Editorial

ભારતમા સ્ટાર્ટઅપ્સનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે

ભારત સરકારની ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલ, જે જાન્યુઆરી 2016માં શરૂ કરવામાં આવી હતી, તે દેશની વધતી જતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પોષવા અને રોકાણોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાઇ હતી અને તેણે આમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે.   ભારત 2018માં 15 ટકાના મજબૂત વાર્ષિક વૃદ્ધિ દર સાથે, વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) સ્ટાર્ટઅપ્સના વિકાસ પર ધ્યાન અપે છે. તે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના માટેની નોડલ બોડી છે અને ભારતમાં સ્ટાર્ટઅપ્સાના વિકાસને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ભારતમાં આજે તો વિવિધ ક્ષેત્રે શરૂ થયેલા અનેક સ્ટાર્ટઅપ્સે મજબૂત કંપનીઓ તરીકે વિકાસ કર્યો છે અને વૈશ્વિક સ્ટાર્ટઅપ્સ હબ તરીકે ભારતની પ્રતિષ્ઠા જામી ગઇ છે.

 ગ્લોબલ ડેટા મુજબ, ભારતીય સ્ટાર્ટઅપ્સે જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 સુધીમાં વેન્ચર કેપિટલ ફંડિંગમાં $7.5 બિલિયન એકત્ર કર્યું છે, જે રોકાણકારોનો દેશના ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપમાં વિશ્વાસ દર્શાવે છે.  S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સે આગાહી કરી છે કે FY31 સુધીમાં ભારતનું જીડીપી લગભગ બમણી થઈને $7 ટ્રિલિયનથી વધુ થઈ જશે, જે તેને 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. વૈશ્વિક નિષ્ણાતો ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક ‘બ્રાઈટ સ્પોટ’ તરીકે જુએ છે. અને ભારતની આ વિકાસયાત્રમાં સ્ટાર્ટઅપ કંપનીઓ મોટો ફાળો આપવા માંડી છે. 

બે ભારતીય શહેરો, બેંગલુરુ અને મુંબઈ, વૈશ્વિક સ્તરે ટોચના 50 સ્ટાર્ટઅપ શહેરોમાં સ્થાન પામ્યા છે. આ વૃદ્ધિના તબક્કામાં, LinkedIn એ 2024 માટે ભારતમાં ટોચના ઉભરતા સ્ટાર્ટઅપ્સની સાતમી વાર્ષિક યાદી બહાર પાડી છે, જે એવી કંપનીઓને જુદી તારવે છે કે જેઓ માત્ર રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી નથી પરંતુ તેમના ઉદ્યોગોમાં  પણ અગ્રેસર રહી છે. LinkedIn લિસ્ટમાં અગ્રણી ઈ-ગ્રોસરી સ્ટાર્ટઅપ Zepto છે, જે વર્ષ 2023માં ભારતનું પ્રથમ યુનિકોર્ન બન્યું છે. 

21 અને 22 વર્ષની વયના સ્થાપક કૈવલ્ય વોહરા અને આદિત પાલીચાએ હવે 2024ની હુરુન રિચ લિસ્ટ મુજબ અનુક્રમે રૂ. 3,600 કરોડ અને રૂ. 4,300 કરોડની નેટવર્થ સાથે ભારતમાં સૌથી યુવા અબજોપતિ તરીકે તેમનું સ્થાન મેળવ્યું છે.  ઝેપ્ટોના પ્રસિદ્ધિમાં ઝડપી વૃદ્ધિએ તેને 2024 માટે LinkedInનું ટોચનું ભારતીય સ્ટાર્ટઅપ બનાવ્યું છે. ઝેપ્ટોની આ વિકાસયાત્રા અને તેના પ્રમોટરોએ યુવા અબજોપતિ તરીકે સ્થાન મેળવ્યું તે બાબત ભારતીય સ્ટાર્ટઅપ્સ કેવો નેત્રદીપક વિકાસ કરી શકે છે અને ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકો જો તેમને યોગ્ય પ્રોત્સાહન મળે તો કેવું કાઠું કાઢી શકે છે તેનું ઉદાહરણ છે.

ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં અને તેમને મળતા ભંડોળમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં ટેક કંપનીઓની સંખ્યા વધીને 122,000 થઈ ગઈ છે. 2020 માં તો ભારત 16,000 થી વધુ નવા ઉમેરાઓનું સાક્ષી બન્યું છે. 2020 અને 2021માં પાછલા દસ વર્ષોમાં રોકાણના ઉચ્ચતમ સ્તર જોવા સાથે, ભંડોળના લેન્ડસ્કેપમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે.

2023 માં ફંડિંગ લેન્ડસ્કેપમાં અવરોધો હોવા છતાં, રોકાણ કંપનીઓ, એન્જેલ રોકાણકારો, સાહસ મૂડીવાદીઓ અને ખાનગી ઇક્વિટી કંપનીઓએ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર સ્તરે વિશ્વાસ દર્શાવ્યો છે. ઈન્ટરનેટનો વધારો, ડિજિટાઈઝેશન અને સરકારી પહેલ જેવા અનેક પરિબળોએ ભારતમાં 2014 થી 2023 સુધી ટોચના ભંડોળ ધરાવતા ક્ષેત્રોના વિકાસને વેગ આપ્યો છે. આ ક્ષેત્રોમાં રિટેલ, એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ, ફિનટેક, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ટેક, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ટેક, ઓટો ટેક, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી ટેક અને એડટેકનો સમાવેશ થાય છે, એમ Tracxn અહેવાલમાં જણાવાયું છે.

ડીપટેક, સ્પેસટેક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈવી જેવા વિવિધ નવા ક્ષેત્રોએ ભારતીય સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપને વ્યાપક બનાવ્યું છે. Tracxn રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે DeepTechમાં ફંડિંગમાં વધારો જોવા મળ્યો છે, જે 2022માં $2.1 બિલિયન સુધી પહોંચી ગયું છે, જ્યારે EV ઉદ્યોગે છેલ્લા દસ વર્ષમાં $4.8 બિલિયનનું ફંડિંગ જોયું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વૈશ્વિક રોકાણકારો આટલા મોટા પ્રમાણમાં ભંડોળો ઠાલવવા તત્પર રહે છે તે ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોની કુશળતાને વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. ખરેખર ભારતીય સ્ટાર્ટઅપ્સનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.

Most Popular

To Top