Editorial

રાતા સમુદ્રમાંથી જહાજનું અપહરણ એ આખા વિશ્વ માટે ચિંતાની બાબત

ગાઝાના હમાસ સંગઠને ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યાર પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર લડાઇ શરૂ થઇ તે આજે એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહી છે તે વચ્ચે રવિવારે એક નવી ઘટના બની ગઇ. આ ઘટનાની આમ તો વિશ્વસ્તરે બહુ નોંધ લેવાઇ નથી પરંતુ વિશ્વભર માટે આ ઘટના ચિંતાજનક છે. તુર્કીથી ભારત તરફ આવી રહેલ એક માલવાહક જહાજનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ અપહરણ ઇરાનનો ટેકો ધરાવતા યમનના બળવાખોર જૂથ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

યમનના હુથી બળવાખોરોએ ઇઝરાયેલ સાથે સંકળાયેલ અને ભારત તરફ આવી રહેલ એક માલવાહક જહાજનું અપહરણ કર્યા બાદ આ જહાજ પરના પચ્ચીસ કર્મચારીઓને બંધક બનાવી લીધા છે. આ કર્મચારીઓમાં જો કે કોઇ ભારતીય નહીં હોવાનું જાણવા મળે છે તે આપણા માટે રાહતની વાત છે પરંતુ જેમને ઇઝરાયેલ-હમાસની લડાઇ સાથે કંઇ લેવા દેવા નથી તેવા પચ્ચીસ કર્મચારીઓના કુટુંબીજનોની માનસિક સ્થિતિ કેવી હશે તે એક વિચારવા જેવી બાબત છે.

ઇરાનનું સમર્થન ધરાવતા આ હુથી બળવાખોરોએ રવિવારે બપોરે રાતા સમુદ્રના મહત્વના વહાણવટાના માર્ગેથી આ જહાજનું અપહરણ કર્યું હતું. આ જહાજ તુર્કીના કોરફેઝથી ભારતના ગુજરાતના પીપાવાવ બંદરે આવી રહ્યું હતું તે સમયે રાતા સમુદ્રમાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગેલેક્ષી લીડર નામનું આ જહાજ બ્રિટિશ માલિકીનું અને જાપાનની કંપની દ્વારા સંચાલિત છે, જો કે પબ્લિક શીપિંગ ડેટાબેઝમાં આ જહાજની માલિકી રે કેર કેરિયર્સની હોવાનું જણાવાયું છે જેની સ્થાપના અબ્રાહમ રામી ઉંગાર દ્વારા કરવામાં આવી હતી જેઓ ઇઝરાયેલના સૌથી ધનિક શખ્સ તરીકે જાણીતા છે.

જહાજની ઓપરેટર જાપાનીઝ કંપની એનવાયકે લાઇન દ્વારા જણાવાયું છે કે અપહરણ સમયે જહાજમાં કોઇ સામાન નહીં હતો. તેના કર્મચારીઓ ફિલિપાઇન્સ, બલ્ગેરિયા, રોમાનિયા, યુક્રેન અને મેક્સિકોના વતની છે એમ આ કંપનીએ જણાવ્યું છે. જાપાનીઝ સરકાર હુથી બળવાખોરો સાથે વાટાઘાટો કરીને આ કર્મચારીઓને છોડાવવા પ્રયાસો કરી રહી છે. જાપાનની સરકાર ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, ઓમાન અને ઇરાનની સરકારો સાથે પણ સંપર્કમાં છે.

જહાજનું અપહરણ કરનાર હુથીઓએ ગાઝામાં હુમલા બંધ કરવાની માગણી સાથે કહ્યું છે કે ઇઝરાયેલ માત્ર બળની ભાષા સમજે છે તેથી આવું કરવામાં આવ્યું છે. હુથી બળવાખોરોએ ઇઝરાયેલની માલિકીના જહાજોને નિશાન બનાવવાની અગાઉ ધમકી આપી જ હતી અને આ જહાજનું અપહરણ કરીને તેણે આ ધમકીને સાચી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. જો કે આ અપહરણથી ઇઝરાયેલની સરકારને કે આ જહાજના અબજપતિ માલિકને કશો ફેર પડવાનો નથી પરંતુ નિર્દોષ એવા પચ્ચીસ જેટલા જહાજી કર્મચારીઓના કુટુંબીજનોના જીવ જરૂર તાળવે ચોંટી ગયા હશે પરંતુ બુડથલ ત્રાસવાદીઓ આ વાત સમજી શકતા નથી.

પોતાના તથાકથિત હેતુઓ માટે લડતા ઉગ્રવાદીઓ કોઇ જહાજનું કે વિમાનનું અપહરણ કરે, જાહેર સ્થળોએ હુમલા કરીને નિર્દોષ લોકોની હત્યાઓ કરે, નિર્દોષોને બાન પકડે આ બધા કૃત્યો સામાન્ય પ્રજામાં ત્રાસ ફેલાવવાના કૃત્યો છે જેમને મહદઅંગે રાજકીય લડાઇઓ સાથે કંઇ લાગતું વળગતું હોતું નથી. અને નિર્દોષ લોકોમાં ત્રાસ ફેલાવવાની વૃત્તિને કારણે જ આવા કથિત લડવૈયાઓને ત્રાસવાદી કહેવામાં આવે છે.

રાતા સમુદ્રમાંથી આ જે જહાજના અપહરણની ઘટના બની છે તે આખા વિશ્વ માટે એ રીતે ચિંતાજનક છે કે આ કે તે ગમે તે યુદ્ધ કે લડાઇ માટે આ રીતે જહાજોને નિશાન બનાવવાની ટેવ ત્રાસવાદીઓને પડી જાય તો તે વૈશ્વિક વહાણવટા પર ગંભીર અસર કરી શકે છે. આજે તો ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થાને કારણે વિમાનોનું અપહરણ કરવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે સમુદ્રી જહાજો હજી પણ સહેલુ નિશાન છે અને આથી જ હવે વૈશ્વિક વહાણવટાને સલામત બનાવવા માટે પણ વિશ્વના દેશોએ સહકાર ગાઢ બનાવવાની જરૂર છે. વૈશ્વિક વહાણવટાને સદીઓથી ચાંચિયાઓનું જોખમ તો રહેતું આવ્યું જ છે, તેમાં હવે આ ત્રાસવાદનું તત્વ ઉમેરાયું છે. આ દૂષણને નાથવા માટ વિશ્વના દેશોએ સહકાર કરવો જ પડશે.

Most Popular

To Top