Gujarat

ખેડૂતો પાસેથી સરકાર વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરશે

ખેડૂતો આગામી તા. ૧૩ ફેબ્રુઆરીથી ૦૫ માર્ચ, ૨૦૨૬ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે, ચણાની રૂ. ૫,૮૭૫ પ્રતિ કિવ. (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ) અને રાઇની રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર,તા.11
રાજ્યના ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે ચણા અને રાઇ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા અને પાકને યોગ્ય બજાર મળતું રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PSS) હેઠળ રાજ્યમાં ચણા અને રાઇની ખરીદી હાથ ધરાશે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં પાક ખરીદવાની તૈયારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ 2026 દરમિયાન શરૂ થશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પરથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. નોંધનીય છે કે, આ નોંધણી પ્રક્રિયા VCE દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે અને ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ અનુસાર, ચણાની ખરીદી રૂ. 5,875 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,175 પ્રતિ મણ) અને રાઇની ખરીદી રૂ. 6,200 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,240 પ્રતિ મણ)ના દરે કરવામાં આવશે. આ ભાવ જાહેર થતાં ખેડૂતોને અગાઉથી જ પાક આયોજન અને વેચાણ અંગે સ્પષ્ટતા મળી છે.કૃષિ મંત્રીએ રાજ્યના ચણા અને રાઇ પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. સરકારના આ પગલાથી ખેડૂતોને બજારના ભાવમાં થતા ઉતાર-ચઢાવ સામે રક્ષણ મળશે અને તેમની આવકને સ્થિરતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂતી આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Most Popular

To Top