નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રીને મળેલા જામીન ઉપર દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) સ્ટે મુક્યો છે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય.
કોર્ટમાં બપોરે એક વાગ્યે સુનાવણી શરૂ થયા બાદ અરવિંદ કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ રાઉઝ એવેન્યુ કોર્ટના જજ ન્યાય બિંદુના ચુકાદા પર ઇડીની ટીપ્પણી ઉપર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે સુપ્રીમે કેજરીવાલને થોડા સમય માટે જામીન આપ્યા હતા, ત્યારે ગઇકાલના ચુકાદામાં પણ જજે સુપ્રીમના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને હજી સુધી દોષી જાહેર કરવામાં આવ્યા નથી. આ માટે સ્ટે નો કોઇ સવાલ જ નથી. ત્યારે હાઇ કોર્ટે સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલને કહ્યું હતું કે અમે તમને પણ સાંભળીશું. તમામ પક્ષને પોતાની વાત સામે રાખવાની તક મળવી જોઇયે. પહેલા મિસ્ટર રાજુ કે જેઓ ઇડીના વકીલ છે તેમને સુનાવણી શરૂ કરવા દો. અમે તમને પણ સાંભળીશું.
આ સાથે જ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે કહ્યું કે, જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ માન્ય રહેશે નહીં. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી.
કેજરીવાલના જામીન પર EDએ શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના જામીન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં EDએ કહ્યું હતું કે દિલ્હીના સીએમના જામીન મની લોન્ડ્રીંગ કેસને અસર કરી શકે છે. ત્યારે EDએ દિલ્હી હાઈકોર્ટને તાત્કાલિક કેજરીવાલના જામીન પર રોક લગાવવા કહ્યું હતું. કારણ કે ઇડી ઇચ્છે છે કે દિલ્હી હાઇકોર્ટ રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર સ્ટે આપે. તેમજ ED તરફથી હાજર રહેલા એડવોકેટ એસવી રાજુએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે 8 વાગ્યે જામીનનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. તેમજ ઓર્ડર પણ અપલોડ કરવામાં આવ્યો ન હતો અને અમને જામીનને પડકારવાની યોગ્ય તક આપવામાં આવી ન હતી.
સંજય સિંહે ED પર સવાલો ઉઠાવ્યા
કેજરીવાલના જામીન મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ગુંડાગીરી જુઓ. ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ આવ્યો નથી. હજી આદેશની નકલ પણ પ્રાપ્ત થઈ નથી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કયા આદેશને પડકારવા માટે હાઈકોર્ટમાં ગઈ હતી?
રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે આપ્યા હતા જામીન
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવાર 20 જૂને રાત્રે 8 વાગ્યે દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો. કોર્ટે EDને કહ્યું હતું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. અગાઉ EDએ કોર્ટને કહ્યું હતું કે જામીન પર 48 કલાકનો સ્ટે લાદવો જોઈએ પરંતુ વેકેશન બેન્ચે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલને જામીન મળવા પર દિલ્હીના મંત્રી આતિશીએ ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું.