Comments

કાશ્મીર ખીણ સાથે સીધી રેલ લિંકનું ઉદ્ઘાટન એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ધ્વજ સાથે ચિનાબ રેલ બ્રિજ પર કૂચ કરતી વખતે એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. ત્રિરંગા કૂચે ઘણાં લોકોને શ્રીનગરના લાલ ચોક ખાતે ૧૯૯૨ના પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદનની યાદ અપાવી દીધી.૧૯૯૦ના દાયકામાં આતંકવાદ તેની ચરમસીમાએ હતો, જ્યારે અલગતાવાદી હિંસાએ કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મોદીએ ભાજપ પક્ષના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી સાથે મળીને પ્રતિષ્ઠિત લાલ ચોક પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. કાશ્મીર તે સમયથી ઘણું આગળ નીકળી ચૂક્યું છે.

મોદી અને ભગવા પક્ષના નેતાઓ હજી પણ આ ઘટનાને ભારતવિરોધી શક્તિઓ માટે એક હિંમતવાન પડકાર તરીકે ગૌરવ અનુભવે છે. પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદ પાકિસ્તાન સાથેના તાજેતરના લશ્કરી સંઘર્ષ પછી ૬ જૂનના રોજ પહેલી વાર મોદી રિયાસી જિલ્લામાં ચિનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પહોંચ્યા હતા.કાશ્મીર ખીણ સાથે સીધી રેલ લિંકનું ઉદ્ઘાટન એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. કાશ્મીરના વિકાસ, વેપાર અને પર્યટન પર તેની દૂરગામી અસર થવાની શક્યતા છે અને દેશના બાકીના ભાગ સાથે તેના ગાઢ એકીકરણ થશે. મોદી ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવીને ચિનાબ રેલ બ્રિજ પર ચાલતા હતા ત્યારે આ સંદેશમાં શક્તિ અને અર્થ ઉમેરવામાં આવ્યા હતા.

દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલા પછી હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના એક મહિનાની અંદર આ પ્રોજેક્ટ આવ્યો હતો. 1.31 કિ.મી. લાંબો ચિનાબ રેલ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી છે. મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સીધી રેલ મુસાફરીને સક્ષમ બનાવશે. પરંતુ આ ફક્ત કોઈ અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ નથી.

તે વિશ્વના સૌથી ભારે લશ્કરીકૃત ક્ષેત્રમાં આવેલું છે, જે ત્રણ પરમાણુ સશસ્ત્ર દેશો – ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે સ્થિત છે. આતંકવાદથી પ્રભાવિત ભૂપ્રદેશમાં 215 કિ.મી.થી વધુ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે, જેનાથી એ ક્ષેત્રો સુધી પહોંચવાનું આસાન થઈ ગયું, જ્યાં એક સમયે ફક્ત પગપાળા અથવા બોટ દ્વારા પહોંચી શકાતું હતું. આ બ્રિજ બનાવવા માટે 28,000 ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 266 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરી શકે છે. આ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે અને ગુજરાતમાં આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં બમણી ઊંચાઈ ધરાવે છે.

આના પર કાનૂની ઝઘડો પણ થયો હતો. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ પ્રોજેક્ટને રોકવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રોજેક્ટની પદ્ધતિ ખામીયુક્ત છે અને પ્રોજેક્ટનો ખર્ચ અતિશય છે. તેમણે સલામતીના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આ કાનૂની ગૂંચવણને કારણે ચિનાબ નદી પ્રોજેક્ટ પર કામ બે વર્ષ સુધી અટકી ગયું હતું. ભારતીય રેલવે વતી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કેસ લડ્યો અને કોર્ટ સમક્ષ સાબિત કર્યું કે તે દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટને ખાતરી આપી કે, આ પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે તમામ પરિમાણો પર સુરક્ષા અને સલામતીનાં તમામ પાસાંઓ ધ્યાનમાં રાખવામાં આવ્યાં હતાં. તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે, આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિતમાં છે.

કેસ બે વર્ષ સુધી લંબાયો અને અંતે, સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટને મંજૂરી આપી. ભૂતપૂર્વ રજવાડા રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં પહેલી રેલવે લાઇન ૧૮૯૭માં બ્રિટીશરો દ્વારા બનાવવામાં આવી હતી. તે જમ્મુ અને મેદાનોમાં સિયાલકોટ વચ્ચે ૪૦-૪૫ કિ.મી. લાંબી હતી. ૧૯૦૨ અને ૧૯૦૫માં જેલમ નદીના કિનારે રાવલપિંડી અને શ્રીનગર વચ્ચે એક રેલવે લાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ લાઇન કાશ્મીર ખીણને અવિભાજિત ભારતના રેલવે નેટવર્ક સાથે જોડતી હોત. પરંતુ જમ્મુ અને કાશ્મીરના મહારાજા પ્રતાપ સિંહે રિયાસીના રસ્તે થઈ જમ્મુ-શ્રીનગર લાઇનની તરફેણ કરી હતી અને બંનેમાંથી કોઈ પણ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. ભાગલા પછી સિયાલકોટ પાકિસ્તાનમાં ગયો અને જમ્મુ ભારતીય રેલ નેટવર્કથી અલગ થઈ ગયું.

૧૯૭૫માં પઠાણકોટ-જમ્મુ લાઇનના ઉદ્ઘાટન સુધી જમ્મુ અને કાશ્મીરની નજીકનું રેલવે સ્ટેશન પંજાબમાં પઠાણકોટ હતું. ૧૯૮૩માં જમ્મુ અને ઉધમપુર વચ્ચે રેલવે લાઇન પર કામ શરૂ થયું. આ ૫૩ કિ.મી. લાંબી લાઇન પાંચ વર્ષમાં પૂર્ણ થવાની હતી પરંતુ આખરે ૨૧ વર્ષ લાગ્યાં. કામ ચાલુ હોવા છતાં કેન્દ્ર સરકારે ૧૯૯૪માં ઉધમપુરથી શ્રીનગર અને પછી બારામુલ્લા સુધી આ લાઇનના વિસ્તરણની જાહેરાત કરી. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટને માર્ચ ૧૯૯૫માં રૂ. ૨,૫૦૦ કરોડના અંદાજિત ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.

૨૦૦૨માં યુએસબીઆરએલને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તે પછીનાં વર્ષોમાં લાઇનના કેટલાક ભાગો કાર્યરત થયા હતા. યુએસબીઆરએલ આખરે પૂર્ણ થયું – રૂ. ૪૩,૭૮૦ કરોડમાં ૨૭૨ કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે, જે ૩૬ ટનલ અને ૯૪૩થી વધુ બ્રિજમાંથી પસાર થાય છે, જે કટરા અને શ્રીનગરને એકબીજાથી ૩ કલાકના અંતરે લાવે છે.બંને દિશામાં બે વંદે ભારત ટ્રેનો કટરા અને શ્રીનગર વચ્ચેનું અંતર લગભગ ત્રણ કલાકમાં કાપશે, જે રોડ મુસાફરીમાં લાગતો સમય અડધો કરશે.આ ટ્રેનો શિયાળાના ઠંડા સમયમાં પણ દોડશે, જે ખીણને વર્ષભર ઓલ-વેધર કનેક્ટિવિટી પૂરી પાડશે.ટૂંક સમયમાં, આ ટ્રેનને જમ્મુ તાવી સુધી લંબાવવામાં આવશે, જેનાથી દેશના લગભગ કોઈ પણ સ્થળેથી સીધા શ્રીનગરમાં પ્રવેશ શક્ય બનશે.

ટ્રેન લિંક દ્વારા લાવવામાં આવેલી કનેક્ટિવિટી જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનમાં ક્રાંતિ લાવી શકે છે.સમય જતાં, યુએસબીઆરએલ કેન્દ્રશાસિત પ્રદેશના અર્થતંત્ર પર મોટી અસર કરશે તેવી અપેક્ષા છે, જે સફરજન, સૂકાં ફળો, પશ્મીના શાલ, હસ્તકલા વગેરે જેવા માલસામાનને દેશના અન્ય ભાગોમાં શક્ય તેટલા ઓછા સમયમાં અને ઓછા ખર્ચે મુશ્કેલી વગર પહોંચાડી શકાશે.દેશના અન્ય ભાગોથી ખીણમાં દૈનિક ઉપયોગની વસ્તુઓના પરિવહનનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટવાની અપેક્ષા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top