સંશોધનનું મહત્ત્વ આપણે સૌ બખૂબી સમજીએ છીએ. આજે માનવીનું પૃથ્વી પર ટકી જવાનું મુખ્ય કારણ સંશોધન જ છે. સંશોધન વિના માણસ કેવી દશામાં જીવતો હોત તે કલ્પના સહેજેય કોઈ કરી શકે છે. કમ્પ્યુટર જેવાં ધરમૂળથી આપણું જીવન બદલનારાં ઇનોવેશન જ નહીં પણ નાનાં અમથાં ઇનોવેશનોએ આપણા જીવનને એટલું સગવડભર્યું કર્યું છે કે તેનો હિસાબ માંડવો મુશ્કેલ છે. સંશોધનના આ જમા પાસાને એક તરફ મૂકીએ તેમ છતાં આજે કેટલાંક સંશોધન જે રીતે થઈ રહ્યાં છે તે માનવજાતને ઉપયોગી થશે કે કેમ તે પ્રશ્ન તો છે જ, પણ તે સંશોધન થવાં જોઈએ કે નહીં તે પણ સવાલ છે.
હાલમાં જ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કની કંપનીએ એક સંશોધન એવું કર્યું છે તે જાણીને આશ્ચર્ય તો થાય પણ તેમ કર્યું છે તે અંગે પણ પ્રશ્ન થાય. એલન મસ્કની એક કંપની ન્યૂરોસાયન્સમાં અદભુત પ્રદાન કરી રહી છે. આ જ કંપનીએ હાલમાં વાંદરાના મસ્તિષ્કમાં એક ચીપ ફીટ કરી અને તે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે માટે વાંદરાને વીડિયોગેમ રમાડવાનો પ્રયોગ કરી જોયો. મસ્કે આ પ્રયોગ પછી એમ પણ નિવેદન આપ્યું કે, અમેરિકાના વેલ્ફેર એક્ટના પ્રતિનિધિ જ્યારે આ પ્રયોગ અંગે તપાસ કરવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, મેં અત્યાર સુધી આ પ્રકારની સુવિધા વાંદરાને મળી હોય તે જોયું નથી!
આ પ્રયોગ માણસના બ્રેઇનમાં થયેલાં ડેમેજ્ડનો ઇલાજ કરવા ખાતર થઈ રહ્યો છે. આ અગાઉ પણ મસ્કે આ પ્રકારનો પ્રયોગ ભૂંડ પર કરી જોયો હતો. જો કે આ પ્રયોગની પૂરતી વિગત મસ્કની કંપનીએ જાહેરમાં શેર કરી નહોતી. પ્રયોગમાં ઘણું બધું અટકળો પર ચાલતું હોય છે. કોરોનાની વેક્સિન પર આટઆટલું સંશોધન થયું હોવા છતાં હજુ પણ તે અંગે અટકળોનો દોર થંભ્યો નથી. પરંતુ જે રીતે મસ્કની કંપની પ્રયોગ કરી રહી છે તેનો વિરોધ વિશ્વની ખ્યાતનામ સંસ્થા ‘પેટા’[પીપલ ફોર ધ એથિકલ ટ્રિટમેન્ટ ઑફ એનિમલ્સ] કર્યો છે. ‘પેટા’ના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કેથી ગુઇલર્મોએ આ અંગે નિવેદન આપ્યું છે કે, “એલન મસ્ક વિજ્ઞાની નથી અને ખુરશીમાં બેસાડીને વાંદરાના મસ્તિષ્કમાં ચીફ ફીટ કરીને આખો દિવસ વીડિયો ગેમ રમાડવા જેવી દુઃખદ ઘટના કોઈ નથી. આ સંશોધનમાં પાયાનું કામ કરવાનો દાવો કરતાં એલન મસ્કની કોઈ પણ હિસાબે પ્રશંસા કરવા જેવું નથી.”
આ પ્રકારનો જ અન્ય દાવો અમેરિકાના એક અન્ય ઉદ્યોગપતિ ડેવ એસ્પ્રેએ કર્યો છે. તેમણે પોતાના શરીરમાં જ પ્રયોગ કર્યો છે અને તે પ્રયોગ 180 વર્ષ સુધી તેમને જીવવાની આશા અપાવે છે. આ સંશોધનમાં તેમણે શરીરમાંથી બોનમેરો સ્ટેમસેલ કઢાવી ફરી પ્રત્યારોપિત કર્યા છે. તેમણે શરીરની બાયોલોજિકલ ક્લોકને ઊલટી ઘૂમાવવા માટે બાયોહેકિંગ કર્યું છે. તેમણે આ માટે કોલ્ડ ક્રાયો થેરપી પણ અજમાવી છે.
વિચિત્ર લાગતાં સંશોધનના ઇતિહાસની શરૂઆત આધુનિક કાળથી થઈ જ્યારથી માણસની વિચારવાની શક્તિ અમર્યાદ રીતે વધી છે. આ અંગે જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી ઇ. એફ. શુમાકરનું ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘જીવનનું સર્વાંગી વિજ્ઞાન’ વાંચવા જેવું છે. કાન્તિ શાહે અનુવાદિત કરેલાં આ પુસ્તકની ભૂમિકા બાંધતા શુમાકરની વાત આ રીતે લખી છે : “પશ્ચિમની સભ્યતા ભૂલી પડી છે. તે માનવજાતની સર્વસામાન્ય પરંપરાથી એકદમ ચાતરી જઈને હડહડતા ભૌતિકવાદમાં ગરકી ગઈ છે અને આજના આપણા બધા પ્રશ્ન આને લીધે જ ઊભા થયા છે….આપણા હૃદયમાં પરિવર્તન નહીં થાય ત્યાં સુધી આ સવાલો અણ-ઊકલ્યા જ રહેશે… આજે પાયાનાં મૂલ્યોમાં પરિવર્તન કરવાની અને નૈતિક પુનરુત્થાનનની જરૂર છે.”
આ સંદર્ભને સામે રાખીને જ્યારે એલન મસ્ક અને ડેવ એસ્પ્રેનાં સંશોધન જોઈએ તો તેમાં કેટલી મોટી મર્યાદા દેખાય છે. આ અંગે શુમાકરે ટાંકેલી વાત બંધબેસતી છે. તેઓ લખે છે : “ભૌતિક વિજ્ઞાનનો પોતે પૂર્ણ હોવાનો ડોળ અને દાવો એ આજનો મોટો ખતરો છે. વિજ્ઞાનીઓ અમુક એક ક્ષેત્રના નિષ્ણાતો છે, પણ તેઓ જાણે સમગ્ર જીવન વિશે માર્ગદર્શન આપવાને કાબેલ છે એવું વલણ ખતરનાક છે. ઘણા સૈકાઓ સુધી ધર્મશાસ્ત્રનો સામ્રાજ્યવાદ ચાલ્યો. આજે હવે ત્રણ સૈકાથી તેનાથીયે વધુ આક્રમક એવો ‘વિજ્ઞાનનો સામ્રાજ્યવાદ’ ચાલી રહ્યો છે.”
આ રીતે અનેક સંશોધનો થયાં છે, જે એક સમયે જાણીતાં બન્યાં, પરંતુ રોજબરોજના કે કટોકટીના સમયમાં તેનો ઉપયોગ સીમિત રહ્યો. એવું જ એક ઉદાહરણ ‘મોનોવીલ’નું છે. 1886માં આ મોનોવીલ એટલે કે યુનિસાઈકલની શોધ રિચાર્ડ હેમિંગે કરી હતી. પહેલાંવહેલાં તેનું ઘેલું લોકોને લાગ્યું હતું પરંતુ ધીરેધીરે યુનિસાઇકલની સ્થિરતાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. એ રીતે આ પૂરો કન્સેપ્ટ સીમિત વર્ગ માટે જ ઉપયોગી રહ્યો. આવાં અન્ય વિચિત્ર ઉદાહરણ પણ મળે છે, પરંતુ મૂળે વાત જીવનમાં અગત્યની બાબત ઓળખવાની છે. તે અંગે શુમાકરે ‘જીવન એક પાઠશાળા’ નામના પ્રકરણમાં ચર્ચા કરી છે. તેમાં તેઓ લખે છે : “માણસે પોતાની આસપાસની જુદી જુદી પરિસ્થિતિ સાથે તાલ મેળવતાં-મેળવતાં જીવવાનું છે.
કેટલીક વાર કપરા સંજોગોમાંથી માર્ગ કાઢીને ચાલવાનું છે. આને લીધે તેની સામે અનેકવિધ સવાલો ઊઠતા રહે છે. એમ કહી શકાય કે જીવવું એટલે સવાલો સામે ઝૂઝવું. આ સવાલોના ઉકેલ ન જડે તો માણસને તેનો ભારે અજંપો રહે છે. તેથી માણસ આ સવાલોના ઉકેલ શોધવાની કાયમ મથામણ કરતો રહ્યો છે. છેલ્લા સૈકાઓમાં ભૌતિક વિજ્ઞાનોએ જે હરણફાળ ભરી, તેમાં અનેક સવાલોના ઉકેલ શોધાયા. …પરંતુ શું બધા જ સવાલો ઉકેલી શકાય તેવા હોય છે? સવાલ-સવાલના સ્વરૂપમાંયે ફરક છે. દા.ત. આપણી સામે એક સવાલ આવ્યો કે બે પૈંડાંવાળું મનુષ્યબળથી ચાલે એવું વાહન કેમ બનાવવું? ઘણી શોધો થઈ, પ્રયોગો થયા, ઉકેલ રજૂ થયા. છેવટે એમ ફલિત થયું કે આનો ઉકેલ છે – સાઇકલ. હવે આ બાબત ઝાઝું વિચારવાનું કે ખોજ કરવાનું રહેતું નથી. આ એક લગભગ કાયમનો ઉકેલ જડી ગયો.”
ઇવન, શૂમાકર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સિદ્ધાંત સામે પણ પ્રશ્ન કરે છે. તેઓ લખે છે : “આપણને એમ કહેવામાં આવે છે કે, ‘ડાર્વિને બે વસ્તુ કરી : એણે એમ બતાવી દીધું કે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સર્જન વિશેની ધર્મગ્રંથોની દંતકથાઓને ખોટી પાડે છે. ઉપરાંત તેણે એમ પણ બતાવી દીધું કે નૈસર્ગિક કે પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ આપોઆપ થતી રહે છે અને તેમાં દૈવી માર્ગદર્શન કે યોજના માટે કશો અવકાશ નથી” હવે વાસ્તવમાં સર્જન, દૈવી માર્ગદર્શન, દૈવી યોજના છે કે નહીં તેનો નિર્ણય કરવાનું કામ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક નિરીક્ષણના ક્ષેત્રની બહારનું છે. વનસ્પતિ કે પ્રાણીને ઉછેરનાર કોઈ પણ માણસ જાણે છે કે સારી જાત ને ઓલાદની પસંદગી દ્વારા ફેરફારો આણી શકાય છે. તેથી નૈસર્ગિક પસંદગી ઉત્ક્રાંતિના ફેરફાર માટે એક માધ્યમ બન્યું એમ કહેવું વૈજ્ઞાનિક રીતે સાચું છે.
પરંતુ તેટલા પરથી એવો દાવો કરવો કે “ઉત્ક્રાંતિ આપોઆપ જ થઈ અને તેમાં દૈવી માર્ગદર્શન કે યોજના માટે કશો અવકાશ નહોતો” એ તો બિલકુલ વાહિયાત છે. કોઈ એમ સાબિત કરી શકે કે લોકોને રસ્તા પરથી પૈસા જડી રહે છે પરંતુ આટલા પરથી એવું અનુમાન તો ન બાંધી લેવાય કે બધી આવકો આવી જ રીતે પ્રાપ્ત થાય છે? એટલે જ અંતે શૂમાકર તેનો જવાબ આપતા લખે છે : “જીવનનું રહસ્ય હજી ખોળવું પડશે. પરંતુ ઉત્ક્રાંતિવાદ, ભૌતિકવાદ, ઉપયોગિતાવાદ આજ સુધી ઊંચા સિંહાસને આરૂઠ થઈને બેઠેલા ત્યાંથી તેમને ઉઠાડી મૂકવાનું કામ સાચી દિશાનું એક મોટું પગલું છે.” મૂળે વાત સાચા સંશોધનને ઓળખવાની અને એને પ્રોત્સાહન આપવાની છે.