ભારતમાં ૨૦૧૮ અને ૨૦૨૦ની વચ્ચે કેન્સરના ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા અને આ રોગથી આ સમયગાળામાં ૨૨.પ૪ લાખ લોકોના મૃત્યુ થયાં હતાં એમ સરકારે હાલમાં લોકસભામાં જણાવ્યું હતું. બજેટ સત્રમાં વિરામ પડ્યો તેના પહેલા સરકારે સંસદને આપેલી આ માહિતી એમ પણ સૂચવે છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના દર્દીઓનું અને કેન્સરના કારણે થતાં મૃત્યુઓનું પ્રમાણ વધ્યું છે. સરકારના આ આંકડાઓ અને બીજા સ્ત્રોતો તરફથી મળતી માહિતી સ્પષ્ટપણે સૂચવે છે કે ભારતમાં હાલ છેલ્લા કેટલાક સમયમાં કેન્સરના રોગનું પ્રમાણ વધ્યું છે અને એક અહેવાલ તો એમ પણ સૂચવે છે કે વિશ્વમાં જે દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના રોગનું પ્રમાણ ઉંચા દરે વધ્યું છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભાને જણાવ્યું હતું કે ૨૦૨૦માં ૧૩૯૨૧૭૯ કેસો નોંધાયા હતા, જ્યારે ૨૦૧૯માં ૧૩૫૮૪૧૫ અને ૨૦૧૮માં ૧૩૨૫૨૩૨ કેન્સરના કેસો નોંધાયા હતા. ૨૦૨૦માં આ રોગથી ૭૭૦૨૩૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૨૦૧૯માં ૭૫૧૫૧૭ અને ૨૦૧૮માં ૭૩૩૧૩૯ લોકોનાં મોત આ રોગથી થયા હતા એમ આરોગ્ય મંત્રીએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. સરકારે જે ત્રણ વર્ષના આંકડા આપ્યા છે તે સ્પષ્ટપણે સૂચવે છે કે આ ત્રણ વર્ષમાં ભારતમાં કેન્સરના કેસો અને તેના કારણે થતાં મૃત્યુઓનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધતું ગયું છે.
કેન્સર એ એક બહુપરિબળિય રોગ છે. આ રોગનું પ્રમાણ વધવા માટે તમાકુની પેદાશોનો વધેલો વપરાશ, આલ્કોહોલનો વધેલો વપરાશ, બેઠાડુ જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાક અને વધેલુ હવાનું પ્રદૂષણ જવાબદાર માનવામાં આવે છે. કર્ક રોગના નામે પણ ઓળખાતો આ રોગ હજી પણ ઘણે અંશે અસાધ્ય જેવો જ રહ્યો છે. તેની સારવાર શોધવા પાછળ દુનિયામાં અત્યાર સુધી અબજો ડોલરનો ખર્ચ થઇ ગયો હશે પરંતુ હજી પણ આ રોગને સંપૂર્ણપણે સાધ્ય બનાવી શકાયો નથી. અલબત્ત, કેટલાક પ્રકારના કેન્સર પ્રથમ તબક્કામાં જ હોય અને અમુક ચોક્કસ સ્થિતિએ હોય ત્યારે તેમની યોગ્ય સારવાર થઇ શકે તો સારા થઇ જાય છે પરંતુ ઘણા પ્રકારના કેન્સર હજી પણ અસાધ્ય જેવા જ રહ્યા છે.
જો કે અનેક સંશોધનો કેન્સરની સારવાર બાબતમાં થયા છે અને તેને પરિણામે અનેક પ્રકારના કેન્સરના દર્દીઓનું આયુષ્ય નોંધપાત્ર લંબાવી શકાયું છે અને તેમનું કષ્ટ પણ ઓછું કરી શકાયું છે. જો કે કેમોથેરાપી જેવી કેન્સરની સૌથી વધુ પ્રચલિત સારવાર હજી પણ ઘણી કષ્ટદાયક અને આડઅસરો સર્જનારી રહી છે. તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે અનેક સંશોધનો છતાં કેન્સર હજી પણ માણસજાતને ખૂબ ડરાવનારો રોગ જ રહ્યો છે. કેન્સર એ કોઇ જંતુથી થતો રોગ નથી, પરંતુ શરીરના અમુક ભાગોના કોષો વિકૃત થવાને કારણે થતો રોગ છે. બેકટેરિયાથી થતા મોટા ભાગના રોગો માટેની દવાઓ શોધાઇ ગઇ છે. વાયરસજન્ય અનેક રોગોની દવા કે રસી શોધાઇ છે જ્યારે હાલમાં હજી પણ ભય સર્જી રહેલા કોવિડ-૧૯ જેવા કેટલાક રોગોની ચોક્કસ દવા હજી શોધાઇ નથી, પરંતુ બીજા રોગોની અમુક દવાઓ તેના પર કંઇક કારગર નિવડતી જણાઇ છે. વળી, આ વાયરસજન્ય રોગો કેન્સર જેટલા ઘાતક જણાયા નથી.
ભારતમાં કેન્સરના રોગનું પ્રમાણ વધવા માટે અનેક કારણોને જવાબદાર માનવામાં આવે છે. આમાં તમાકુ અને આલ્કોહોલનો વધેલો વપરાશ એ ખૂબ મહત્વનું કારણ છે. ધુમ્રપાન ફેફસા, શ્વરપેટી વગેરેના કેન્સર નોંતરે છે તો વધુ પડતા શરાબનું સેવન લિવર સહિતના અંગોના કેન્સર માટે કારણભૂત બની શકે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં તમાકુની બનાવટો, દારૂ અને કેફી દ્રવ્યોના સેવનનું પ્રમાણ ખૂબ વધ્યું છે. માવા, ગુટખા જેવા પદાર્થોના વ્યસનીઓ તો ખૂબ જ વધ્યા છે અને તે સાથે દેશમાં મોઢા અને જીભ જેવા અંગોના કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે. વધેલું પ્રદૂષણ અને રસાયણોનો વધેલો વપરાશ પણ ભારતમાં કેન્સરનું પ્રમાણ વધવા માટેનું એક મહત્વનું કારણ છે.
વાયુના અને પાણીના વધેલા પ્રદૂષણને કારણે વિવિધ પ્રકારના કેન્સરો ભારતમાં વધ્યા છે. બદલાયેલી જીવનશૈલી, શારીરિક શ્રમનું ઘટેલું પ્રમાણ, પેકેજ્ડ ફૂડ અને જંક ફૂડનો વધેલો વપરાશ વગેરે બાબતો પણ કેન્સરના રોગનું પ્રમાણ વધવા માટે જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં કેન્સરના કેસો વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ દરમ્યાન વાર્ષિક સરેરાશ ૧.૧થી ૨ ટકાના દરે વધ્યા છે એમ એક નવો અહેવાલ જણાવે છે. આ જ સમયગાળામાં ભારતમાં કેન્સરથી થતાં મૃત્યુઓનું પ્રમાણ પણ વાર્ષિક સરેરાશ ૦.૧થી ૧ ટકાના દરે વધ્યું છે. આ વૃદ્ધિ દર વિશ્વના સૌથી ઉંચા વૃદ્ધિ દરોમાં આવે છે, એટલે કે ભારતમાં ખૂબ ઉંચા દરે કેન્સરના કેસો વધી રહ્યા છે એમ કહી શકાય. કેન્સર હજી સાધ્ય રોગ બન્યો નથી ત્યારે આ રોગ સર્જતા કારણોનું નિવારણ કરવા પર જ હાલ જેમ બને તેમ વધુ ધ્યાન અપાવું જોઇએ. ભારતમાં કેન્સરના રોગનું વધતું પ્રમાણ ખરેખર ચિંતાજનક છે.