Editorial

સમૂહ માધ્યમોની અપરિપક્વતા સમાજ માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે

નવું શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયું છે. બાળકો તો ભણવા લાગ્યા પણ આપણે કદી વિચાર્યું છે કે જેઓ શાળા–કોલેજમાં નથી જતા તેમનું શિક્ષણ કોણ કરે છે? શાળા–કોલેજનાં અભ્યાસ પછી પણ માનવીના ભણતરની પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. સમાજ એ અખબારોમાંથી, ચેનલોમાંથી, ફિલ્મો, નાટકો કે પ્રવચનો જેવા સમૂહ માધ્યમમાંથી સમજણ અને માહિતી મેળવતો રહે છે અને માટે જ દેશમાં સમૂહ માધ્યમોએ ખુબ જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. કમનસીબે આપણા સમૂહ માધ્યમો હજુ જવાબદારી સમજતા હોય તેમ લાગતું નથી તેમાય સોશ્યલ મીડિયા પર તો કોઈ નિયંત્રણ જ નથી. ભારતપાક યુદ્ધ હોય કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના આપણે હંમેશા વિવેકભાન ચુકી જઈએ છીએ.

ભારત પર અનેક વિદેશી આક્રમણ થયા. પણ ભારતની સંસ્કૃતિ અને સભ્યતા ટકી રહી. પણ હવે જ્યારે આ બજારનો હુમલો થયો છે ત્યારે ટકવું મુશ્કેલ પડશે કારણ કે અત્યાર સુધીના હુમલા શારીરિક અને ભૌતિક હતાં. યુદ્ધ થાય ત્યારે માત્ર યુદ્ધમાં ભાગ લેનારાને જ નુકસાન થાય પણ જ્યારે માનસિક હુમલો થાય તમારા વિચાર તંત્ર પર હુમલો થાય ત્યારે સમગ્ર સમાજને નુકસાન થાય છે. લાંબા ગળાનું નુકસાન થાય અને ઝડપથી ન સમજી શકાય એવું નુકસાન થાય.

બરાબર ૧૯૯૧માં ભારતમાં ઉદારીકરણ અને ખાનગીકરણનો દોર ચાલુ થયો ત્યારે સંઘ પરિવાર અને ભાજપનાં નેતાઓ આ વાત લોકોને સમજાવી રહ્યા હતા, ૧૯૯૫થી દેશમાં ખાનગી ચેનલો અને ખાનગી ન્યૂઝ ચેનલોનો વ્યાપ વધ્યો ત્યારે આજ વાત જોરજોર થઈ કહેવામાં આવતી હતી. શરૂશરૂમાં ચેનલોની સીરીયલોના નામ અને ઘટના સાથે વર્ણનો થતા સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એવાં લેખ લખતા. ચેનલો આવી ત્યારે ચેનલો પણ પોતાને આધુનિક ભારતની નિર્માતા સમજવા લાગી, ભારતની પરમ્પરા સંસ્કૃતિ વગેરે માટે પોતાના આધુનિક મત રજૂ કરવા લાગી પણ કુદરતના નિયમ અફર હોય છે.

બાળપણ એટલે બાળપણ. વિકાસ થતો હોય ત્યારની ઉંમર વર્ગીકરણ અને વિશ્લેષણની ઓછી સમજણ, નિર્ણયની અપરિપક્વતા, એકની એક વાત વારંવાર કરવી, પોતાને ખબર પડે એ વાત દુનિયાને પણ પહેલીવાર જ સમજાઈ છે તેમ માનવું. મોટેમોટેથી બોલવું, ખુશી હોય કે દુખ વધારે પડતું બતાવવું. આ બધા જ બાળકનાં લક્ષણ છે કહો કે અપરિપક્વતાના લક્ષણ છે. ટૂંકાગાળાનાં લાભ જોવા, ચોકલેટ માટે લલચાઈ જવું આ બાળપણ છે. અને બાળપણ દરેકને હોય છે, અપરિપક્વતાનો ગાળો બધે જ હોય છે. ઉદ્યોગો પણ બાલ્યાવસ્થામાં હોય, રાજકીય પાર્ટી પણ બાલ્યાવસ્થામાં હોય અને દેશ પણ બાલ્યાવસ્થામાં હોય.

માણસ માટે દસ-પંદર વર્ષ અને સામજિક સંસ્થાઓ માટે આ ગાળો પચાસથી સો વર્ષનો હોઈ શકે છે અને હાં જેમ ઘણાને મરતા સુધી સમજણ નથી આવતી, તેમ અહીં પણ ઘણાને કાયમ માટે જ  અપરિપક્વતાનો રોગ લાગેલો રહે છે. ભારતમાં મીડિયાને હજુ માંડ ત્રીસ વર્ષ થયા, અત્યારે તે લગભગ કિશોરાવસ્થામાં છે અને ઘણી ચેનલો માત્ર બાલ્યાવસ્થામાં પણ જનમાનસ પર વ્યાપક અસર કરનાર આ મીડિયા જે રીતે વર્તી રહ્યું છે તે ઘણું ખતરનાક છે. દેશના સમાજશાસ્ત્રીઓ મનોવિજ્ઞાનીઓ આ માટે સંશોધન કરવાની જરૂર છે. એકના એક સમચાર અને સમયનું પ્રમાણભાન જ નહિ. બાબા રામરહીમ, વડપ્રધાનશ્રીનું ભાષણ,ધાર્મિક બાબાનાં પ્રવચન, વસ્તુની જાહેરાત, નાની નાની વાતોનું વતેસર અને આ બધામાં હેતુપૂર્વક કે અજાણપણે મૂળભૂત પ્રશ્નોની ઉપેક્ષા દેશના આમ આદમીની ચિંતાનો અનાદર, એસ.બી.આઈ.ના બદલાતા નિયમો. શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર, ઘટતી રોજગારી, વધતા ભાવો, જમીનોના ખરીદ વેચાણ, રાજકારણીઓની ગુંડાગીરી, ગ્રામીણ ભારતના પ્રશ્નો, વધતી જતી પરીક્ષાઓ. ક્યાંય કોઈને બોલવું નથી. મોબાઈલ કંપનીઓ હાલમાં આપણી માહિતીઓ વેચી રહી છે તેની કશે જ ચર્ચા નથી.

હમણાં હમણાં બાળકોમાં ગેમનાં નામે આત્મહત્યાનાં કિસ્સા વધ્યા છે. એક ગેમ માણસને ભ્રમિત કરી શકે છે, તો આટલી બધી ચેનલો ભ્રમિત ન કરી શકે? અપરિપક્વ બાળક જો જીવ જોખમમાં મૂકે તો અપરિપક્વ સમાજ જીવન જોખમામાં ના મૂકે. મીડિયા આપણા જાહેર ગાંડપણને પોષે છે. ગણેશ ઉત્સવ, ગરબા, ઉત્તરાયણ કે દિવાળી. મીડિયાનું કામ આપણને સાચી સમજ આપવાનું છે પણ મીડિયા આપડા ગાંડપણ ને ગ્લોરીફાઈ કરે છે અને માટે આ ગાંડપણ વધે છે. જરૂર કરતા વધુ ચેનલો, સંશોધન પાછળ ઓછો ખર્ચ, પરિપક્વ પત્રકારોની અછત અને ટકવા માટે જરૂરી જાહેરાતો માટે ઉદ્યોગો અને સરકાર પર આધારિત મીડિયાને પરિપક્વ બનવા દેતા નથી અને માટે આપડે ભ્રમિત થઇ રહ્યા છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top