Editorial

જગતના ચોકમાં ભારતીય સમુદાયની હવે ઉપેક્ષા કરી શકાય તેમ નથી

ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા તે બાબત ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ભારતીયોને ઘણો હરખ કરાવી ગઇ છે. સુનક ભલે બ્રિટનમાં જન્મ્યા હોય અને બ્રિટિશ નાગરિક હોય, પરંતુ તેમનામાં દેખાતી ભારતીયતા અને ભારત સાથે તેમણે જાળવી રાખેલા સંબંધો જેવી બાબતો તેમને ભારતીય તરીકે જોવા માટે ઘણા લોકોને પુરતી જણાય છે. બ્રિટિશરો એક સમયે ભારત પર રાજ કરતા હતા અને આજે એક ભારતીય બિટિશરો પર રાજ કરે છે તે રીતે પણ કેટલાક આ બાબતને જોઇ રહ્યા છે. અગાઉ બોરિસ જ્હોન્સનની સરકારમાં સુનક નાણામંત્રી હતા, ગુજરાતી મૂળના પ્રિતી પટેલ ત્યારે ગ્રૃહમંત્રી હતા.

બીજા પણ અનેક દેશોમાં ભારતીય મૂળના લોકો મંત્રી મંડળમાં કે અન્ય ઉંચા હોદ્દાઓ પર છે. જો કે તેમાંના કેટલાક અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસ જેવા છે, જેમને ભારતીયતા સાથે બહુ દૂરનો સંબંધ છે. અગાઉ બીજા અનેક મહાનુભાવો પણ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી ચુક્યા છે. ભારતીય મૂળના ક્રિકેટરો નાસિર હુસેન, દીપક પટેલ અને હાશિમ અમલા વિદેશોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોમાં રમી ચુક્યા છે અને આમાંથી નાસિર હુસેન તો ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન પણ રહી ચુક્યા છે. આમ તો ભારતીયો સદીઓથી વિદેશોમાં વસવા જઇને નામના કાઢતા રહ્યા છે. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયે દાદાભાઇ નવરોઝજી બ્રિટનની સંસદમાં ચૂંટાયા હતા. પરંતુ ત્યારે આવા મહાનુભાવો છૂટાછવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીયોએ વિદેશોમાં વેપાર ધંધા ઉપરાંત રાજકારણમાં પણ એટલું બધુ ગજુ કાઢ્યું છે કે ભારતીયોની નોંધ હવે વિશ્વસ્તરે લેવાવા માંડી છે.

હાલ દિવાળીના પર્વે એક નોંધપાત્ર ઘટના બની ગઇ. અમેરિકી પ્રમુખ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં એક મોટી દિવાળી પાર્ટીનું આયોજન કર્યું. આમ તો વ્હાઇટ હાઉસમાં દિવાળીએ વર્ષોથી સત્કાર સમારંભ યોજાય છે પણ આ વખતની ઉજવણી અભૂતપૂર્વ રીતે મોટી હતી. અમેરિકી પ્રમુખ, જો બાઇડન અને પ્રથમ સન્નારી જીલ બાઇડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે એક દિવાલી રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેને તેમણે જ્યોર્જ બુશ પ્રશાસને આ તહેવારની ઉજવણીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીની અહીંની સૌથી મોટી દિવાળી ઉજવણી ગણાવી હતી.

વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમ ખાતે ૨૦૦ કરતા વધુ પીઢ ભારતીય અમેરિકનોએ આ સમારંભમાં હાજરી આપી હતી, જે ઇસ્ટ રૂમ ભારત-અમેરિકાના સંબંધોને લગતી કેટલીક સીમાચિન્હરૂપ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે જેમાં અણુ કરાર પર હસ્તાક્ષર અને નવેમ્બર ૨૦૦૮માં ત્યારના અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહની સંયુક્ત પત્રકાર પરિષદનો સમાવેશ થાય છે. આ સમારંભમાં કેટલાક ધ્યાનાકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સિતારવાદક ઋષભ શર્માનું સિતારવાદન અને સા ડાન્સ કંપનીના ડાન્સ કાર્યક્રમનો સમાવેશ થાય છે. સાડી, લહેંગા અને શેરવાની જેવા પરંપરાગત ભારતીય પોષાકોમાં સજ્જ થઇને આવેલા મહેમાનોએ કેટલીક સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓનો આનંદ માણ્યો હતો. ઇસ્ટ સ્ટેટ ડાઇનિંગ રૂમ ભરાઇ ગયો છે. આ ખરેખર એની ઉજવણી છે જે ભારતીય અમેરિકન સમાજે અમેરિકામાં જે પ્રાપ્ત કર્યું છે. પ્રમુખ અને વ્હાઇટ હાઉસ દ્વારા અમને બધાને આમંત્રવામાં આવ્યા તે એક અદભૂત કદરદાની છે. હું એક ભારીય અમેરિકન તરીકે અહીં હોવાની બાબતને સૌભાગ્ય સમજું છું એમ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કેશપે રિસેપ્શન દરમ્યાન જણાવ્યું હતું. તેમની વાત સાચી છે, ભારતીય સમાજના વધેલા વજનને કારણે જ વ્હાઇટ હાઉસ હવે તેમને આટલું મહત્વ આપવા માંડ્યું છે.
ભારતીયો ફક્ત યુકે, કેનેડા કે અમેરિકામાં નહીં, પણ દુનિયાના ખૂણે ખૂણે જઇને વસ્યા છે અને ત્યાંના અર્થતત્ર, સમાજજીવન અને રાજકારણમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઇટી સેકટરમાં અને વહીવટી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતીયોએ ગજબનું કાઠું કાઢયું છે. અનેક મોટી વૈશ્વિક કંપનીઓમાં ભારતીય મૂળના લોકો સીઇઓ બન્યા છે. આમા વિશ્વભરમાં જે પ્રભુત્વ ધરાવે છે તે ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ અને હવે તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ તરીકે સુંદર પિચાઇ છે તે તો ખૂબ જ મોટી સિદ્ધી છે. સત્ય નડેલા સોફટ્વેર જાયન્ટ માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા છે તો પરાગ અગ્રવાલ છેક હમણા સુધી અગ્રણી સોશ્યલ મીડિયા કંપની ટ્વીટરના સીઇઓ રહ્યા છે જેમને માલિકી બદલાયા બાદ છૂટા કરાયા પછી પણ ટ્વીટર દ્વારા મોટી રકમ તેમને આપવામાં આવી છે. ભારતીય મૂળના ઇન્દ્રા નૂયી પેપ્સી કંપનીના સીઇઓ રહી ચુક્યા છે. બીજી પણ અનેક વિદેશી કે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં ભારતીય મૂળના લોકો મોટા હોદાઓ પર પહોંચ્યા છે. દુબઇમાં ભારતીય મૂળના અનેક લોકોએ વેપાર ધંધામાં મોટું નામ કાઢ્યું છે. ટૂંકમાં ભારતીયો હવે વિશ્વમાં એક ઉપેક્ષા નહીં કરી શકાય તેવો સમાજ બની ચુક્યા છે.

Most Popular

To Top