભૂતકાળમાં ક્યારેય નહોતી તેવી સ્થિતિ ઊભી થઈ જવા પામી છે. અમેરિકાએ ભારત પર લગાડેલા 50 ટકા ટેરિફ આજથી લાગુ પડી ગયો છે. આ ટેરિફને કારણે ભારતની અમેરિકામાં થતી 5.40 લાખ કરોડની નિકાસ પર અસર થશે. અમેરિકામાં ભારતીય ઝવેરાત-કપડાંની માગ 70 ટકા ઘટી જાય તેવી સંભાવના છે. અમેરિકામાં વેચાતા કપડાં, રત્નો-ઝવેરાત, ફર્નિચર, સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. આનાથી તેમની માગ 70% ઘટી શકે છે. જોકે, જો માંગ જેટલી છે તેટલી જ રહે તો અમેરિકામાં મોંઘવારી વધી શકે છે.  જોકે, એક ભીતિ એવી પણ છે કે ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો અમેરિકામાં આ માલ સસ્તા ભાવે વેચશે. આનાથી ભારતીય કંપનીઓનો યુએસ બજાર હિસ્સો ઘટશે. અંદાજ પ્રમાણે આ ટેરિફને કારણે વિવિધ નિકાસો પર મોટી અસર થવાની સંભાવના છે.

ભારતે ઓટોમોટિવ ક્ષેત્રે અમેરિકામાં 2024માં $19.16 બિલિયન (લગભગ રૂ. 1.68 લાખ કરોડ) ના મૂલ્યના એન્જિનિયરિંગ માલની નિકાસ કરી હતી. આમાં સ્ટીલ ઉત્પાદનો, મશીનરી, ઓટોમોટિવ ભાગો, ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય ઔદ્યોગિક ઉપકરણોનો સમાવેશ થાય છે. અમેરિકા કાર, નાના ટ્રક અને તેના ભાગો પર 25 ટકા ડ્યુટી લાદી રહ્યું હતું, જ્યારે કોમર્શિયલ વાહનોના ભાગો પર આ ડ્યુટી 10% હતી.

પરંતુ હવે ટેરિફ લાગ્યા બાદ નાણાકીય વર્ષ 25માં ઓટો પાર્ટ્સની કુલ નિકાસમાંથી લગભગ 32 ટકા જ અમેરિકામાં ગઈ હતી. ટેરિફ વધારાથી વાર્ષિક 7 બિલિયન ડોલર (લગભગ 61,000 કરોડ રૂપિયા)ના ઓટો પાર્ટ્સની નિકાસમાંથી 30,000 કરોડ રૂપિયાની નિકાસ પર અસર પડી શકે છે. ટેરિફના વધારાની એન્જિનિયરિંગ ગુડ્સ નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ અસર થશે કારણ કે એન્જિનિયરિંગ ગુડ્સ નિકાસમાં 40% ફાળો આપે છે. અમેરિકાના ટેરિફની સામે ભારતે યુરોપ (જર્મની, યુકે) અને ASEAN દેશો (સિંગાપોર, મલેશિયા) માં એન્જિનિયરિંગ માલ મોકલીને પોતાનો હિસ્સો વધારવો જોઈએ. સાથે સાથે જો ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં આવે તો તેનો ફાયદો પણ મળી શકે તેમ છે.

ટેરિફના વધારાની અસર ફાર્મા ક્ષેત્ર પર મોટી થવાની સંભાવના છે. અમેરિકાએ ફાર્મા પર 250 ટકા સુધીના ટેરિફની ધમકી આપી છે. હાલમાં ફાર્માને મુક્તિ આપી છે પરંતુ જો આ ટેરિફ વધે તો ફાર્માની ભારતની કંપનીઓને મોટું નુકસાન થાય તેમ છે. આજ રીતે ટેરિફની પહેલા ભારતે 2024માં અમેરિકામાં 9.94 બિલિયન ડોલરના રત્નો અને ઝવેરાતની નિકાસ કરી હતી. પરંતુ હવે ટેરિફમાં 50 ટકા વધારાને પગલે નિકાસમાં 15થી 30 ટકા ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત ટેરિફ પહેલા ભારત જે અમેરિકામાં એક જ વર્ષમાં આશરે 87 હજાર કરોડના કપડાની નિકાસ કરતું હતું તેમાં હવે 25 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. આજ રીતે સી ફૂડની અમેરિકામાં નિકાસમાં પણ મોટો ઘટાડો થવાની સંભાવના છે. નિકાસમાં ઘટાડો થતાં ભારતની અનેક કંપનીઓને ભારે મુશ્કેલીઓ પડે તેમ છે.

અમેરિકામાં જ્યાં સુધી પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે ત્યાં સુધી ટેરિફથી માંડીને અનેક ક્ષેત્રે અનિશ્ચિતતા યથાવત રહે તેમ છે. આ કારણે જ હવે ભારતીય કંપનીઓએ અમેરિકાને પડતું મુકીને અન્ય દેશોમાં નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરીયાત છે. જે દેશોમાં ટેરિફનો દર ઓછો છે તેવા દેશોમાં જો ભારત નિકાસ વધારે તો અમેરિકાના ટેરિફનો સામનો કરી શકે તેમ છે. વિશ્વમાં અમેરિકા સિવાય અનેક દેશો છે કે જેમાં ભારત પોતાનો વેપાર વધારી શકે છે. ભારત કરારો કરીને અન્ય દેશો સાથેની નિકાસ વધારીને અમેરિકાના ટેરિફનો જવાબ આપી શકે તેમ છે. કેન્દ્ર સરકારે ખરેખર આ મુદ્દે આગળ આવીને વિશ્વના અન્ય દેશો સાથે વેપાર કરારો કરવાની જરૂરીયાત છે. જો કેન્દ્ર સરકાર હિંમત બતાવશે તો ટ્રમ્પે પોતાના ટેરિફ વધારાના નિર્ણયમાં ઝુકવું જ પડશે તે નક્કી છે.

Most Popular

To Top