National

‘બમ બમ ભોલે’ના નારા સાથે અમરનાથ યાત્રાનો ભવ્ય આરંભ: 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ભારતમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક ગણાતી શ્રી અમરનાથ યાત્રાનું આજથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. તા.3 જુલાઇ 2025ના રોજ ગુરુવારે સવારે બાબા અમરનાથની પહેલી આરતી સાથે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા ગુંજી ઉઠ્યા હતા. અનેક યાત્રાળુઓ ભારે ભક્તિભાવ સાથે ગુફાના દર્શન માટે રવાના થયા છે. યાત્રાની શરૂઆત પહેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તા.2 જુલાઇ બુધવારે જમ્મુના ભગવતી નગરથી પહેલી ટોળીને લીલી ઝંડી બતાવી હતી.

આ વર્ષે યાત્રા 38 દિવસ ચાલશે અને તા.9 ઑગસ્ટ, એટલે કે રક્ષાબંધનના દિવસે પૂરી થશે. ગયા વર્ષે યાત્રા 52 દિવસની હતી અને લગભગ 5 લાખ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

યાત્રા માટે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે – પહલગામ અને બાલતાલ.

  1. પહેલગામ રૂટ:

પહેલગામ રૂટ યાત્રાળુઓ માટે વધુ આરામદાયક માનવામાં આવે છે, કારણ કે તેમાં ચઢાણનું પ્રમાણ ઓછું હોય છે. અહીંથી યાત્રા કરવા માટે લગભગ 3 દિવસ લાગે છે. પહલગામ પછી પહેલું સ્ટોપ છે ચંદનવાડી, જે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે.

ત્રણ કિમી ચઢાણ કર્યા પછી, યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી, યાત્રા ચાલીને સાંજ સુધીમાં શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમી છે. બીજા દિવસે, યાત્રાઓ શેષનાગથી પંચતરણી જાય છે. પંચતરણી શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. તેમજ ગુફા પંચતરણીથી ફક્ત 6 કિમી દૂર છે.

2. બાલતાલ રૂટ:

જેઓ પાસે સમય ઓછો હોય, તેઓ બાલતાલ રૂટ પસંદ કરે છે.આ રૂટ ફક્ત 14 કિમી લાંબો છે, પરંતુ ઢાળ ખૂબ જ કઠીન છે.વૃદ્ધો અને દર્દીઓ માટે આ માર્ગ વધારે પડતો પડકારજનક છે કારણ કે અહીં સાંકડા અને ખતરનાક વળાંકો છે.

સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા: યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓ માટે મેડિકલ ચેકઅપ, ડૉક્ટર ટીમો, અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જમ્મુમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન માટે વિવિધ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જેમ કે સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, અને મહાજન સભા. આ સેન્ટર્સ દરરોજ 2000 યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કરે છે.

યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો: શ્રદ્ધાળુઓને યાત્રા પહેલા સંપૂર્ણ રીતે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવાની સલાહ આપવામાં આવી છે.પ્રાણાયામ અને યોગ, તથા દૈનિક 4-5 કિમી ચાલવાની ટેવ પણ યાત્રાની તૈયારી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

યાત્રા દરમિયાન જરૂરી દસ્તાવેજો:

1. આધાર કાર્ડ

2.મેડિકલ સર્ટિફિકેટ

3.RFID(Radio Frequency Identification) કાર્ડ

4.પાસપોર્ટ સાઇઝ ફોટા

5.ટ્રાવેલ ફોર્મ

આ ઉપરાંત, યાત્રા દરમિયાન ઊનના કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટિક, પાણીની બોટલ, અને પ્રાથમિક દવાઓ સાથે રાખવા સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top