જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે, આ સુનાવણી દક્ષિણ આફ્રિકા દ્વારા લાવવામાં આવેલા કેસનો એક ભાગ હતો. જો કે અપેક્ષા મુજબ જ ઈઝરાયેલે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. આ વર્લ્ડ કોર્ટ કે વિશ્વ અદાલત એ હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) છે.
જે આઇસીજેના નામે જ વધુ પ્રખ્યાત છે જેને વિશ્વની અદાલત પણ કહેવામાં આવે છે. જો કે તે નામ માત્રની જ અદાલત છે કારણ કે તેના આદેશોનું ભાગ્યે જ પાલન થાય છે. સાચી વાત તો એ છે કે તેના આદેશોનું પાલન કરાવવા માટે કોઇ તંત્ર જ નથી અને જે દેશને આ આદેશ આપવામાં આવે છે તે આ આદેશ તેને અનુરૂપ નહીં હોય તો તે આદેશને ઘોળીને પી જાય છે, જેવું કે હાલમાં ઇઝરાયેલે કર્યું છે.
ગાઝાના નાગરિક વિસ્તારોમાં જે બેરોકટોક બોમ્બમારો ઇઝરાયેલે કર્યો છે અને ૨૫૦૦૦ જેટલા નિર્દોષ નાગરિકોના જીવ આ હુમલાઓમાં ગયા છે તે સંદર્ભમાં આ દેખીતો નરસંહાર અટકાવવા માટે ICJ દ્વારા કહેવામાં આવ્યું છે તે બાબતે ઇઝરાયેલ નામક્કર ગયું છે. ઇઝરાયલના વડા પ્રધાને આ આદેશનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ કહ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા અતૂટ છે.” નિર્દોષ લોકોના બેરોકટોક જીવ લેવા, આંતરરાષ્ટ્રીય અદાલતના આદેશનો ઉલાળિયો કરી જવો અને પછી આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની પ્રતિબધ્ધતાની વાત કરવી! જો કે ઘણા બધા દેશો આવા બેવડા ધોરણો જ અપનાવતા હોય છે.
ICJ એ ઇઝરાયલને ગાઝામાં પેલેસ્ટિનિયનો વિરુદ્ધ સંભવિત નરસંહાર કૃત્યો સામે શ્રેણીબદ્ધ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ઈઝરાયેલે એક મહિનાની અંદર કોર્ટને તેના પાલન અંગે રિપોર્ટ કરવો જોઈએ. જો કે આનો અમલ થાય તેમ લાગે છે ખરું? ICJ દ્વારા જારી કરાયેલા આદેશો કાયદેસર રીતે બંધનકર્તા હોવા છતાં, તેની પાસે તેનો અમલ કરવાની સત્તા નથી. અને ઇઝરાયેલ આ આદેશનું પાલન કરે તેવી કોઇ શક્યતા નથી. જો કે આ નવી વાત નથી. ભૂતકાળમાં પણ આવુ અનેક વખત બન્યું છે. અનેક દેશો પાસે પોતાના વિવિધ પ્રકારના આદેશોનું પાલન આઇસીજે કરાવી શકી નથી.
આઇસીજે એ ખરેખર તો પરમેનન્ટ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ જસ્ટિસ (પીસીઆઇજે)ની અનુગામી છે. પીસીઆઇજેની સ્થાપના સને ૧૯૨૦માં તે સમયની વિશ્વ દેશોની સંસ્થા લીગ ઓફ નેશન્સ દ્વારા કરવામાં આવી હતી. બીજું વિશ્વયુદ્ધ પુરું થયા બાદ લીગ ઓફ નેશન્સ સંસ્થાનું નામ બદલાઇને યુનો અને બાદમાં યુએન થયું અને પીસીઆઇજેનું નામ બદલાઇને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઇસીજે થયું, જે આજ દિન સુધી ચાલુ છે. આઇસીજે દ્વારા કોઇ દેશની વિરુદ્ધ આદેશ આપવામાં આવ્યો હોય તો બહુ બહુ તો વિશ્વમાં તે દેશની નાલેશી થઈ શકે છે, પરંતુ તે દેશની વિરુદ્ધ કોઈ પગલાં ભરી શકાતાં નથી કારણ કે આવું કરવા માટેની કોઇ વ્યવસ્થા કે તંત્ર જ નથી. અને વિશ્વના મોટાભાગના દેશો તે વિકસાવવામાં રસ ધરાવતા પણ નથી કારણ કે બધા દેશોને પોતપોતાના સ્વાર્થ હોય છે.