એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ભાગ્યે જ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનું હબ બની જવા પામ્યું છે. ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ પકડાવાની માત્રા વધી રહી છે તે જોતાં એ દિવસો દૂર નથી કે જ્યારે ગુજરાતને પણ લોકો ‘ઉડતા ગુજરાત’ તરીકે ઓળખવા માંડે. થોડા સમય પહેલા જ મુંદ્રાના અદાણી પોર્ટ ખાતેથી 21000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. આ સમાચારનો વિવાદ મોટાપાયે ચાલ્યો હતો.
પરંતુ આ વિવાદ શાંત પડી જાય તે પહેલા જ ફરી દેવભૂમિ દ્વારકા ખાતેથી 210 કરોડનું 60 કિલો ડ્રગ્સ પકડાતાં ગુજરાત માથે ડ્રગ્સનો ખતરો વધી જવા પામ્યો છે. સુરતમાં પણ બુધવારે ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. છેલ્લા એક વર્ષમાં સુરતમાં વીસેક વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો હશે. સુરત જ નહીં વાપી તેમજ અંકલેશ્વરમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ પણ ભૂતકાળમાં પકડાઈ ચૂકી છે. જે બતાવે છે કે ગુજરાત ડ્રગ્સના બારૂદ પર બેઠું છે.
ભૂતકાળમાં કાશ્મીરથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય થતી હતી. પાકિસ્તાન કાશ્મીરની સરહદથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડતું હતું પરંતુ કાશ્મીરમાં મિલિટ્રીની ગતિવિધિ તેજ બની જતાં હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતની દરિયાઈ સરહદ પર પસંદગી ઉતારી છે. ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિ.મી. જેટલો લાંબો છે. આટલો લાંબો દરિયાકાંઠો હોવાને કારણે તેની પૂરતી સાચવણી થઈ શકે તેમ નથી. ડ્રગ્સ માફિયાઓ દ્વારા આનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે.
ભૂતકાળમાં ગુજરાતના જ દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં આરડીએક્સનો જથ્થો ઉતર્યો હતો. જોકે, તે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવ્યો હતો પરંતુ હાલમાં ડ્રગ માફિયાઓ માટે સૌરાષ્ટ્ર અને દ્વારકાનો દરિયાકાંઠો વધારે સુગમતાવાળો બની ગયો છે. અગાઉ જે 21000 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો તે કચ્છના મુંદ્રા પોર્ટ પરથી પકડાયો હતો. જ્યારે આ વખતે જે ડ્રગ્સનો જથ્થો પકડાયો છે તે પણ દેવભૂમિ દ્વારકામાંથી પકડાયો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાકિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. ત્રણની અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ કયા બંદર પર આ ડ્રગ્સનો જથ્થો ઉતારવામાં આવ્યો તેને પોલીસ શોધી રહી છે.
દેવભૂમિ દ્વારકામાંથી પકડાયેલા ડ્રગ્સના જથ્થા બાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થાને પકડવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તેમનું નિવેદન જ બતાવી રહ્યું છે કે જો આટલા મોટાપાયે ડ્રગ્સનો જથ્થો પકડાયો હોય તો કેટલો ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હશે? ગુજરાતમાં પણ ધીરેધીરે યુવાનોમાં ડ્રગ્સનો વપરાશ વધી રહ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાપાયે ડ્રગ્સ મળી રહ્યાની સાથે રાજ્યમાં ડ્રગ્સનો નાનો-નાનો જથ્થો મળવાની અનેક ઘટનાઓ બની છે. પોલીસ દ્વારા ધરપકડો પણ કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સના વેપારનો મામલો ઘટવાને બદલે વધી જ રહ્યો છે તે ગુજરાત માટે ભારે ચિંતાજનક છે.
ગુજરાત સરકારે હવે ચેતી જવાની જરૂરીયાત છે. અગાઉ મુંદ્રા પોર્ટ પરથી 21000 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળ્યો ત્યારે જ સરકારે દોડતા થઈ જવાનું હતું. જો સરકારે ત્યારે જ જાગીને તપાસ શરૂ કરી હોત તો ડ્રગ્સ માફિયાઓને કાબુમાં કરી શકાયા હોત. 21000 કરોડના ડ્રગ્સના મામલે તપાસ એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે આખા મામલો પડતો મુકી દીધો અને તેને કારણે ડ્રગ માફિયાએ બેફામ બની ગયા. હજુ પણ મોડું થયું નથી. ગુજરાત પોલીસ અને તમામ એજન્સી ડ્રગના રેકેટની પાછળ લાગે તે જરૂરી છે. જો આમ નહીં થાય તો ગુજરાતના યુવાન ડ્રગ્સનો બંધાણી થતાં વાર નહીં લાગે તે નક્કી છે.