દેશમાં હજુ કાળઝાળ કહી શકાય તેવી ગરમી શરૂ થઈ નથી. આગામી મે માસમાં ચામડી દઝાડી તેવી ગરમી પડવાની સંભાવના છે તો બીજી તરફ ગત વર્ષની જેમ વીજળીના વધુ વપરાશને પગલે હવે કોલસાની તંગી ઊભી થઈ જવા પામી છે. દેશમાં કોલસાથી મોટાપાયે વીજળી ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે કોલસાની કમી આગામી દિવસોમાં વીજસંકટ પેદા કરશે. કોલસાની કમીને કારણે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં પાવરકટની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. એક તરફ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને કારણે મોંઘવારી માઝા મુકી રહી છે ત્યારે બીજી તરફ કોલસાની કમીને કારણે દેશની અર્થવ્યવસ્થા વધુ ખોરવાઈ જશે. કેન્દ્ર સરકારે કોલસાની કમી નહીં રહે તે માટે વ્યાપક પ્રયાસો કરવા પડશે.
ગત વર્ષે પણ કોલસાની સમસ્યા ઊભી થઈ હતી. આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયામાં વીજળીની માંગની સામે સપ્લાયમાં 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ જ્યારે કોલસાની સમસ્યા થઈ ત્યારે આ ઘટાડાની ટકાવારી એકની હતી. આ વખતે વધારે છે. જેથી સંકટ પણ મોટું છે. કોલસાની સમસ્યા ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વધારે જોવા મળી રહી છે. આ રાજ્યોમાં વિવિધ કંપનીઓના પ્લાન્ટ છે. કોલસાની કમીને કારણે વીજસંકટ ઊભું થતાં વીજકાપ મુકવો પડ્યો છે.
સામાન્ય રીતે પાવર પ્લાન્ટે 24 દિવસનો કોલસાનો સ્ટોક રાખવાનો હોય છે પરંતુ હાલમાં આ પ્લાન્ટ પાસે માત્ર 9 જ દિવસનો કોલસાનો સ્ટોક છે. ઉક્ત ત્રણ રાજ્યોની સાથે સાથે યુપી, પંજાબ, કર્ણાટક, બિહાર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા તેમજ ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વીજ સંકટ જોવા મળી રહ્યું છે. આ રાજ્યોમાં જરૂરિયાતની સામે ઓછી વીજળી સપ્લાય કરવામાં આવી રહી છે. યુપીના સૌથી મોટા પ્લાન્ટમાં પણ 4 જ દિવસનો કોલસાનો જથ્થો બચ્યો છે. કોલસાની સપ્લાય નહીં થવાને કારણે વીજસંકટ ઘેરું બની રહ્યું છે.
જે રાજ્યોમાં વીજ સંકટ વધી રહ્યું છે તે રાજ્યોની કંપનીઓ દ્વારા પોતાના પ્રોડકશનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અનેક કંપનીઓ દ્વારા પોતાનું ઉત્પાદન અડધું કરી દેવામાં આવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વીજકાપ શરૂ થઈ ગયો છે. ટ્રેનની કમીને કારણે પણ કોલસાનો પૂરતો સપ્લાય કરી શકાતો નથી. આમ તો એપ્રિલની શરૂઆતથી જ ગરમી વધી જવાને કારણે વીજળીની વધુ માંગ અને તેને કારણે કોલસાની ખપત વધવા માંડી હતી. દર મહિને વીજળીની માંગ વધી રહી છે. આગામી વર્ષે એપ્રિલ માસ સુધીમાં વીજળીની માંગમાં 15 ટકાથી પણ વધુનો વધારો થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતી કોલ ઈન્ડિયાએ પણ કોલસાનો પુરવઠો વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પણ કોલસાની કિંમત વધી છે અને તેને કારણે પુરવઠો ઘટી રહ્યો છે.
એક સમયે જ્યાં વિશ્વમાં કોલસાના ભાવમાં મોટો વધારો થયો હતો ત્યારે ભારતમાં કોલસાની કિંમત ઓછી હતી પરંતુ હવે વધેલા ભાવની અસર ઘરેલું કોલસાના માર્કેટ પર પણ પડી રહી છે. દિવસેને દિવસે કોલસાનો પુરવઠો અને તેની માંગ સામેનું અંતર વધી રહ્યું છે. આ સંજોગોમાં કોલસાનો પુરતો પુરવઠો રાખવાની સાથે વીજ ઉત્પાદન માટેના અન્ય સ્ત્રોત પણ સરકારે શોધવાની અને તેના થકી મોટાપાયે વીજ ઉત્પાદન કરવાની જરૂરીયાત છે. એક સમયે ગુજરાત સોલાર પાવરના ઉત્પાદન થકી વીજળીમાં સરપ્લસ થયું હતું ત્યારે ભારત સરકારે વીજળીના મામલે અતિગંભીર રહેવાની જરૂર છે. વીજળીની માંગ દિવસેને દિવસે વધી રહી છે અને તેની સામે ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. જેથી વીજ કાપ રહેશે જ. સરકાર જો વેળાસર નવા ઉપાયો નહીં કરે તો વીજસંકટ દેશની અર્થવ્યવસ્થાને તોડી નાખશે તે નક્કી છે.