સ્પેકટ્રમ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ તરફથી બોલીની પ્રક્રિયા પૂરી થતા જ મોબાઇલ ટેરિફના દરો વધવાના સંકેતો મળી ગયા છે અને તેની શરૂઆત દેશની ટોચની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની રિલાયન્સ જીઓથી થઇ છે જેણે ત્રીજી જુલાઇથી તેના દરોમાં ૧૨થી ૨૭ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આ નવા દરો ત્રીજી જુલાઇ બુધવારથી અમલી બની જશે અને દેશની બીજી અગ્રણી મોબાઇલ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ એરટેલ અને વોડાફોન આઇડીયા પણ તેમના ટેરિફમાં વધારો કરે તે નક્કી જ માનવું રહ્યું. જીઓ કંપની લગભગ અઢી વર્ષના અંતર પછી મોબાઇલ સેવા દરોમાં પહેલી વાર વધારો કરી રહી છે. અને ભારતી એરટેલ અને વોડાફોન આઇડીયા જેવી કંપનીઓ પણ ટૂંક સમયમાં તેને અનુસરે તેવી પુરી શક્યતા જણાય છે.
વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે સ્પેકટ્રમ પર કરેલા ખર્ચની રકમ વસૂલ કરવા માટે કંપનીઓ ટેરિફમાં વધારો કરશે. કેટલાયે વિશ્લેષકોએ વોડાફોન-આઇડીયા તરફથી રૂ. ૩૫૧૦.૪ કરોડના સ્પેકટ્રમ ખરીદવામાં આવ્યા તેના પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. જીઓએ માહોલ ઉભો કરી દીધો છે અને હવે મોબાઇલ ટેરિફમાં વધારા માટે ગ્રાહકોએ તૈયાર રહેવું પડશે. વધુમાં જીઓએ તેના ગ્રાહકો માટે અનલિમિટેડ ફાઇવજી ફ્રી એક્સેસને પણ મર્યાદિત કરી છે. દેખીતી રીતે ટેલિકોમ કંપનીઓને તેમના હાલના દરોમાં નફાક્ષમ ધંધો કરવામાં મુશ્કેલી પડી રહી છે અને સ્પેકટ્રમ ખરીદી ઉપરાંત રોજબરોજના જંગી ઓપરેટિંગ ખર્ચાઓને ધ્યાનમાં લેતા તેમના દરોમાં વધારો કર્યા વિના છૂટકો ન હતો.
જીઓના સૌથી સસ્તા રિચાર્જની કિંમત રૂ. ૧૫ પરથી વધારીને રૂ. ૧૯ કરવામાં આવી છે જે ૨૭ ટકા જેટલો વધારો દર્શાવે છે, આ પેક ૧ જીબી ડેટા એડ-ઓન પેક છે. આ જ રીતે તેના ૭પ જીબીના પોસ્ટપેઇડ ડેટા પ્લાનની કિંમત રૂ. ૩૯૯ પરથી વધારીને રૂ. ૪૯૯ કરવામાં આવી છે. જીઓએ તેના ૮૪ દિવસની વેલીડીટી વાળા રૂ. ૬૬૬ના અનલિમિટેડ પ્લાનની કીંમત વધારીને રૂ. ૭૯૯ કરી છે જે ૨૦ ટકાનો વધારો દર્શાવે છે. વાર્ષિક રિચાર્જ પ્લાનની કિંમત રૂ. ૧૫પ૯ પરથી વધારીને રૂ. ૧૮૯૯ કરવામાં આવી છે અને રૂ. ૨૯૯૯ પરથી વધારીને રૂ. ૩૫૯૯ કરવામાં આવી છે. મિડિયમ રેન્જ મોબાઇલ સર્વિસ પ્લાનોમાં ૧૯થી ૨૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
જીઓનો અનલિમિટેડ પજી ડેટા હવે બે જીબી પ્રતિ દિન અને તેની ઉપરના પ્લાન પર જ મળશે. જીઓના નવા દરો ૩ જુલાઇ, ૨૦૨૪થી અમલી બનશે. જીઓએ આ પહેલા એરટેલ અને વોડાફોનની સાથે ડિસેમ્બર ૨૦૨૧માં તેના દરો વધાર્યા હતા. હવે જીઓએ આ ટેરિફ વધારાની જાહેરાત કરી છે તે સાથે એરટેલ અને વોડાફોન આઇડીયા પણ તેમના દરો વધારશે. દેશમાં ખાનગી ક્ષેત્રની આ ત્રણ અને સરકારી બીએસએનએલ એ ચાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ જ મુખ્ય રહી છે. બીએસએનએલનો વ્યાપ ઘણો ઘટી ગયો છે અને બાકીની આ ત્રણ મોટી કંપનીઓના દરો થોડા તફાવતોને બાદ કરતા એક સમાન જેવા ચાલી રહ્યા છે. બાદમાં એવા પણ અહેવાલ મળ્યા છે કે એરટેલે પણ દર વધારવાની જાહેરાત કરી દીધી છે જે અપેક્ષિત જ હતું.
મોબાઇલ ટેલિફોનના દરોમાં વધારો જો કે રોજબરોજના જીવન પર કોઇ મોટી અસર કરે તેવી બાબત નથી છતાં મોબાઇલ ફોન અને મોબાઇલ ઇન્ટરનેટના બંધાણી થઇ ગયેલા ઘણા લોકો માટે આ દર વધારો કંઇક અકળાવનારો બની રહે છે. દેશમાં મોબાઇલ ફોન સેવાઓની શરૂઆત થઇ ત્યારે જે દરો હતા તેના પ્રમાણમાં તો હાલના દરો કંઇ નથી. મોબાઇલ ફોન સેવાની શરૂઆતના દિવસોમાં તો ઇનકમિંગ એટલે કે ફોન ધારક પર આવતા કોલનો પણ અડધો ચાર્જ ચુકવવો પડતો હતો. બાદમાં ઇનકમિંગ કોલ્સ મફત થયા. આઉટ ગોઇંગ કોલ્સના દરોમાં પણ થોડો ઘટાડો થયો પરંતુ હજી પણ તેના દરો ઘણા ઉંચા હતા. પછી નવી ટેલિકોમ કંપનીઓ મેદાનમાં આવી અને ગળાકાપ સ્પર્ધામાં દરો ઘટતા ગયા અને નવી નવી સ્કીમો આવવા માંડી. લાઇફ ટાઇમ વેલિડિટીની પણ સ્કીમ આવી.
પછી સ્માર્ટફોન્સનો વપરાશ વધવા માંડ્યો અને મોબાઇલ ઇન્ટરનેટનું ચલણ વધવા માંડ્યું. રિલાયન્સ જીઓ કંપની મેદાનમાં આવી અને તેણે અમુક રકમમાં અનલિમિટેડ કોલ્સ અને મોટા પ્રમાણમાં ઇન્ટરનેટ ડેટાની સ્કીમો મૂકતા ખળભળાટ મચી ગયો. અન્ય કંપનીઓએ પણ તેને અનુસરવું પડ્યું. ભારતમાં મોબાઇલ ફોન સેવાઓ ખૂબ સસ્તી થઇ ગઇ. હવે તેમાં કંઇક દરવધારા કંપનીઓ કરવા માંડી છે અને તે સ્વાભાવિક છે. આનાથી લોકોને રોજબરોજના જીવનમાં કોઇ મોટો ફેર પડવાનો નથી પણ જે લોકો ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરતા થઇ ગયા છે તેમને આ દર વધારો જરૂર અકળાવનારો લાગશે.