ગુજરાત સહિત દેશભરમાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાના કિસ્સાઓ સમયાંતરે નોંધાઈ જ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં આવા કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં અનેક કિસ્સાઓ બનતાં રાજ્યના હ્રદયરોગના નિષ્ણાંત તબીબો દ્વારા એવું કારણ આપવામાં આવ્યું કે આવા કિસ્સાઓ સામાન્ય છે અને તેના માટે કોરોના જવાબદાર નથી. નિષ્ણાંત તબીબોની સ્પષ્ટતા છતાં પણ હાર્ટ ફેઈલ થવાની ઘટનાઓ અટકી નથી. અચાનક છાતીમાં દુખાવો થવો અને મોત થવું તે સામાન્ય થઈ ગયું છે. અગાઉ મોટી ઉંમરની વ્યકિતઓમાં જ આ તકલીફો જોવા મળતી હતી પરંતુ હવે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ આ રીતે મોતની ઘટનાઓ જોવા મળી રહી છે અને તે ચિંતાજનક છે. તાજેતરમાં જ જાપાનની સંશોધન સંસ્થા રિકેનનના વિજ્ઞાનીઓ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે તેણે દુનિયાભરમાં એક ડરનો માહોલ સર્જ્યો છે.
કોરોનાની મહામારીમાં કોરોનાનો વાઈરસ શરીરમાં ઘુસ્યા બાદ લોહીને જાડું કરી દે છે. કોરોનાની સારવાર દરમિયાન પણ તબીબો દ્વારા અન્ય દવાઓની સાથે એવી દવાઓ આપવામાં આવતી હતી કે જેનાથી લોહી પાતળું થાય. કોરોનામાંથી સાજા થયા બાદ પણ ત્રણેક માસ સુધી લોહી પાતળું થવાની દવા તબીબો દ્વારા આપવામાં આવી રહી છે અને તે જરૂરી છે. જેણે કોરોના થયા બાદ આ રીતે દવા લીધી નથી કે લોહીની તપાસ કરાવી નથી અને વધુ પડતો શ્રમ કર્યો હોય તો તેવી વ્યક્તિના મોત થવાના કિસ્સા જોવા મળી રહ્યા છે.
જાપાનની સંસ્થાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, દુનિયાભરમાં હાર્ટ ફેઈલ થવાના કિસ્સા એટલા પ્રમાણમાં વધશે કે જેને મહામારી ગણી શકાય. સંસ્થા દ્વાર એવો દાવો કરવામાં આવ્યો છે કે મનુષ્યના કોષમાં કોરોના વાઈરસ જે એસીઈ ટૂનામના રિસેપ્ટર સાથે ચોંટે છે તેવા રિસેપ્ટર હ્રદયમાં ખૂબ કોમન હોય છે. છેલ્લા કેટલાક સમયમાં વધેલા અચાનક છાતીમાં દુખીને હાર્ટ ફેઈલથી મોત થવાના કિસ્સા સાથે જાપાનની સંસ્થાની ચેતવણીને જોડવામાં આવે અચાનક હાર્ટ ફેઈલની ઘટનાઓ પાછળના કારણોને સમજી શકાય તેમ છે.
જાપાનની સંસ્થા દ્વારા ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને ચેતવણી અપાઈ છે પરંતુ અચાનક હાર્ટ ફેઈલથી મોત થવાના કિસ્સા ગુજરાત અને દેશમાં વધી જ ગયા છે. જાપાનની સંસ્થા દ્વારા એવો દાવો પણ કરાયો છે કે, ભૂતકાળમાં જેને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે તેવા લોકોના હ્રદય હાલમાં પણ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા નથી. આ પાછળનું કારણ હાલમાં જોવા મળ્યું નથી પરંતુ આ સ્થિતિ જોખમકારક છે જ અને સરકારે તે મુદ્દે ગંભીર બનવાની જરૂરીયાત છે.
જાપાનની સંસ્થા એવું કહી રહી છે કે, એસએઆરએસ સીઓવીટૂ તરીકે ઓળખાવાયેલા કોરોનાના વાયરસને કારણે ભવિષ્યમાં હાર્ટફેઈલ થવાનું જોખમ વધી શકે છે. કોરોનાનો ચેપ અને હાર્ટ ફેઈલ વચ્ચેનો સીધો સંબંધ હજુ સુધી સ્થાપિત કરી શકાયો નથી. પરંતુ હાર્ટ ફેઈલના વધેલા કિસ્સા અને જાપાનની આ સંસ્થાની ચેતવણીને સમજીને સરકારે તાકીદના ધોરણે પગલા લેવાની જરૂરીયાત છે.
કોરોનાની મહામારીમાં જે રીતે સરકાર દ્વારા ગંભીરતાથી લઈને પગલા લેવામાં આવ્યા હતા તેવી જ રીતે સરકારે કોઈ વ્યક્તિનું હાર્ટ કેટલું મજબુત છે તે તપાસવાની શરૂઆત કરી દેવી જોઈએ. ભવિષ્યમાં હાર્ટ ફેઈલ થવા જેવી કોઈ મહામારી આવે તે પહેલા જ સરકારે જાગી જવાની જરૂરીયાત છે. સરકારે આ માટે એક્શન પ્લાન તૈયાર કરીને તેની પર કામ શરૂ કરી દેવાની જરૂરીયાત છે. લોકોએ પણ પોતાના હ્દરય કેટલા મજબુત છે તેની તપાસ કરાવી લેવા જોઈએ. અત્યાર સુધી જે તે રોગની મહામારી આવતી હતી પરંતુ સીધું હાર્ટ ફેઈલ એવી સ્થિતિ છે કે જેમાં જે તે દર્દીનું મોત થવાનું જોખમ રહેલું છે. જો સરકાર સવેળા નહીં જાગે તો ભવિષ્યમાં હાર્ટ ફેઈલની મહામારીને કાબુમાં કરવી અઘરી રહેશે તે ચોક્કસ છે.