Comments

સોનાની ભભકતી તેજીની અસર આફ્રિકાના મજૂરો પર

એકત્રીસ ગ્રામથી થોડા વધુ (ટ્રોય ઔંસ) સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2700 અમેરિકી ડોલર કરતાં પણ વધારે થઈ છે. રૂપિયામાં તેની કિંમત બે લાખ સતાવીસ હજાર રૂપિયાથી વધુ થાય. જાડી ગણતરી કરીએ દસ ગ્રામના તોલાના સોનાની કિંમત પંચોતેરથી છોંત્તેર હજાર રૂપિયા થાય. પરિણામે ઘાના, આફ્રિકા જેવા દેશોમાં મજૂરો અને છૂટક લોક દ્વારા માટીમાંથી સોનું શોધવાની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ખાણ(માઈન) કંપનીઓનો નફો વધી ગયો છે તેથી તેઓની પ્રવૃત્તિઓમાં પણ ભરતી આવી છે. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે ઘાના તેમજ અન્ય દેશોનાં લોકો પોતાની ધરતીને ઊજાડી રહ્યા છે. પર્યાવરણનો મોટા પાયે નાશ થઈ રહ્યો છે.

ઘાનાના પાટનગર એકરા શહેરના પર્યાવરણવાદીઓ કહે છે કે તમે ગૂગલ મેપમાં જોશો ઘાના હરિયાળી ભૂમિમાંથી બ્રાઉન, ભૂખરો દેશ બની રહ્યો છે તે જોઈ શકાશે. જંગલી બિલાડાં ખોરાક શોધે એ રીતે સોનાની શોધખોળ કરવી તેને ઘાનાની ભાષામાં ‘ગાલામ્સી’ કહે છે. પર્યાવરણવાદીઓએ આ ગાલામ્સી વિરુધ્ધમાં ગયા મહિને પાટનગરભરમાં પ્રદર્શનો યોજ્યાં હતાં. ગાલામ્સીને કારણે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને નદીઓનાં પાણી ઝેરી બની ગયાં છે. આફ્રિકા ખંડમાં સૌથી વધુ સોનું ઘાના પેદા કરે છે. 2019 બાદ સોનાની કિંમતો બમણાથી પણ અધિક વધી છે.

પરિણામે ઈન્ડસ્ટ્રીઅલ માઈનિંગ તો પૂરઝડપે વધ્યું છે, ખાનગીમાં જાતે માઈનિંગ કરતાં લોકોની સંખ્યા વધી છે. ઘાનામાં વ્યક્તિ પોતાની જાત જમીનમાંથી મહેનત કરીને સોનું મેળવી શકે છે, પરંતુ તે માટે અમુક વેરો ચૂકવવો પડે છે. મોટા ભાગના ‘આર્ટિઝનલ એન્ડ સ્મોલ સ્કેલ માઈનર્સ (એએસએમ) વેરો ભર્યા વગર દાણચોરીથી સોનું બારોબાર વેચી નાખે છે. દરેક જણ પર પોલીસ કેવી રીતે ધ્યાન રાખી શકવાની છે! દર વરસે આફ્રિકામાં લગભગ લગભગ એક હજાર ટન સોનું જમીનમાંથી મેળવવામાં આવે છે તેમાંનું અરધા ભાગનું સોનું આ એએસએમ અથવા નાના માણસો દ્વારા મેળવાય છે.

ખેતીવાડીના કામને બાદ કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સુવર્ણના ખનનની કામગીરી સૌથી વધુ લોકોને રોજગારી આપે છે. સોનાના ભાવ હમણાંનાં વરસોમાં સતત વધી રહ્યા છે તેથી મહેનતાણું પણ સારું મળે છે. માલી, ઘાના, ઝિમ્બાબ્વે, નાઈજર, આઈવરીકોસ્ટ, સુદાન, યુગાન્ડા, બુરકીના ફાસો, ઝાંબિયા વગેરે દેશોનું સોનું મળે છે. એવા બાર દેશો છે જેમાં દર વરસે મિનિમમ વીસ ટન કે વધુ સોનું પ્રાપ્ત થાય છે. જે ઔદ્યોગિક યંત્રો જેમ કે એસ્કેવેટર્સ અને બુલ્ડોઝર્સ દ્વારા જમીન ખનન કરીને સોનું મેળવાય છે તે પ્રવૃત્તિઓમાં ચીની લોકોએ ઘણું મૂડીરોકાણ કર્યું છે. કેટલાક ચીનાઓ પણ યોગ્ય લાઈસન્સ મેળવ્યા વગર માઈનિંગ કરે છે. ઘાનામાં ગયા વરસે એક ચીની મહિલાને આ રીતે સોનું મેળવવા બદલ જેલમાં મોકલવામાં આવી હતી.

આ કારોબારમાં દુબાઈનું પણ ઘણું મહત્ત્વ છે. મોટા ભાગનું રિફાઈનિંગ અહીં થાય છે. દુબાઈ હવે રિફાઈનિંગનું કેન્દ્ર બની ગયું છે. 2002 પછીના વીસ વરસમાં દુબઈમાં સોનું ગાળવાના ધંધામાં સાઠ ગણો વધારો થયો છે. દુબઈમાંથી તેલ બાદ સૌથી વધુ મૂલ્યની ચીજ નિકાસ થતી હોય તો તે સોનું છે. આફ્રિકાથી આવતા સોના બાબતે દુબઈમાં સત્તાધીશો દ્વારા કોઈ સવાલો પૂછવામાં આવતા નથી તેથી ગેરકાનૂની કારોબાર વધી ગયો છે તેમ અમુક સંસ્થાઓનું કહેવું છે. વરસ 2022માં આફ્રિકાથી આવતા કુલ સોનામાંથી 65 ટકા જેટલું દાણચોરીથી આયાત થતું હતું.

સબસહારાન આફ્રિકી દેશોમાં સોનું ખનન કરવાની પ્રવૃત્તિમાં લગભગ એક કરોડ લોકો જોડાયેલાં છે. તેઓ માઈનિંગ ઇન્ડસ્ટ્રીમાં નહીં, પરંતુ એએસએમ તરીકે કામ કરે છે. પોતાની રીતે સોનું શોધે છે.ખેતીવાડીની પ્રવૃત્તિઓ અને સોનું શોધવાની પ્રવૃત્તિઓ એકમેકની પૂરક બની શકે છે. કોકોઆની ખેતી માટે સાનુકૂળ હોય એવી જમીનમાંથી સોનું મળવાની શકયતા વધુ રહે છે. પરિણામ એ આવ્યું છે કે ઘાનામાં હજારો એકરોમાં કોકોનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો છે. હજારો એકરોમાં કોકોનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો છે.

ગેરકાયદે સોનું યુદ્ધ ભડકાવવામાં કારણરૂપ અને મદદરૂપ બને છે. સબસહારાના સાહેલ વિસ્તારમાં અમુક સોનાની ખાણો પર મુસ્લિમ જેહાદીઓએ કબ્જો જમાવ્યો છે. પૂર્વીય કોંગોમાં સોના માટે ખાનગી સેનાઓ તેમજ ઉગ્રવાદી લશ્કરો વચ્ચે વારંવાર યુદ્ધ ખેલાતાં હોય છે. કોંગોમાંથી યુગાન્ડા અને રવાન્ડા મારફતે સોનાની દાણચોરી થાય છે. સુદાનમાં જે બે મોટી ફોજો વચ્ચે યુદ્ધ ખેલાઈ રહ્યું છે. તેઓને નાણાંકીય મદદ આ સોનામાંથી મળે છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની અમુક સોનાની ખાણો પર રશિયન ખાનગી મિલિશિયા વેગનર ગ્રુપનો કન્ટ્રોલ છે. આ પ્રવૃત્તિઓમાં આફ્રિકાના રાજકીય નેતાઓ પણ સામેલ થાય છે. લાઇસન્સો માટેની ફી માટે મોટો ભ્રષ્ટાચાર પણ થાય છે.ઘણા રાજકીય નેતાઓ પોતાની માઇનિંગ ગેંગો ચલાવે છે. નકશીકામોથી શોભતાં સોના માટે અનેક કાળાં કામો થાય છે તે ધારણ કરનારા જાણતાં નથી.

માઇનિંગ કાયદેસરનું હોય કે ગેરકાયદેસરનું તેને બંધ કરાવવામાં રાજકારણીઓને રસ હોતો નથી. કારણ કે બન્ને પ્રકારમાં તેઓને મલાઈ મળે છે. ગયા વરસે કતારની અલઝઝીરા ચેનલ દ્વારા ‘ગોલ્ડ માફિયા’ શીર્ષકથી એક ડોક્યુમેન્ટરી દર્શાવવાની હતી તે અગાઉ જ ઝિમ્બાબ્વેની સરકારે એ ડોક્યુમેન્ટરી જોનારાં લોકોનું ડિશ કનેકશન કાપી નાખવાની ધમકી આપી હતી. લિસોથોની રાજકીય પાર્ટીઓને એવી ગેંગો અને માફિયા સાથે સંબંધ હતો જેઓ પડોશના દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણો પર ગેરકાયદે અંકુશો ધરાવતાં હતા. સોનાના ભાવમાં અસાધારણ ક્રાન્તિ આવી છે. ગયા વરસમાં જ તેની કિંમતમાં 38 ટકાનો વધારો થયો. દુનિયામાં યુદ્ધો ચાલી રહ્યાં છે ત્યારે મૂડીનિવેશકોએ હંમેશની માફક સોના પર વધુ ભરોસો દાખવ્યો છે. અમેરિકામાં સોનાની એટલી ડિમાન્ડ નીકળી તે જાણીતા સુપરસ્ટોર કોસ્ટોકએ સોનું વેચવાની ગોઠવણ કરવી પડી. અનેક દેશોની સેન્ટ્રલ (રિઝર્વ) બેન્કો પણ સોનાના કારોબારમાં સામેલ થઇ છે. દુનિયા હવે એક નવા સુવર્ણ તબક્કામાં પ્રવેશી છે.

વોરેન બફેટ સોનામાં મૂડી રોકાણ કરવામાં માનતા ન હતા. કારણ કે સોના દ્વારા કોઇ ચોક્કસ, ઇનકમ જનરેટ થતી નથી એમ તેઓ માનતા. અમેરિકામાં માત્ર 25 ટકા નિવેશકો સુવર્ણવિનિમયના ફંડોમાં નાણાં રોકે છે. શ્રીમંત કુટુંબોના મૂડીરોકાણની વ્યવસ્થા કરતી તેઓની ફેમિલી ઓફિસો એ ઇચ્છતી હોય છે કે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તેઓની મૂડી સલામત રહેવી જોઈએ. આ પ્રકારની ફેમિલી ઓફિસો દ્વારા થતું મૂડીરોકાણ જગતમાં ઉત્તરોત્તર વધીને સાડા પાંચ ટ્રિલયન ડોલર સુધી પહોંચી ગયું છે. તેઓના મતે નાણાંકીય ચલણની કિંમતમાં એકમેક સામે ચડાવ-ઉતાર ચાલતો રહે. તેઓના પરચેઝિંગ પાવરમાં ચડ-ઉતર થતી રહે. પણ સોનાની સ્થિર સપ્લાય તેમ જ પ્રાચીન ઇતિહાસના સમયથી સોનું લોકપ્રિય હોવાથી મૂડીરોકાણકારોને શ્રદ્ધા રહે છે કે કટોકટી કે ચિંતાના સમયમાં સોનું મદદે આવશે.

આજની 65 ટકા ફેમિલી ઓફિસો સોનામાં રોકાણ કરે છે. દુનિયામાં લોકો સોનાની જેટલી ખરીદી કરે છે. તેમાંની પચાસ ટકાનો માત્ર ભારત અને ચીન મળીને કરે છે. બાકીના પચાસ ટકાની ખરીદી એ દેશો સિવાયની દુનિયા કરે છે. જો કે વસતિની સરેરાશ વ્યક્તિ જે સોનું ખરીદે છે તેમાં ભારત ઘણું પાછળ છે. જેમ કે યુનાઈટેડ આરબ અમીરાત (દુબાઈ વગેરે) સરેરાશ વ્યક્તિદીઠ વરસે પાંચ ગ્રામથી વધુ સોનું ખરીદે છે. બીજા ક્રમે હોંગકોંગ, ત્યાર બાદ સ્વીત્ઝર લેન્ડ, તુર્કીએ અને અમેરિકાના ક્રમો આપે છે. છઠ્ઠા ક્રમે જર્મની, સાતમા ક્રમે ચીન અને આઠમા ક્રમે ભારત આવે છે. ભારતની ખરીદી વ્યક્તિદીઠ સરેરાશ અરધા ગ્રામની છે, પણ વસતિ કેવડી મોટી છે? એટલ જ તો દુનિયાનું વીસથી બાવીસ ટકા સોનું એકલું ભારત જ ખરીદી લે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top